સુપર 30ના આનંદ કુમારને UAEના ગોલ્ડન વીઝા મળ્યા, જાણો આ વીઝામાં શું હોય છે ખાસ

PC: republicbharat.com

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સરકારે સુપર 30ના સ્થાપક આનંદ કુમારને ગોલ્ડન વીઝા આપવાની મંજૂરી આપી દીધી છે. હવે આનંદ કુમાર એ થોડા ભારતીયો સાથે જોડાયા છે જેમને UAEનો ગોલ્ડન વીઝા મળ્યા છે

આનંદ કુમાર ગણિતના શિક્ષક છે, જેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને ભારતમાં UAE એમ્બેસીમાં ગોલ્ડન વીઝા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને તેમને મંગળવારે આ વીઝા મળ્યો હતો. ગોલ્ડન વીઝાની શરૂઆત UAE દ્વારા વર્ષ 2019માં કરવામાં આવી હતી. આ વીઝા મેળવનારા લોકો લાંબા સમય સુધી UAEમાં રહી શકે છે અને ત્યાં અભ્યાસ અને કામ કરી શકે છે.

આનંદ કુમારે UAEના વીઝા મળવા પર ખુશી વ્યક્ત કરી અને UAE સરકારનો આભાર માન્યો. તેમણે X પર એક ટ્વીટમાં લખ્યું કે, 'મારા જેવા સામાન્ય શિક્ષક માટે ગોલ્ડન વીઝાનું સન્માન મેળવવું અને બોલિવૂડ સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ આઇકોનની યાદીમાં સામેલ થવું એ સારી લાગણી છે. મને આ સન્માન માટે નામાંકિત કરવા બદલ UAE સરકારનો આભાર.'

આનંદ કુમારને UAE નો ગોલ્ડન વીઝા મળવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી ફક્ત બોલિવૂડ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ આઇકોન્સને જ મળી રહ્યા છે, જેમાં સાનિયા મિર્ઝા, શાહરૂખ ખાન, સંજય દત્ત, ઉર્વશી રૌતેલા અને કૃતિ સેનન જેવા લોકોના નામ સામેલ છે. ઉર્વશી રૌતેલાને વર્ષ 2021માં ગોલ્ડન વીઝા મળ્યો હતો, જેની સાથે તે આ સન્માન મેળવનારી પ્રથમ બોલિવૂડ અભિનેત્રી બની હતી.

આનંદ કુમારે વર્ષ 2002માં બિહારની રાજધાની પટનામાં પોતાનો સુપર 30 પ્રોગ્રામ શરૂ કર્યો હતો. તેઓ JEE-મેઇન, JEE-એડવાન્સ્ડ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા ગરીબ બાળકોને ભણાવવા માટે જાણીતા છે. ગયા વર્ષે આનંદ કુમારને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મળ્યો હતો.

UAEનો ગોલ્ડન વીઝા વિદેશી પ્રતિભાઓને આપવામાં આવે છે, જેમાં ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેથી તેઓ UAEમાં આવીને રહી શકે અને તેમનો અભ્યાસ અથવા કામ કરી શકે. આ સમયગાળા દરમિયાન તેમને વિશેષ સુવિધાઓ પણ મળે છે.

ગોલ્ડન વીઝા એ એક નવીનીકરણીય લાંબા ગાળાના નિવાસ વીઝા છે, જે 10 વર્ષ માટે માન્ય છે. ગોલ્ડન વીઝા ધારકો તેમના વ્યવસાય પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. UAEએ આ વીઝા એટલા માટે આપ્યા છે કે, વિદેશી રોકાણકારો અને તેમના ક્ષેત્રના અગ્રણીઓને UAE તરફ આકર્ષિત કરી શકાય.

ગોલ્ડન વીઝા ધરાવતા લોકો UAEમાં રહી શકે છે અને ત્યાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો લાભ લઈ શકે છે. વીઝા ધારકો તેમના જીવનસાથી (પતિ/પત્ની), બાળકો અને પરિવારના સભ્યોને રહેવાસી વીઝા પર UAE લઈ જઈ શકે છે.

તેનું તાજેતરનું ઉદાહરણ ઉર્વશી રૌતેલાના ગોલ્ડન વીઝા કેસમાં જોવા મળ્યું છે. હવે ગોલ્ડન વીઝા દ્વારા, ઉર્વશીના આખા પરિવારને UAEના ગોલ્ડન વીઝા રેસિડેન્સી મળ્યા છે, જે હેઠળ તેઓ UAEમાં જઈને રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp