ઇમરાન ખાન પરમાણુ હથિયારો છોડવા તૈયાર પણ આ શરત પર

PC: hindustantimes.com

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકામાં થઈ રહેલી તેમની અવગણનાને લઈને તેઓ અત્યંત ચર્ચામાં છે. ત્યારે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આજીજી કરી હતી કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરીને કંઈક સમાધાન આણવું જોઈએ.

તમને જણાવી દઈએ કે પ્રેસ કોન્ફરન્સમાં ઈમરાન ખાનને પૂછવામાં આવ્યું હતું કે જો ભારત પરમાણુ હથિયાર છોડવા તૈયાર થાય તો શું પાકિસ્તાન પણ પરમાણુ હથિયાર છોડશે? તો એના જવાબમાં ઈમરાને કહ્યું હતું કે જો ભારત એવું કરશે પાકિસ્તાન ચોક્કસ જ પરમાણુ હથિયાર છોડશે કારણ કે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ શક્ય નથી.

જોકે આ ડહાપણ ડહોળતી વખતે ઈમરાને એમ પણ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન પાછલા સીત્તેર વર્ષોથી એકબીજા સાથે સરખી રીતે નથી રહી શક્યા એનું માત્ર એક જ કારણ છે અને એ કારણ છે કાશ્મીર. અને અમેરિકા એક માત્ર એવો દેશ છે, જે આ સમસ્યામાં મધ્યસ્થી કરી શકે એમ છે. સાથે જ ઈમરાને એમ પણ કહ્યું હતું કે અગાઉ મોદી પણ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો અનુરોધ કરી ચૂક્યા છે. પરંતુ ભારતના વિદેશમંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે મોદીએ ક્યારેય ટ્રમ્પને કાશ્મીર મુદ્દે કોઈ મધ્યસ્થી માટે અનુરોધ નથી કર્યો. આથી અમેરિકામાં ઈમરાનનું નાક કપાયું હતું.

સાથે જ ભારતના વિદેશમંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાછલા અનેક વર્ષોથી ભારતનું સ્ટેન્ડ એક જ રહ્યું છે અને એ છે પાકિસ્તાન સાથેની દ્વિપક્ષીય વાતચીત. એ સિવાય ભારતે ક્યારેય કોઈ મધ્યસ્થીની અપેક્ષા રાખી નથી. ઉલ્લેખનીય છે પાકિસ્તાનમાં એક તરફ સામાન્ય લોકોના ખાવાના ઠેકાણા નથી ત્યાં પાકિસ્તાને પરમાણુ હથિયારો પર અબજો રૂપિયાનું આંધણ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ભૂમિ પર આતંકવાદીઓને છૂટો દોર અપાયો છે, જે છાસવારે ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન પર હુમલા કરે છે. આવી સ્થિતિમાં અમેરિકા તરફથી પાકિસ્તાનને હજુ સુધી કોઈ ધરપત નથી મળી, જે સ્પષ્ટ કરે છે અમેરિકાને પાકિસ્તાનની બાલિશ વાતોમાં રસ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp