મહિલા MPએ પહેલા બિલ ફાડ્યું, પછી કર્યો હાકા ડાન્સ, સંસદનું દૃશ્ય જોવા જેવું હતું

PC: spokesmanhindi.com

ન્યૂઝીલેન્ડના સાંસદ હાના રાવહીતી મેપી ક્લાર્ક સંસદમાં સ્વદેશી સંધિ બિલને ફાડીને ફરી એકવાર ચર્ચામાં છવાઈ ગયા છે. ગુરુવારે ન્યુઝીલેન્ડની સંસદમાં હાનાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડમાં સંસદ સત્રનો આ વિડીયો જેણે પણ જોયો તે દરેક આશ્ચર્યચકિત થઇ ગયા.

સંસદમાં સંધિ સિદ્ધાંત બિલ પર મતદાન કરવા માટે સાંસદો એકઠા થયા હતા, પરંતુ દેશની સૌથી યુવા મહિલા સાંસદ હાનાએ સત્રમાં વિક્ષેપ પાડ્યો હતો, જ્યારે હાનાને બોલવાની તક મળી ત્યારે, તે પહેલા ઉભા થયા, ગુસ્સો બતાવ્યો અને બિલની એક નકલ ફાડી નાખી. ત્યાર પછી તેમણે પરંપરાગત માઓરી નૃત્ય હાકા કરવાનું શરૂ કર્યું. હનાને હાકા ડાન્સ કરતા જોઈને તે વખતે સંસદમાં તમામ સાંસદો હાકા ડાન્સ કરવા લાગ્યા હતા.

સંસદના અન્ય સભ્યો અને ગેલેરીમાં બેઠેલા દર્શકો પણ હાકા ડાન્સ કરવા હાના સાથે જોડાયા હતા, જેના કારણે સ્પીકર ગેરી બ્રાઉનલીએ થોડા સમય માટે ગૃહને સ્થગિત કરી દીધું હતું.

1840ની વેટાંગીની સંધિમાં નિર્ધારિત સિદ્ધાંતો હેઠળ, જે સરકાર અને માઓરી વચ્ચેના સંબંધોને માર્ગદર્શન આપે છે, આદિવાસીઓને અંગ્રેજોને શાસન આપવાના બદલામાં તેમની જમીનો જાળવી રાખવા અને તેમના હિતોનું રક્ષણ કરવાનું બહોળા પ્રમાણમાં અધિકારો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. બિલ સ્પષ્ટ કરે છે કે, તે અધિકારો તમામ ન્યુઝીલેન્ડના લોકોને લાગુ થવા જોઈએ.

ન્યુઝીલેન્ડના 170 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા સાંસદ બનેલી હાના રાવહીતી મેપી ક્લાર્કનું સંસદમાં માઓરી ભાષામાં આપવામાં આવેલું ભાષણ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું હતું. ન્યુઝીલેન્ડના એઓટેરોઆથી ચૂંટાયેલા હાના વર્ષ 1853 પછી પ્રથમ વખત સૌથી યુવા સાંસદ બન્યા છે. હાના ગયા વર્ષે ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની સંસદમાં ચૂંટાઈ હતી. તેમણે આ ચૂંટણીમાં નાનાઇયા મહુતાને હરાવીને જીત મેળવી હતી. નાનાઇયા આ બેઠક પર 2008થી ચૂંટાઈને આવતા હતા. એટલું જ નહીં, નાનાઇયા 1996થી જ સાંસદ હતા.

ન્યુઝીલેન્ડના સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર, હાના ન્યુઝીલેન્ડના મૂળ રહેવાસીઓના અધિકારો માટે લડાઈ લડી રહી છે. હાનાના પિતા તૈતીમુ મૈપી માઓરી સમુદાયના છે અને તેઓ નગા તમાતોઆ ગ્રુપ સાથે સંકળાયેલા છે. હાના ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ અને હેમિલ્ટન શહેરોની વચ્ચે આવેલા નાના શહેર હંટલીની રહેવાસી છે. તેઓ અહીં માઓરી સમુદાયના બાળકો માટે પાઠશાળા ચલાવે છે. તેઓ પોતાની જાતને રાજકારણી નથી માનતા, પરંતુ માઓરી ભાષાના રક્ષક માને છે. તેમનું કહેવું છે કે, માઓરીની નવી પેઢીને પણ સાંભળવાની જરૂર છે.

હાકા એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટાપુઓનું પરંપરાગત નૃત્ય છે. ન્યુઝીલેન્ડના રગ્બી ખેલાડીઓ તેમની મેચો પહેલા તેમનું માઓરી રૂપમાં પ્રદર્શન કરે છે, જેના કારણે તે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. તે એક જૂથમાં આક્રમક મુદ્રામાં પગને પછાડીને અને બૂમો પાડીને નાચવામાં આવે છે. આ સાથે, તેની સાથે કેટલાક પરંપરાગત ગીતો સામૂહિક રીતે ગાવામાં આવે છે. પરંપરાગત રીતે હાકાની મુલાકાતે આવનારા આદિવાસીઓને આવકારવાની આ એક પરંપરાગત રીત હતી, પરંતુ તે યુદ્ધમાં જતા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા માટેનું કામ પણ કરતી હતી. તે માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન જ નહીં, તે સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પણ પ્રતીક હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp