26th January selfie contest

પાક.માં પેટ્રોલ 250 રૂ. લીટરને પાર છતા ભારત કરતા મળી રહ્યું છે સસ્તું, સમજો ગણિત

PC: firstpost.com

પાકિસ્તાનની ઈકોનોમી પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. મોંઘવારીની પરિસ્થિતિ એ છે કે લોકોને ભોજન નથી મળી રહ્યું. વિદેશી મુદ્રા ભંડાર પૂર્ણ થવાની કગાર પર પહોંચવાને પગલે દેશ જરૂરી સામાનોની આયાતમાં પણ અસમર્થ દેખાઈ રહ્યો છે. ભોજન-પાણી અને અન્ય વસ્તુઓની સાથે જ પાકિસ્તાનમાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાન પર પહોંચી ચુક્યા છે અને પેટ્રોલ પંપો પર અફરા-તફરીનો માહોલ છે. દેશમાં પેટ્રોલની કિંમત 250 રૂપિયા પ્રતિ લીટર કરતા વધુ થઈ ગઈ છે પરંતુ, હજુ પણ અહીં ભારતની સરખામણીમાં ખૂબ સસ્તું ઈંધણ વેચાઈ રહ્યું છે. જાણો કઈ રીતે.

પાકિસ્તાનમાં હાલ લોટની અછત છે, બીમારીની સારવાર માટે જરૂરી દવાઓની અછત છે અને દેશનો ખજાનો સતત ખાલી થઈ રહ્યો છે. આ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. મોંઘવારીથી ત્રાહિમામ કરી રહેલી દેશની જનતા પર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરી વધુ એક મોંઘવારીનો બોમ્બ ફોડ્યો છે. રવિવાર (29 જાન્યુઆરી)ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 249.80 રૂપિયા અને ડીઝલ 262.80 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.

એક અમેરિકી ડૉલરની કિંમત આશરે 260 પાકિસ્તાની રૂપિયાની બરાબર પહોંચી ગઈ છે. એક ડૉલરની સરખામણીમાં સોમવારે રૂપિયો 81.64 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. આ પ્રમાણે જોઈએ તો એક ભારતીય રૂપિયો 3.10 પાકિસ્તાની રૂપિયા બરાબર છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો પ્રમાણે જોઈએ તો એક ડૉલરમાં પાકિસ્તાનમાં એક લીટર કરતા વધુ પેટ્રોલ આવી જાય છે કારણ કે, ત્યાં પેટ્રોલની કિંમત 249.80 રૂપિયા છે જ્યારે, એક ડૉલરમાં આશરે એક લીટર ડિઝલ પણ મળી શકે છે.

તેની સરખામણીમાં ભારતની વાત કરીએ તો ભારતમાં એક ડૉલરમાં એક લીટર પેટ્રોલ પણ નથી ખરીદી શકાતું. તેનું કારણ છે અમેરિકી મુદ્રાની ભારતીય કરન્સીમાં કિંમત, ભારતમાં ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર છે અને દેશના ઘણા હિસ્સાઓમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરને પાર છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે એટલે કે એક ડૉલર અથવા 81.64 રૂપિયામાં એક લીટર પેટ્રોલ ના ખરીદી શકાય. એટલે કે તેને માટે એક ડૉલર કરતા વધુ આશરે 15 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત, ડીઝલના હાલના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં તેનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે એટલે કે એક લીટર ડીઝલ ખરીદવા માટે એક ડૉલર ઉપરાંત 7.96 રૂપિયા આપવા પડશે.

ભારત અને પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતોમાં તફાવતની વાત કરીએ તો પાડોશી દેશની સરખામણીમાં ભારતમાં પેટ્રોલ આશરે 20 ટકા વધુ મોંઘુ છે. જોકે, તેની પાછળ એક કારણ કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઈંધણ પર લગાવવામાં આવતા ટેક્સને પણ માની શકાય છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોના ગણિતને જોઈએ તો રાજધાની દિલ્હીમાં હાલ એક લીટર પેટ્રોલની બેઝ પ્રાઈઝ 57.13 રૂપિયા છે. તેના પર 19.90 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી 15.71 રૂપિયા વેટ અને 3.78 રૂપિયા ડીલર કમિશન લાગે છે. તેનાથી પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા થઈ ગઈ. ડીઝલની બેઝ પ્રાઈઝ 57.92 રૂપિયા પ્રતિ લીટર છે. તેના પર 15.80 રૂપિયા કેન્દ્રની એક્સાઈઝ ડ્યૂટી અને 13.11 રૂપિયા વેટ લાગે છે. આ ઉપરાંત, 2.57 રૂપિયા પ્રતિ લીટર ડીલર કમિશન પણ હોય છે. તેનાથી એક લીટર ડિઝલની કિંમત 89.62 રૂપિયા થઈ ગઈ. દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો અલગ-અલગ હોય છે. રાજ્ય પોતાના હિસાબથી તેના પર વેટ વસૂલે છે.

પાકિસ્તાનમાં સરકાર તરફથી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં કરવામાં આવેલા તાજા વધારા બાદ દેશની જનતામાં હાહાકાર મચી ગયો છે. લોકો પોતાની ગાડીઓમાં ટાંકી ફુલ કરાવવા માટે પેટ્રોલ પંપો પર કલાકો રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની પેટ્રોલ પંપોની જે તસવીરો સામે આવી રહી છે, તેને જોઈને દેશની હાલત શ્રીલંકા જેવી જ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી પાકિસ્તાન સરકારે પણ પોતાના હાથ ઊભા કરી દીધા છે. દેશના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે, પાકિસ્તાની રૂપિયામાં ગત અઠવાડિયે ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલમાં આ વધારો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp