ધરપકડનો ડર, જીવને જોખમ છતા પરમિટ વિના હજ પર કેમ જઈ રહ્યા છે મુસ્લિમો?
સાઉદી અરેબિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલી હજ યાત્રા દરમિયાન 1,300થી વધુ લોકોના મોત થયા છે. આ મૃત્યુનું કારણ અતિશય ગરમી માનવામાં આવે છે. મૃત્યુ પામેલા લોકોમાં, નોંધાયેલા ન હોય તેવા યાત્રાળુઓની સંખ્યા વધુ હતી. એટલે કે તેણે સાઉદી સરકાર દ્વારા નિર્ધારિત નિયમોની બહાર જઈને હજમાં ભાગ લીધો હતો. હજ યાત્રાની શરૂઆત પહેલા, હજના મુખ્ય મુફ્તીએ પરમિટ વિના હજને ગેરકાયદેસર ગણાવ્યું હતું, જ્યારે સાઉદી સરકારે નોંધણી વગરના હાજીઓની ધરપકડ કરવામાં આવે તો દંડ, જેલની સજા અને દેશનિકાલ જેવી સજાની જાહેરાત કરી હતી. આટલું બધું હોવા છતાં મોટી સંખ્યામાં હાજીઓ રજીસ્ટ્રેશન વગર મક્કા આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, તો લોકોને આવું કરવા મજબુર કેમ થઇ રહ્યા છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
મીડિયા સૂત્રએ એવા લોકો પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેઓ રજીસ્ટ્રેશન વગર હજ પર ગયા હતા. મીડિયા સૂત્રએ 81 વર્ષીય અબ્દેલજહર અબ્દો સલેમના પુત્ર મહમૂદ સાથે વાત કરી, જે પરમિટ વિના ઇજિપ્તથી હજ પર આવ્યા હતા. મહમૂદ જણાવે છે કે, હજ પર જવાની તેના પિતાની છેલ્લી ઈચ્છા હતી પરંતુ પૈસાના અભાવે તે જઈ શક્યા ન હતા. સત્તાવાર ચેનલો દ્વારા હજની કિંમત એર ટિકિટ વિના 150,000 ઇજિપ્તીયન પાઉન્ડ (3,091 US ડૉલર) હતી. આવી સ્થિતિમાં, સાલેમે 1,00,000 ઇજિપ્તીયન પાઉન્ડના ખર્ચે હજ માટે લાયસન્સ વિનાની કંપનીની મદદ લીધી, પરંતુ સાલેમ ઇજિપ્ત પરત ફરી શક્યો નહીં. સાઉદી અરેબિયામાં આકરી ગરમીને કારણે આ વર્ષે હજ દરમિયાન મૃત્યુ પામેલા 1,300થી વધુ યાત્રાળુઓમાં તે એક હતો.
આ વર્ષે હજ દરમિયાન થયેલા મૃત્યુએ એજન્ટો તરફ ધ્યાન દોર્યું છે, જે લોકોને અનધિકૃત રીતે હજ માટે લાવતા હતા. આ એજન્ટો સત્તાવાર પ્રક્રિયાઓને બાયપાસ કરીને સંભવિત જોખમી મુસાફરી પર યાત્રાળુઓને લઈ જઈને તેમની ધાર્મિક જવાબદારી પૂરી કરવાની મુસ્લિમોની ઈચ્છાનો લાભ લે છે. તેઓ વિઝિટર વિઝા ધરાવતા લોકોને હજની સુવિધા પૂરી પાડે છે. વિઝિટર વિઝા મક્કામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે, તેથી એજન્ટો લોકોને શહેરમાં પહોંચવા માટે રણમાંથી પગપાળા લઈ જાય છે.
દર વર્ષે સાઉદી સત્તાવાળાઓ હજયાત્રીઓ માટે મક્કામાં કાયદેસર પ્રવેશની મંજૂરી આપતા લાઇસન્સ બહાર પાડે છે. આ લાઇસન્સ હાજીઓને વાતાનુકૂલિત પરિવહન અને રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. આ લાયસન્સની સંખ્યા મર્યાદિત છે અને હાજીઓએ તેના માટે ઘણો ખર્ચ કરવો પડે છે. દરેક દેશને તેની મુસ્લિમ વસ્તીના પ્રમાણમાં લાઇસન્સ ફાળવવામાં આવે છે. આવી પ્રક્રિયામાં તેવા લોકોને બાકાત રાખવામાં આવે છે, જેઓને લાયસન્સ પરવડી શકતા નથી અથવા ફાળવણીમાં સમાવિષ્ટ નથી હોતા.
મુસ્લિમો હજ યાત્રાને ખૂબ મહત્વ આપે છે અને જીવનભર તેના માટે નાણાં બચાવે છે. આવું હોવા છતાં, લાખો લોકો નિરાશ થઈ જાય છે, જ્યારે તેઓ કોઈ સત્તાવાર ચેનલો દ્વારા સ્થાન સુરક્ષિત કરી શકતા નથી અથવા પૂરતા નાણાં એકત્ર કરી શકતા નથી. આનાથી ટ્રાવેલ એજન્સીઓના નફાકારક ઉદ્યોગને જન્મ મળ્યો છે, જે હજયાત્રીઓને અનૌપચારિક રીતે સાઉદી અરેબિયા લાવવાનું વચન આપે છે. આ વર્ષે ઇજિપ્તના લોકોના મોતની સૌથી વધુ ચર્ચા છે. ઇજિપ્ત-લાયસન્સ ધરાવતી એજન્સીના હજ પૅકેજનો ખર્ચ 4,760 US ડૉલર છે, જ્યારે અનધિકૃત પ્રવાસનો ખર્ચ લગભગ 3,700 US ડૉલર છે. ગરીબ લોકો માટે આ પણ મોટી રકમ છે.
પરમિટ વિના હજ પર જતા મુસ્લિમોનો કોઈ ચોક્કસ આંકડા નથી. સાઉદી ન્યૂઝ આઉટલેટ અલ શાર્ક અલ અવસતે જણાવ્યું હતું કે, આ વર્ષે હજ સિઝન દરમિયાન નોંધણી ન કરાયેલા 141,000 યાત્રાળુઓને મફત તબીબી સારવાર મળી હતી. આ વર્ષના 1.8 મિલિયન યાત્રાળુઓમાંથી આ લગભગ 8 ટકા જેટલા છે. આનાથી ખબર પડે છે કે, આ સંખ્યા ઘણી મોટી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp