ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કમિશનના નિશાના પર ભારત, બ્લેક લિસ્ટ કરવાની માંગ

PC: tv9hindi.com

ભારત છેલ્લા ઘણા સમયથી અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગના નિશાના પર છે. આયોગે સતત ચોથા વર્ષે ધાર્મિક સ્વતંત્રતા અંગે ભારતને બ્લેક લિસ્ટમાં સામેલ કરવાની ભલામણ કરી છે. કમિશને કહ્યું છે કે, ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો માટે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સોમવારે તેના વાર્ષિક અહેવાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ ફરીથી US સ્ટેટ ડિપાર્ટમેન્ટને ભારતને 'વિશિષ્ટ ચિંતાનો દેશ' (CPC) તરીકે નિયુક્ત કરવા માટે હાકલ કરી છે.

US કમિશન વર્ષ 2020થી ભારતને વિશેષ ચિંતાના દેશ તરીકે નિયુક્ત કરવાની માંગ કરી રહ્યું છે. દેશ પર આ લેબલ લગાવવાનો અર્થ એ છે કે, સરકાર વ્યવસ્થિત રીતે ગંભીર ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહી છે. જો અમેરિકાનું વિદેશ મંત્રાલય કોઈ દેશ પર આ લેબલ લગાવે છે તો તેના પર અમેરિકન આર્થિક પ્રતિબંધો પણ લાદવામાં આવે છે. આ લેબલ એવા દેશોને લાગુ પડે છે જે વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતાનું સૌથી ખરાબ ઉલ્લંઘન કરનારા માનવામાં આવે છે.

કમિશને તેના રિપોર્ટમાં કહ્યું, 'ભારત સરકારે 2022માં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે ધાર્મિક ભેદભાવપૂર્ણ નીતિઓને પ્રોત્સાહન આપ્યું અને તેનો અમલ કર્યો. આમાં ધાર્મિક રૂપાંતરણ, આંતરધર્મ સંબંધો, હિજાબ પહેરવા અને ગૌહત્યાને લક્ષ્યાંકિત કરતા કાયદાઓનો સમાવેશ થાય છે, જે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો, દલિતો અને આદિવાસી સમુદાયોને અન્યાયી રીતે અસર કરે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની 1.4 અબજની વસ્તીમાંથી લગભગ 14 ટકા મુસ્લિમો છે, લગભગ 2 ટકા ખ્રિસ્તીઓ છે અને 1.7 ટકા શીખ છે. દેશની લગભગ 80 ટકા વસ્તી હિન્દુ છે. રિપોર્ટમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ટીકાત્મક અવાજો, ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓ અને તેમના હિમાયતીઓના અવાજોને દબાવવાનું ચાલુ રાખ્યું છે.

અમેરિકામાં ભારતીય મુસ્લિમો માટે કામ કરતી સંસ્થા ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC)એ કમિશનની ભલામણોનું સ્વાગત કર્યું છે. કાઉન્સિલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'સતત ચોથા વર્ષે માનવ અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘન માટે ભારતને ખાસ ચિંતાનો દેશ (CPC) તરીકે નિયુક્ત કરવાના ધાર્મિક સ્વતંત્રતા આયોગના નિર્ણયનું IAMC સ્વાગત કરે છે.'

અમેરિકન ધાર્મિક સ્વતંત્રતા કમિશન માત્ર સરકારને તેની ભલામણો આપી શકે છે. તેમની પાસે કોઈ પણ પ્રકારની નીતિ-નિર્માણની સત્તા નથી. છેલ્લા ચાર વર્ષથી કમિશન આવી ભલામણો કરી રહ્યું છે, પરંતુ US સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેની ભલામણોને અવગણી છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથે પોતાના સંબંધોને સતત મજબૂત બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં કમિશનની ભલામણને લાગુ કરવી એ ભારતને નારાજ કરવા સમાન હશે.

કમિશને તેના રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે, બાઈડેન પ્રશાસને અગાઉની ઘણી ભલામણો પછી પણ ભારત પર વિશેષ ચિંતાનો દેશ તરીકેનું લેબલ લગાવ્યું નથી.

રિપોર્ટમાં લખ્યું છે કે, 'અમેરિકા અને ભારત વેપાર અને ટેક્નોલોજીમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાનું ચાલુ રાખે છે. 2022માં વેપાર 120 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો અને US ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બનશે. બાઈડેન અને PM નરેન્દ્ર મોદી G20 અને G7 સમિટ અને ક્વોડ લીડર્સ સમિટ સહિત અનેક પ્રસંગોએ મળ્યા છે.'

કમિશનના રિપોર્ટ પર ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગયા વર્ષે, જ્યારે કમિશને ભારત વિશે સમાન ભલામણ કરી હતી, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ અમેરિકન અધિકારીઓ પર ખોટી માહિતી અને પક્ષપાતી ટિપ્પણીનો આરોપ મૂક્યો હતો.

બાગચીએ કહ્યું હતું કે, 'સ્વાભાવિક રીતે બહુલવાદી સમાજ તરીકે, ભારત ધાર્મિક સ્વતંત્રતા અને માનવાધિકારોને મહત્ત્વ આપે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp