PM મોદીએ ભારતીય મૂળના જે કારોબારીની પ્રશંસા કરી, તે બાલાજી શ્રીનિવાસન કોણ છે
ભારતને આત્મનિર્ભર બનાવવામાં આત્રપ્રેન્યોરશિપ અને વિદેશી રોકાણનું મોટું યોગદાન થવાનું છે. ભારતીય મૂળના અમેરિકન કારોબારી બાલાજી શ્રિનિવાસને પોતાની રીતે ભારતમાં વધી રહેલા આંત્રપ્રેન્યોર અને અહીં રોકાણ કરવાના ફાયદા વિશે જ્યારે સોશિયલ મીડિયા પર જણાવ્યું તો પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રતિક્રિયા આપી.
પ્રધાનમંત્રી મોદીએ બાલાજી શ્રીનિવાસનની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ ભારતમાં રોકાણ કરવાના માહોલ પ્રત્યે આશાવાદી વલણ રાખવા માટે તેમનો આભાર માને છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, મને તમારો આ આશાવાદ સારો લાગ્યો. વાત જ્યારે ઈનોવેશનની આવશે તો ભારત તમને નિરાશ કરશે નહીં.
બાલાજીએ શું લખ્યું
બાલાજીએ ટ્વીટર પર લખ્યું હતું કે, ભારત રોકાણની સ્થિતિઓને સારી બનાવી રહ્યું છે. દેશમાં ગ્રોથની સારી સંભાવના છે. એજ કારણે તે પણ ભારતમાં રોકાણ કરવામાં રસ દાખવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘણાં ગ્રાફ અને આંકડાઓ દ્વારા સમજાવ્યું કે ભારત કઇ રીતે રોકાણ માટે એક સારું માર્કેટ છે.
જેના પર પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપતા લખ્યું કે, વાત જ્યારે ઈનોવેશનની આવે છે તો ભારતના લોકો ટ્રેન્ડ સેટર બનવાના છે. દેશમાં રોકાણ માટે દુનિયાનું સ્વાગત કરવામાં આવે છે. ભારત તમને નિરાશ કરશે નહીં.
શ્રીનિવાસને કહ્યું કે, ભારતની સભ્યતા પ્રાચીન છે પણ 1991માં ઉદારીકરણ દ્વારા ભારતે પોતાની સભ્યતાને નવો જન્મ આપ્યો. દેશ લેન્ડલાઇનથી મોબાઈલ સુધી પહોંચી ગયો છે અને રોકડથી UPI પર. ભારતીયોમાં રોકાણ ઘણો ફેરફાર લાવી રહ્યું છે. 10 વર્ષમાં મોટા પરિવર્તન જોવા મળ્યા છે. ટેક્નિકલ ક્ષેત્રમાં ચીની પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે અને ભારતીયોની વધી રહી છે. ભારતનો યુગ શરૂ થઇ રહ્યો છે.
કોણ છે શ્રીનિવાસન
તેઓ એક મોટા સિલિકોન વેલી રોકાણકાર અને આંત્રપ્રેન્યોર છે. તેઓ ક્રિપ્ટોકરેંસી એક્સચેંજ કોઈનબેસમાં ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ એંડ્રીસેન હોરોવિત્ઝના જનરલ પાર્ટનર છે. ઘણી કંપનીઓમાં તેમણે રોકાણની જવાબદારી પણ ઉઠાવી છે. આ ઉપરાંત તે ઘણી કંપનીઓના કોફાઉન્ડર પણ છે. જેમાં અર્ન ડૉટ કોમ, કાઉન્સિલ અને કોઇન સેન્ટર સામેલ છે. તેમણે એક દાશકા સુધી જેનોમિક્સના ક્ષેત્રમાં કામ કર્યું છે. આ ઉપરાંત કાઉન્સિલમાં પાંચ વર્ષ કામ કર્યા પછી 2012માં ટેક્નિકલ ક્ષેત્રમાં જતા રહ્યા.
બેસ્ટ સેલિંગ બુક ‘ધ નેટવર્ક સ્ટેટ’ શ્રીનિવાસને લખી છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ ઈન્જીનિયરિંગમાં બીએસ, એમએસ અને પીએચડી કરી છે. આ ઉપરાંત કેમિકલ એન્જીનિયરિંગમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમએસ કર્યું. જેમાં તેઓ લેક્ચરર પણ રહી ચૂક્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનમાં શ્રીનિવાસનને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે નવલ રવિકાંતની સાથે મળીને kooમાં પણ રોકાણ કર્યું હતું, જે એક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp