બિલ ભરવાનું બાકી હતુ તો સંસદ ભવનની વીજળી કાપી નંખાઈ, રાષ્ટ્રપતિનું ભાષણ ચાલુ હતુ

PC: ghanaweb.com

પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનામાં સરકારી વીજ કંપનીએ સંસદની જ વીજળી કાપી નાખી હતી. કારણ હતું રૂ.14 કરોડથી વધુનું વીજ બિલ ભરવાનું બાકી હતું. દેશની સંસદમાં એવા સમયે પાવર કટ થઈ ગયો, જ્યારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પોતાનું ભાષણ આપી રહ્યા હતા. ઘાનાની સંસદમાં પાવર કટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 29 ફેબ્રુઆરીએ ઘાનાની ઇલેક્ટ્રિસિટી કંપની (ECG)એ સંસદની વીજળી કાપી નાખી. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાવર કટ પછી સાંસદો સંસદની અંદર ધૂંધળા પ્રકાશમાં જોવા મળ્યા હતા. સાંસદોએ ‘ડમસર, ડમસર’ ના નારા લગાવવાનું શરૂ કર્યું. આ દેશની અકાન ભાષામાં તેનો અર્થ 'પાવર કટ' એવો થાય છે.

મીડિયા સૂત્રોએ સ્થાનિક મીડિયાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, પાવર કટ પછી બેકઅપ પાવર જનરેટરની મદદથી સંસદની ચેમ્બરમાં વીજળી પૂરી પાડવામાં આવી હતી. પરંતુ સંસદભવનમાં મોટા ભાગના સ્થળોએ દિવસભર વીજળી ન હતી.

વીજળી કંપનીના કોમ્યુનિકેશન ડાયરેક્ટર વિલિયમ બોટેંગે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, વીજળી બિલ ચૂકવવા માટે સંસદને નોટિસ મોકલવામાં આવી છે. પરંતુ ચૂકવણીની નોટિસને માન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ પછી, વીજળી કાપવાનો આશરો લેવામાં આવ્યો.

બોટેંગે કહ્યું કે, સંસદે 13 મિલિયન સેડી (ઘાનાની ચલણ) ચૂકવ્યા પછી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે સંસદે કહ્યું છે કે, બાકીનું બિલ એક અઠવાડિયામાં ચૂકવી આપવામાં આવશે.

બીજી તરફ, સંસદીય નાણા અધિકારી એબેનેઝર અહુમા જીએટ્રોરે નકારી કાઢ્યું હતું કે, સંસદે પાવર કંપનીને કોઈપણ બિલ આપવાનું બાકી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અધિકારીએ માહિતી આપી હતી કે, સંસદે તાજેતરમાં કંપનીને બિલ ચૂકવ્યું હતું. પરંતુ કંપનીની સિસ્ટમમાં પેમેન્ટ નોંધી શકાયું નથી. અધિકારીએ કહ્યું કે, સંસદના માત્ર 8 કરોડ રૂપિયા બાકી છે.

આ પહેલીવાર નથી, જ્યારે ઘાનાની વીજળી કંપની ECG દ્વારા પાવર કાપવામાં આવ્યો હોય. 20 ફેબ્રુઆરીએ કંપનીએ અકરા એકેડમીની વીજળી કાપી નાખી હતી. જેના કારણે એકેડેમીમાં અંધારપટ છવાઈ ગયો હતો. ઘણા વિદ્યાર્થીઓ અને સ્ટાફ કેમ્પસમાં અટવાઈ પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp