દંપતી હોટલમાં લાખ રૂપિયાનું ખાવાનું ખાઈ છટકી ગયા હતા, કોર્ટે આવી સજા કરી

PC: lbc.co.uk

મામલો ગયા વર્ષના ઓગસ્ટ મહિનાનો છે. બપોરના લગભગ 1 વાગ્યાનો સમય હતો. એક પતિ-પત્ની તેમના બાળકો સાથે ફાઈવ સ્ટાર હોટલની રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા. વેઈટરને બોલાવ્યો અને ઝડપથી સ્વાદિષ્ટ ખાવાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો. ટેબલ પર ભોજન પીરસવામાં આવ્યું અને સમગ્ર પરિવારે દિલથી ખાધું. ભોજન પછી આઈસ્ક્રીમ પણ મંગાવ્યો હતો. જ્યારે બિલ ભરવાનો સમય આવ્યો ત્યારે પતિ કોઈ બહાનું કાઢીને બહાર આવ્યો હતો. થોડા સમય પછી એકના એક પુત્રને ત્યાં મૂકીને પત્ની પણ કારમાં રોકડ પડી છે તે લઈને આવું તેમ કહી બહાર નીકળી હતી.

બંનેને બહાર આવ્યાને માત્ર પાંચ મિનિટ જ થઈ હતી, ત્યારે તેના પુત્રના મોબાઈલ પર ફોન આવ્યો અને ઈમરજન્સી કહીને તે પણ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયો. રેસ્ટોરન્ટ મેનેજર લાંબા સમય સુધી આ પરિવારની રાહ જોતો રહ્યો. જ્યારે પરિવાર પરત ન ફર્યો અને બહાર જોવા ગયો તો ત્યાં કોઈ ન હતું. આ પરિવાર રેસ્ટોરન્ટમાં અંદાજે 34 હજાર રૂપિયાનું ખાવાનું ખાઈને ફરાર થઈ ગયો હતો. રેસ્ટોરન્ટે આ ઘટનાને તેના ફેસબુક પેજ પર શેર કરી અને કેવી રીતે એક પરિવારે તેમનો વિશ્વાસ તોડ્યો અને તેમને નુકસાન કરીને ભાગી ગયા હતા.

આ ઘટનાને થોડા દિવસો પણ થયા ન હતા ત્યાં તો બીજી એક રેસ્ટોરન્ટમાંથી પણ આવી જ ફરિયાદ મળી હતી. હવે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ સ્કેન કરીને આ પરિવારની શોધખોળ શરૂ કરી હતી જે ભોજન લીધા પછી બિલ ચૂકવ્યા વગર ભાગી ગયો હતો. લગભગ 8 મહિનાના આ સમયગાળા દરમિયાન ઘણી રેસ્ટોરન્ટમાંથી એક જ ફરિયાદ મળી હતી કે, એક પરિવાર હજારો રૂપિયાનું ભોજન ખાઈને ભાગી ગયો હતો. આ બાજુ પોલીસ એક પછી એક કડીઓ જોડતી રહી અને આખરે આ પતિ-પત્નીની ધરપકડ કરી. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ન્યાયાધીશે પતિને આઠ મહિના અને પત્નીને 12 મહિનાની સજા ફટકારી હતી.

આ ચોંકાવનારો કિસ્સો બ્રિટનનો છે. આ બંને પતિ-પત્નીએ આઠ મહિનામાં પાંચ અલગ-અલગ રેસ્ટોરન્ટને 1,000 પાઉન્ડ એટલે કે રૂ. 1,05,857ની છેતરપિંડી કરી હતી. દંપતી, બર્નાર્ડ અને તેની પત્ની મેકડોનાગને પણ 7 દિવસમાં રેસ્ટોરન્ટના બિલ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સજા સંભળાવતા જજ પોલ થોમસ કેસીએ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'આ બંને પતિ-પત્નીએ બિલ ચૂકવ્યા વિના ચોક્કસ પેટર્ન અને પ્લાનિંગ અનુસાર ખાવા-પીવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આવું કરવા પાછળનું એકમાત્ર કારણ તેમનો લોભ હતો.'

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આ બંનેએ પોતાનો લોભ સંતોષવા માટે બાળકોનો પણ ઉપયોગ કર્યો હતો. બિલ ભરવાથી બચવા માટે મહિલા બહાર જઈને રોકડ લાવવાનું નાટક કરતી હતી. આ શોષણનું ખૂબ જ ક્રૂર સ્વરૂપ હતું. જ્યારે, કેસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, મેકડોનાગે દુકાનોમાંથી સેંકડો પાઉન્ડની કિંમતની ઘરની વસ્તુઓ અને કપડાંની પણ ચોરી કરી હતી. જજ થોમસે કહ્યું, 'આ બંનેની આ ચોરીની રેસ્ટોરાં પર ખરાબ અસર પડી છે. આ વ્યવસાયો પહેલાથી જ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં તેમની સાથે કરવામાં આવેલ આ છેતરપિંડી ખૂબ જ ક્રૂર છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp