ઓફિસમાં સુઈ ગયો કર્મચારી, કંપનીએ કાઢી મૂક્યો, પણ પછી ચૂકવવા પડ્યા 40 લાખ
ચીનમાં એક વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ કે તે કામ દરમિયાન ઓફિસમાં નિદ્રા લેતો જોવા મળ્યો હતો. પરંતુ, અનોખી વાત તો એ હતી કે, તે પછી તેને 40 લાખ રૂપિયાનું વળતર પણ આપવામાં આવ્યું હતું. ચીનમાં એક વ્યક્તિને કામ પર નિદ્રા લેવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી તેણે કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને તેને 40.71 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું.
ચીનના એક સ્થાનિક અખબારમાં છપાયેલી ખબર અનુસાર, ઝાંગ નામનો આ વ્યક્તિ ચીનના જિયાંગસુ પ્રાંતમાં સ્થિત એક કેમિકલ કંપનીમાં કામ કરતો હતો અને 20 વર્ષથી કંપનીમાં નોકરી કરતો હતો. નિદ્રાધીન ઘટનાને કારણે બરતરફ થયા પહેલા તેણે ઘણા વર્ષો સુધી વિભાગના વડા તરીકે સેવા આપી હતી. આ વર્ષની શરૂઆતમાં, ઝાંગ આગલા દિવસે મોડે સુધી કામ કર્યા પછી તેની ઓફિસ ડેસ્ક પર સૂઈ ગયો હતો.
ઝાંગની નિદ્રા લેવાની ઘટના ઓફિસના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના બે અઠવાડિયા પછી, HR વિભાગે ઝાંગના સંચાલકોને આની જાણ કરી. HR સ્ટાફે પણ ઝાંગને પૂછ્યું કે, તે ઓફિસમાં કેટલો સમય સૂતો હતો. જેના જવાબમાં ઝાંગે કહ્યું કે, તે લગભગ એક કલાક કે તેનાથી ઓછા સમય સુધી સૂઈ ગયો હતો.
ત્યાર પછી કંપનીના HR વિભાગે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઝાંગ થાકને કારણે કામ પર સુતા પકડાઈ ગયો હતો. આ સાથે એક દસ્તાવેજ પણ બહાર કાઢ્યો જેના પર ઝાંગની સહી હતી. મજૂર યુનિયન સાથે ચર્ચા વિચારણા કર્યા પછી, કંપનીએ ઔપચારિક બરતરફી નોટિસ આપી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઝાંગનું વર્તન કંપનીની જીરો ટોલેરેન્સ શિસ્ત નીતિનું ઉલ્લંઘન હતું.
નોટિસમાં લખ્યું હતું, 'કોમરેડ ઝાંગ, તમે 2004માં કંપનીમાં જોડાયા હતા અને તમે એક ઓપન-એન્ડેડ રોજગાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે, કામ પર સૂવાનું તમારું વર્તન કંપનીની નીતિનું ગંભીર ઉલ્લંઘન છે. પરિણામે, કંપનીએ, યુનિયનની મંજૂરી સાથે, તમને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે, જેથી તમારી અને કંપની વચ્ચેના તમામ મજૂર કરારો સમાપ્ત થઇ ગયા છે.'
જોકે, ઝાંગ માનતા હતા કે, તેમની બરતરફી અન્યાયી છે અને તેમણે કંપની સામે કાનૂની પગલાં લેવાનું નક્કી કર્યું. આ કેસની સુનાવણી કરતી અદાલતે સ્વીકાર્યું કે, એમ્પ્લોયરોને નિયમનકારી ઉલ્લંઘન માટે કરાર સમાપ્ત કરવાનો અધિકાર છે, પરંતુ આવી ક્રિયાઓએ અમુક શરતોને પૂર્ણ કરવી આવશ્યક છે.
તાઈક્સિંગ પીપલ્સ કોર્ટના ન્યાયાધીશે કહ્યું, 'નોકરી પર હતા ત્યારે ઝાંગનું સૂવું એ પ્રથમ વખત થયેલો ગુનો હતો અને તેનાથી કંપનીને કોઈ ગંભીર નુકસાન થયું નથી. ઝાંગની બે દાયકાની ઉત્કૃષ્ટ સેવા, પ્રમોશન અને પગાર વધારાને ધ્યાનમાં લેતા, કોર્ટે નક્કી કર્યું કે, એક જ ઉલ્લંઘનને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવો તે ખૂબ જ અયોગ્ય છે. કોર્ટે આખરે ઝાંગની તરફેણમાં ચુકાદો આપ્યો અને કંપનીને તેને રૂ. 40.71 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp