જાણો અમદાવાદ જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ
રથયાત્રાનો ભવ્ય ઈતિહાસ
અંદાજે સાડા ચારસો વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના પછી ગાદી પર સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિધ્ધ થયું હતું. આ મંદિરના મંહતની ગાદી પર બાલમુકુંદદાસજી અને ત્યાર પછી નરસિંહદાસજી આવ્યા હતા. નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને ત્યાર પછી તેમણે અષાઢી બીજે રથયાત્રા શરૂ કરાવી હતી. અમદાવાદમાં 137 વર્ષ પહેલા સૌપ્રથમ રથયાત્રા નિકળી હતી. લોકવાયકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી તેમના શિરે લીધી હતી. તેમણે નાળિયેરીના ઝાડમાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા, અને તેમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથજીને પધરાવ્યા હતા. તે રથને ખલાસી ભાઈઓ ખેંચીને યાત્રા કરાવી હતી. ત્યારથી આજ દિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓ કરે છે.
સરસપુર ભગવાનનું મોસાળુ કેવી રીતે બન્યું ?
137 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા, તે રથયાત્રામાં સાધુસંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુસંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું, ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે અને આજની તારીખે 20 વર્ષ સુધીના મોસાળાનું બુકિંગ થઈ ગયું છે. અને અત્યારે સરસપુરની તમામ પોળોના રહિશોએ રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખ્ખોની સંખ્યામાં આવેલા રથયાત્રીકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે. અહીંયા ભગવાનના મોસાળા જેવુ અદભૂત વાતાવરણ જોવા મળે છે.
દોઢ કિલોમીટર લાંબી રથયાત્રા થઈ ગઈ છે
138મી રથયાત્રા નિકળે છે, ત્યારે ઉત્તરોત્તર રથયાત્રા મોટી થતી ગઈ છે. રથયાત્રાના દર્શન કરવા માટે અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતભરમાંથી ભક્તો આવે છે. હૈયેહૈયુ દબાય તે રીતે ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. નગરચર્યાએ નિકળેલા જગન્નાથજીનું ભક્તો દ્રારા ભવ્ય સ્વાગત કરાય છે. 18 જુલાઈને શનિવારે નિકળનારી રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ(હાથી), 101 શણગારેલી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના દાવ બતાવતા 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્ડવાજા, 1000થી 1200 ખલાસીભાઈ(રથ ખેંચવા માટે), 2000 જેટલા સાધુ સંતો ભાગ લેશે. રથયાત્રા સવારે 7 વાગ્યે નિકળી અમદાવાદના 22 કિલોમીટર લાંબા માર્ગ પર ફરીને રાત્રે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત ફરે છે.
રથયાત્રામાં પ્રસાદની છૂટા હાથે વહેંચણી
રથયાત્રા દરમિયાન પ્રસાદની છૂટા હાથે વહેંચણી કરાય છે. 25,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી અને દાડમ તેમજ બે લાખથી વધુ ઉપેર્ણાનો પ્રસાદ ભક્તોને અપાય છે. તે ઉપરાંત રથયાત્રાના રૂટ પર ચોકલેટ અને પાણીને પણ પ્રસાદી સ્વરૂપે અપાય છે. રથયાત્રાના રૂટ પર માર્ગો પર ઠેર-ઠેર પાણીની પરબ, કોલ્ડડ્રિંક્સ અને પ્રસાદનું ફ્રી વિતરણ કરાય છે. શહેરમાં ઠેર-ઠેર લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીતો અને ભજનોની સુરાવલીઓ વાગતી હોય છે. અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરે છે, અને ભગવાનના ઓવારણા લેવાય છે. ભગવાન સામે ચાલીને તેમના વિસ્તારમાં આવે પછી તો પુછવું જ શું. ભાવિક ભક્તો ગાડાતૂર બની જાય છે. ઓલમોસ્ટ શહેરના લોકો તે દિવસે કામ-ધંધા બંધ રાખીને ભક્તોની સેવામાં લાગી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp