હવે થાઈલેન્ડમાં ઉથલપાથલ...કોર્ટે PMને જ પદ પરથી હટાવ્યા, દેશની કમાન કોના હાથમાં?
બાંગ્લાદેશ બાદ હવે થાઈલેન્ડમાં રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે. થાઈલેન્ડની બંધારણીય અદાલતે બુધવારે PM શ્રેથા થવિસિનને પદ પરથી હટાવી દીધા છે. નૈતિકતાના કેસમાં કોર્ટે તેમની સામે ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પછી થાઈલેન્ડમાં ફરી એકવાર રાજકીય ગરમાટો આવી ગયો છે.
ન્યાયાધીશોએ 5-4 ચુકાદો આપ્યો કે શ્રેથા થવિસીને તેના કેબિનેટમાં એક ગુનેગાર વકીલની નિમણૂક કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસ થાઈલેન્ડના ભૂતપૂર્વ શાસક જંટા દ્વારા નિયુક્ત ભૂતપૂર્વ સેનેટરોના જૂથ દ્વારા લાવવામાં આવ્યો હતો.
આના એક સપ્તાહ પહેલા જ કોર્ટે મુખ્ય વિપક્ષી પાર્ટીનું વિસર્જન કર્યું હતું. કોર્ટના આદેશથી થાઈલેન્ડના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. બંધારણીય અદાલતે શ્રેથાને એક કેબિનેટ સભ્યની નિમણૂક માટે દોષિત ઠેરવ્યા હતા, જેઓ કોર્ટના અધિકારીને લાંચ આપવા બદલ જેલમાં હતા. કોર્ટે 5:4ની બહુમતીથી શ્રેથા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.
જ્યાં સુધી સંસદ નવા PMની નિમણૂક ન કરે ત્યાં સુધી કેબિનેટ કેરટેકર ધોરણે રહેશે. આ પદ પર નિમણૂક માટે સંસદને કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. શ્રેથાએ એપ્રિલમાં કેબિનેટમાં ફેરબદલ દરમિયાન પીચિટ ચુએનબાનને PM કાર્યાલયમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
પિચિટને 2008માં કોર્ટના તિરસ્કાર માટે છ મહિનાની જેલ કરવામાં આવી હતી, જ્યારે તેણે ભૂતપૂર્વ PM થાકસિન શિનવાત્રાને સંડોવતા કેસમાં 2 મિલિયન બાહત (55,000 US ડૉલર) સાથે કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે આ ઘટના પર ફરી વિવાદ ઉભો થયો, ત્યારે પિચિટે તેમની નિમણૂકના થોડા અઠવાડિયા પછી પદ પરથી રાજીનામું આપી દીધું. કોર્ટે કહ્યું કે, જો કે પિચિટ પહેલાથી જ જેલની સજા ભોગવી ચૂક્યો છે, તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તેનું વર્તન અપ્રમાણિક હતું. તેમણે ચુકાદો આપ્યો કે PM તરીકે, શ્રેથાને તેમના કેબિનેટ સાથીઓની લાયકાતની ચકાસણી કરવાની જવાબદારી હતી.
કોર્ટે કહ્યું કે, શ્રેથા પિચિટના ભૂતકાળથી વાકેફ હતા, પરંતુ તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કર્યા અને આ રીતે તેઓએ (કોડ ઓફ એથિક્સ) આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, સેના દ્વારા નિયુક્ત 40 સેનેટરોના જૂથ દ્વારા શ્રેથા વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કેબિનેટમાં પિચિટ ચુએનબાનની નિમણૂક કરવા માટે PM ઓફિસમાંથી શ્રેથાને હટાવવાની માંગ કરી હતી. પિચિટ પૂર્વ PM થાકસિન શિનાવાત્રાની નજીક ગણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp