અલ્પેશ ઠાકોરના BJPમા જોડાતા BJPના કાર્યકર્તાઓ બોલ્યા-ભાજપમાં નેતા નહોતા?

PC: patrika.com

કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાને લઈને ઘણી અટકળો ચાલતી હતી. ત્યારે અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ ધારણ કરતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકર્તાઓએ પોતાની ભડાસ કાઢી હતી. ભાજપના કાર્યકર્તાઓએ મેસેજ વાયરલ કરીને તેમાં લખ્યું હતું કે, ભાજપમાં નેતાઓ ખૂટતા હતા કે, અલ્પેશ ઠાકોરને લીધો અને ભાજપને જ બિભત્સ વેણ કહેતા અલ્પેશ ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું. 

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાતા પહેલા જ ભાજપના ઠાકોર સમાજના કેટલાક નેતાઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરીને પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. છતાં પણ અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો. ભાજપના કાર્યકર્તાઓએ મેસેજમાં એવું પણ જણાવ્યું હતું કે, જે અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી હતી. તેવા અલ્પેશ ઠાકોરનું આજે તમે સન્માન કરી રહ્યા છો. 

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા પછી ભાજપના કાર્યકર્તાઓની સાથે-સાથે પરપ્રાંતિઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી છે અને સાથે સાથે ઉત્તર ભારતીય વિકાસ પરિષદે ભાજપને મત નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ શ્યામસિંઘે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપ ઉપર અમને વિશ્વાસ હતો, એ જ ભાજપ ગરીબ, મજદૂર હિન્દી ભાષીઓને મારીમારીને બહાર ભગાડનારાને ગંગાજળ છાંટીને આરોપ ધોઈ આપે છે. તેનાથી અમારી લાગણી દુભાઈ છે. જેના કારણે હવે અમે ભાજપને મત નહીં આપીએ. અમારા વતનમાં પણ ભાજપ સામે અમે અભિયાન ચલાવીશું.

ઉલ્લેખનીય છે કે, જ્યારે અલ્પેશ ઠાકોરે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યોં ત્યારે પ્રદેશ કાર્યાલય ખાતે અન્ય ભાજપના મંત્રીઓની હાજરી ન હતી. માત્ર પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા. જ્યારે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય ભાજપમાં આવ્યા હતા ત્યારે ભાજપના મંત્રીઓ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. પરંતુ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાતા સમયે કોઈપણ મંત્રીઓ હાજર રહ્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp