કેનેડામાં વિદ્યાર્થીઓને તો દૂરની વાત સ્થાનિક લોકોને પણ નોકરી મળતી નથી: રિપોર્ટ

PC: avanse.com

ભારતના ઘણા બધા પરિવારના લોકો એવા સપના જોતા હોય છે કે તેમના સંતાનો વિદેશમાં ભણે અને અઢળક કમાણી કરે, ખાસ કરીને કેનેડા મોકલવાની માતા-પિતાઓની ઘેલછા હોય છે. પરંતુ દરેક પીળું હોય એ સોનું નથી હોતું. કેનેડાની વાસ્તિકતાનો ચિતાર રજૂ કરતો એક ગ્રાઉન્ડ રિપોર્ટ BBCએ તૈયાર કર્યો છે જેની નરવી વાસ્તવિકતા જાણવા જેવી છે.

પંજાબની 24 વર્ષની એક યુવતી 3 વર્ષ પહેલાં કેનેડા ગઇ હતી જેનું નામ અર્પણ છે. અર્પણે પોતાના અનુભવ વર્ણવતા કહ્યુ કે, જ્યારે પંજાબમાં ભણતી હતી ત્યારે ઘણા બધા લોકોના મોઢે માત્ર કેનેડાની જ વાત સાંભળતી હતી. કેનેડા સ્વચ્છ શહેર છે, વિદ્યાર્થીઓ પાસે કાર હોય, મોટા મોટા ઘર હોય. મેં વીડિયો પણ જોયા હતા જેમાં કેનેડા વિશે સારી સારી વાતો હતી. મારા માતા- પિતા બંને પ્રોફેસર છે અને તેમની પણ ઇચ્છા હતી કે હું કેનેડા જાઉં.

અર્પણે આગળ કહ્યું કે, મને કેટલાંક લોકોએ ચેતવી હતી, પરંતુ મારા મગજ પર કેનેડા જવાનું ભૂત સવાર હતું. પરંતુ અહીં આવીને જોયું તો ખબર પડી કે કેનેડાનું સપનું અને વાસ્તવિકતામાં મોટો ફરક છે. એજન્ટો તમને મોટી મોટી વાતો કરે, પરંતુ ઘણી બધી વાતો છુપાવે. મારે 7 મહિના બેઝમેન્ટમાં રહેવું પડ્યું એક હોલમાં. ભણવાનું પુરુ કર્યા પછી હું સિક્યોરીટી ગાર્ડની જોબ કરી રહી છું. અર્પણે કહ્યું કે, અહીં જોબ ફેર માટે મોટી મોટી લાઇનો લાગે છે અને તેમાં મોટેભાગની ભારતીય સ્ટુડન્ટસ હોય છે.

અકરમ 28 વર્ષનો છે અને 2023માં સ્ટડી પરમીટ પર કેનેડા ગયો હતો. તે બ્રેમ્પટન કોલેજમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. અકરમનો પરિવાર ભારતમાં મજૂરી કરે છે, પરંતુ 22 લાખ રૂપિયાનું દેવું કરીને અકરમને કેનેડા મોકલ્યો છે. અકરમે કહ્યુ કે, આ દેવું પુરુ કરવાની ચિંતામાં કેનેડામાં 2 શિફ્ટમાં જોબ કરવી પડે છે. માંડ 5 કલાકની ઉંઘ મળે છે. તેણે કહ્યું કે, કેનેડા એક સોહામણી જેલ જેવું છે. અહીં બધી સુવિધા છેસ પરંતુ આમાંથી તમે બહાર નિકળી શકતા નથી.

નિર્લેપસિંહ ગિલ કેનેડામાં સામાજિક સેવાનું કામ કરે છે અને ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરે છે, તેમણે કહ્યુ કે, ભારતના બાળકો આરામદાયક જિંદગી જીવતા હોય છે અને તેમના માતા-પિતા પણ ઘણી કાળજી લેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ જ્યારે કેનેડા આવે છે ત્યારે તેમના માથા પર અનેક જવાબદારીઓ આવે છે. જેને કારણે તેમને માનસિક તનાવ ઉભો થાય છે. બીજું કે કેનેડામાં 55થી 70 પ્રકારના ડ્રગ્સ મળે છે, જેને લીધે કેટલાંક વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે ચઢી જાય છે અને અને શારિરિક- માનસિક રોગી બની જાય છે.

ભારતના વિદેશ રાજ્યમંત્રી વી, મુરલીધરે રાજ્યસભામાં તાજેતરમાં આંકડા રજૂ કર્યા હતા, જેમાં કહેવમાં આવ્યું હતું કે વર્ષ 2018થી 2023 સુધીમાં વિદેશમાં 403 ભારતીયોના મોત થયા છે અને તેમાં સૌથી વધારે 95 મોત કેનેડામાં થયા છે.

કેનેડાના પત્રકાર જશવીર સમીલે કહ્યું કે, સ્ટડી પરમીટ કેનેડામાં પ્રવેશવાનું એક માધ્યમ છે. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ પુરો કર્યા પછી ટ્રક ડ્રાઇવર, ટેક્સી ડ્રાઇવર, ડિલીવરી વર્કર કે હોટલમાં કામ કરે છે. જે વિષયનો તેમણે અભ્યાસ કર્યો હોય તે વિષયની નોકરી બધાને મળતી નથી. કેનેડામાં હાલની સ્થિતિ ખરાબ છે. વિદ્યાર્થીઓને તો દુરની વાત છે, પરંતુ કેનેડાના સ્થાનિક લોકોને પણ નોકરી મળતી નથી.

જાન્યુઆરી 2024થી કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર પ્રતિંબંધ લગાવ્યો છે. બે વર્ષ માટે 35 ટકાનો ઘટાડો કર્યો છે. કેનેડા હવે એ આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ માસ્ટર્સ કે ડોક્ટરેટ કરતા હોય તેમના પતિ કે પત્નીને વિઝા આપે છે. એનાથી ઉતરતા અભ્યાસ માટે પત્ની કે પત્નીને વિઝા મળતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp