કોણ છે એન્ડ્રીયા ગિયામ્બ્રુનો જેનાથી ઈટાલિયન PM મેલોની 10 વર્ષ પછી અલગ થયા

PC: instagram.com/giambrunoofficial

ઇટાલીના PM જ્યોર્ગિયા મેલોનીએ પાર્ટનર એન્ડ્રીયા ગિયામ્બ્રુનોથી અલગ થવાની જાહેરાત કરી છે. બંનેને સાત વર્ષની પુત્રી છે. બંને લગભગ 10 વર્ષ સુધી સાથે હતા. પોતાના પાર્ટનરથી અલગ થવાના સમાચાર આપતા મેલોનીએ લખ્યું, 'એન્ડ્રીયા ગિયામ્બ્રુનો સાથે લગભગ 10 વર્ષ સુધી ચાલેલા મારા સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે.'

મેલોનીએ આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે હાલમાં જ એન્ડ્રીયા ગિયામ્બ્રુનોનું એક ઓફ-એર રેકોર્ડિંગ સામે આવ્યું હતું, જેમાં તે અભદ્ર ટિપ્પણી કરતા સાંભળવામાં આવ્યા હતા.

આ પહેલીવાર નથી જ્યારે એન્ડ્રીયા ગિયામ્બ્રુનો કોઈ વિવાદમાં ફસાયા હોય. આ પહેલા પણ તે ઘણી વખત પોતાની ટિપ્પણીઓને લઈને વિવાદોમાં આવી ચુક્યા છે.

આ વર્ષે ઓગસ્ટમાં એન્ડ્રીયા ગિયામ્બ્રુનોએ બળાત્કારને લઈને નિવેદન આપતાં તે વિવાદમાં ફસાઈ ગયા હતા. તેમણે દોષનો ટોપલો પીડિતા પર જ નાખી દીધો હતો.

મીડિયા સૂત્રો અનુસાર, ગિયામ્બ્રુનોએ તેના શોમાં કહ્યું, 'જ્યારે તમે ડાન્સ કરો છો, ત્યારે તમને નશામાં રહેવાનો પૂરો અધિકાર છે. પરંતુ જ્યારે તમે શરાબ પીતા નથી અને તમારા હોશ ગુમાવી બેસો છો તો, પછી તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો.'

ગિયામ્બ્રુનોની ટિપ્પણી ગેંગરેપ કેસ સાથે જોડાયેલી હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે આ ટિપ્પણી પર વિવાદ વધ્યો ત્યારે ગિયામ્બ્રુનોએ કહ્યું કે, તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે.

સપ્ટેમ્બરમાં, મેલોનીએ તેના પાર્ટનરનો બચાવ કરતા કહ્યું હતું કે, 'મને લાગે છે કે ગિયામ્બ્રુનોએ જે કહ્યું તેને ખોટા સંદર્ભમાં બહાર પાડવામાં આવ્યું હતું.'

ફ્રાન્સના એક અખબાર અનુસાર, જુલાઈમાં ગિયામ્બ્રુનોએ સ્વાસ્થ્ય મંત્રી કાર્લ લોટરબેક પર પણ શાબ્દિક હુમલો કર્યો હતો. જ્યારે લોટરબેકે ક્લાઈમેટ ચેન્જ વિશે વાંધાજનક નિવેદનો આપ્યા ત્યારે ગિયામ્બ્રુનોએ કહ્યું, 'જો તમને સારું ન લાગતું હોય તો ઘરે જાઓ. બ્લેક ફોરેસ્ટમાં પણ જઈ શકાય છે. તમને ત્યાં સારું લાગશે. ગિયામ્બ્રુનોએ કહ્યું હતું કે, 'ઉનાળામાં તાપમાનમાં વધારો થવો એ કોઈ મોટા સમાચાર નથી.'

ગિયામ્બ્રુનોનો જન્મ 1981માં મિલાનમાં થયો હતો. તે વ્યવસાયે પત્રકાર છે અને મીડિયાસેટમાં સમાચાર પ્રસ્તુતકર્તા તરીકે કામ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિયામબ્રુનો 22 વર્ષના હતા ત્યારથી મીડિયા સાથે જોડાયેલા છે. તેમણે મિલાનની કેથોલિક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.

મીડિયા સૂત્રો અનુસાર, PM મેલોની અને ગિયામ્બ્રુનો 2015માં મળ્યા હતા. બંને એક TV પ્રોગ્રામમાં મળ્યા હતા. PM મેલોનીએ તે કાર્યક્રમમાં અતિથિ તરીકે ભાગ લીધો હતો. ગિયામ્બ્રુનો તેના રાઇટર હતા.

ગિયામ્બ્રુનોએ એક ઈન્ટરવ્યુમાં PM મેલોનીને મળવાની સ્ટોરી શેર કરી હતી. તેમણે કહ્યું કે, PM મેલોનીએ તેમને અડધું ખાધેલું કેળું આપ્યું હતું. PM મેલોનીએ વિચાર્યું કે ગિયામ્બ્રુનો તેનો સહાયક છે. ગિયામ્બ્રુનોએ આ મીટિંગને 'પ્રથમ નજરનો પ્રેમ' ગણાવી હતી.

ગિયામ્બ્રુનોનું તાજેતરમાં લીક થયેલું ઓફ-એર રેકોર્ડિંગ મીડિયાસેટ પરના જ એક શોમાંથી છે. આમાં, ગિયામ્બ્રુનો એક મહિલા સહકર્મીને તેની હેરસ્ટાઇલની ટીકા વિશે ફરિયાદ કરે છે. પછી તે તેમને પૂછે છે કે, 'હું તમને અગાઉ કેમ ન મળ્યો?'

બીજા રેકોર્ડિંગમાં, તે એક મહિલા સહકર્મીને કહેતો સંભળાયો છે કે, તેણે શોમાં બીજી એન્કરને હાયર કરવી જોઈએ. તેઓ કહે છે, 'અમે થ્રીસમ કે ફોરસમ કરીએ છીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp