ટ્રમ્પ જીતે કે હેરિસ...US રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે? તેમને મળતી સુવિધા જાણો
અમેરિકામાં 5 નવેમ્બરથી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં થાય છે. શું તમે જાણો છો કે અમેરિકન રાષ્ટ્રપતિને કેટલો પગાર અને કેવી સુવિધાઓ મળે છે?
અમેરિકાના રાષ્ટ્રપતિને દર વર્ષે 4 લાખ ડૉલરનો પગાર મળે છે. રૂપિયામાં વાત કરીએ તો આ રકમ લગભગ 3.36 કરોડ છે. આ સિવાય રાષ્ટ્રપતિને વધારાના ખર્ચ માટે 50000 ડૉલર (લગભગ 42 લાખ રૂપિયા) પણ મળે છે. US એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ, કોઈપણ નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી, જ્યારે તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાન ગણાતા વ્હાઇટ હાઉસમાં આવે છે, ત્યારે તેમને 100,000 ડૉલર એટલે કે 84 લાખની રકમ એક સાથે આપી દેવામાં આવે છે. આ રકમથી તે પોતાના ઘર અને ઓફિસને તેની પસંદગી મુજબ રંગ અને સજાવટ કરાવી શકે છે.
અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનને વાર્ષિક 2000 ડૉલરનો પગાર મળતો હતો. 235 વર્ષ પહેલા આ બહુ મોટી રકમ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ, જ્હોન F કેનેડી અને હર્બર્ટ હૂવર જેવા ઘણા અમેરિકન રાષ્ટ્રપતિઓ તેમનો વાર્ષિક પગાર જરૂરિયાતમંદ અને ચેરિટી સંસ્થાઓને દાનમાં આપી દેતા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ વોશિંગ્ટન DCમાં વ્હાઇટ હાઉસમાં રહે છે અને તેમની ઓફિસ પણ અહીં છે. 18 એકરમાં ફેલાયેલા વૈભવી વ્હાઇટ હાઉસમાં રહેવા માટે રાષ્ટ્રપતિને એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિને મનોરંજન, સ્ટાફ અને રસોઈયા માટે વાર્ષિક 19,000 ડૉલર પણ મળે છે. અમેરિકી રાષ્ટ્રપતિ માટે સ્વાસ્થ્ય સેવાઓ પણ મફત છે.
અમેરિકન રાષ્ટ્રપતિ એવા લોકોમાં સામેલ છે, જેમને સૌથી મજબૂત અને સૌથી વિસ્તૃત સુરક્ષા મળે છે. તેની સુરક્ષામાં સિક્રેટ સર્વિસ, FBI અને મરીન્સના એજન્ટો સામેલ છે. અમેરિકી રાષ્ટ્રપતિ એરફોર્સ વન એરક્રાફ્ટ દ્વારા મુસાફરી કરે છે, જે વિશ્વનું સૌથી સુરક્ષિત અને આધુનિક વિમાન હોવાનું કહેવાય છે. એરફોર્સ વન વિમાનમાં લગભગ 4000 ચોરસ ફૂટ જગ્યા હોય છે. જેમાં રાષ્ટ્રપતિ કાર્યાલય, સચિવાલય, મીટિંગ રૂમ અને બેડરૂમ પણ બનાવવામાં આવ્યા છે. પ્લેનમાં બેસીને તે પોતાનું રોજીંદુ કામ કરી શકે છે. તેની સાથે પ્લેનમાં લગભગ 100 લોકો મુસાફરી કરી શકે છે. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિના કાફલામાં લિમોઝીન કાર અને મરીન હેલિકોપ્ટર પણ સામેલ છે. આ બુલેટપ્રૂફ વાહનો મિસાઈલ સિસ્ટમથી લઈને આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ્સથી સજ્જ હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 1789માં અમેરિકન રાષ્ટ્રપતિનો પગાર 25,000 ડૉલર હતો. પછી 1873માં તે વધીને 50,000 ડૉલર થયો. તે 1909માં 75,000 ડૉલર, 1949માં 100,000 ડૉલર, 1969માં 2 લાખ ડૉલર અને 2001માં 4 લાખ ડૉલર થયો હતો. છેલ્લી વખત અમેરિકી રાષ્ટ્રપતિનો પગાર 2001માં જ્યોર્જ ડબલ્યુ બુશના કાર્યકાળમાં વધારવામાં આવ્યો હતો. છેલ્લા 23 વર્ષથી અમેરિકન રાષ્ટ્રપતિના પગારમાં કોઈ વધારો થયો નથી.
રસપ્રદ વાત એ છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ભલે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે, પરંતુ તેઓ સૌથી વધુ પગાર લેનારા નેતાઓની યાદીમાં ઘણા પાછળ છે. સિંગાપોરના PM વિશ્વના સૌથી વધુ પગાર મેળવનાર નેતા છે. તેને વાર્ષિક 16.1 લાખ ડૉલર એટલે કે લગભગ 13.44 કરોડ રૂપિયાનો પગાર મળે છે. તેવી જ રીતે હોંગકોંગના એડમિનિસ્ટ્રેટરને પણ વાર્ષિક 5.5 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ભારતની વાત કરીએ તો અહીંના રાષ્ટ્રપતિ દર મહિને 500,000 લાખ રૂપિયાનો પગાર મેળવે છે. આ રકમ વાર્ષિક 60 લાખ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp