ચીન સોના પાછળ કેમ પડી છે? જે ઉતાવળથી ખરીદી કરી રહ્યું છે... આ રહ્યા આંકડા
સોનું અગાઉ વધતી કિંમતોને કારણે સમાચારોમાં હતું, હવે છેલ્લા કેટલાક દિવસોમાં ભાવ ઘટવાના કારણે તે હેડલાઇન્સમાં છે. સોનાના વપરાશના મામલામાં ભારત ટોચના દેશોમાં સામેલ છે, પરંતુ ચીનનો સોના પ્રત્યેનો પ્રેમ કંઇક ઘણો વધારે હોય એમ લાગે છે. આ જ કારણ છે કે ડ્રેગન સોનું એવી રીતે ખરીદી રહ્યો છે કે જાણે કાલે પૃથ્વી પર સોનું રહેશે જ નહીં. રિયલ એસ્ટેટ કટોકટીથી માંડીને શેરબજારની કટોકટીનો સામનો કરી રહેલા ચીને હવે સંપૂર્ણ ધ્યાન સોનાની ખરીદી પર કેન્દ્રિત કર્યું છે. આ જ કારણ છે કે તેના ગોલ્ડ રિઝર્વ (ચીન ગોલ્ડ રિઝર્વ)માં સતત 17મા મહિને વધારો થયો છે.
મીડિયા સૂત્રોની રિપોર્ટમાં સોનાની કિંમત 2400 ડૉલર પ્રતિ ઔંસની ઊંચી સપાટીએ પહોંચવા પાછળનું કારણ ડ્રેગન કનેક્શન પણ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'સોનાની વૈશ્વિક કિંમત તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે કારણ કે, ચીનના રોકાણકારો અને ગ્રાહકો રિયલ એસ્ટેટ અને શેરબજારોને ટાળીને રેકોર્ડ ગતિએ સોનામાં રોકાણ કરી રહ્યા છે. સોનાને સામાન્ય રીતે સુરક્ષિત રોકાણ વિકલ્પ ગણવામાં આવે છે અને બગડતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અને આર્થિક ઉથલપાથલના સમયમાં સોનામાં રોકાણ ઘણીવાર વધી જાય છે.
આવું જ કંઇક તાજેતરના સમયમાં જોવા મળ્યું છે. પ્રથમ, યુક્રેન પર રશિયાના હુમલા (રશિયા-યુક્રેન યુદ્ધ) અને પછી ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે, સોનાની કિંમત આસમાને પહોંચી ગઈ હતી. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા પછી તરત જ, સોનાની કિંમત અચાનક તેની સર્વકાલીન ઉચ્ચતમ 2,400 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. આ મામલે ચીને તેનું સંપૂર્ણ ધ્યાન સુરક્ષિત રોકાણ એટલે કે સોનાના રોકાણ પર કેન્દ્રિત કર્યું છે.
ચીન પહેલેથી જ સોનાના બજારમાં પ્રભુત્વ ધરાવે છે અને દેશની મધ્યસ્થ બેંકે તેના સોનાના ભંડારમાં સતત વધારો કર્યો છે, જ્યારે અમેરિકન દેવાનો હિસ્સો ઘટાડ્યો છે. ચીનમાં સોનાના મોટા ખરીદદાર પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સતત 17મા મહિને તેના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. જ્યારે ચાઇના ગોલ્ડ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનમાં સોનાનો વપરાશ 6 ટકા વધ્યો છે.
રિયલ એસ્ટેટ અને શેરબજારના પરંપરાગત રોકાણ વિકલ્પોને બદલે સોનાના રોકાણમાં વધારો થવાને કારણે સોનાના કારોબારને લગતા ચાઈનીઝ ફંડોનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે. ખાસ કરીને યુવાનો સોનું ખરીદવામાં વધુ રસ દાખવી રહ્યા છે અને ગોલ્ડ બીન્સ ખરીદવામાં વ્યસ્ત છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં, સોનાની કિંમત તેની ઊંચી સપાટીથી ઘટીને લગભગ 2,300 ડૉલર પ્રતિ ઔંસ (1 ઔંસમાં 28 ગ્રામ સોનું) પર આવી ગઈ છે, પરંતુ હજુ પણ એવી ધારણા યથાવત્ છે કે, સોનાનું બજાર આર્થિક પરિબળો દ્વારા સંચાલિત નથી, પરંતુ ચીની ખરીદદારો દ્વારા અને તેના રોકાણકારોના ઈશારાઓથી ચલાવવામાં આવે છે.
લંડન સ્થિત MetalsDaily.comના CEO રોસ નોર્મન કહે છે કે, ચીન બેશક સોનાની કિંમતમાં વધારો કરી રહ્યું છે અને તેમાં તેનું રોકાણ વધ્યું છે. અન્ય એક અહેવાલ મુજબ ચીને છેલ્લા બે વર્ષમાં 2800 ટન સોનું ખરીદ્યું છે.
નોંધ: સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા તમે તમારા રોકાણકર્તા નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp