ટીકીટ આપવામાં BJP આગળ નીકળી ગયું, MVAમાં કેમ હજુ કંઈ નક્કી નથી થતું?

PC: mumbaitak.in

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ વતી BJPએ 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પરંતુ વિપક્ષની મહા વિકાસ આઘાડી એટલે કે MVA (શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે-કોંગ્રેસ)માં હજુ સુધી કંઈ નક્કી થયું નથી, જ્યારે 22 ઓક્ટોબરથી નામાંકન શરૂ થવા જઈ રહ્યું છે. હકીકતમાં, MVAમાં લગભગ 30 બેઠકો અંગે દ્વિધા છે.

તેમાંથી 18 બેઠકો પર કોંગ્રેસ અને શરદ પવારની NCP (SP) અને કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વચ્ચે 12 બેઠકો પર મડાગાંઠ છે. એવી પણ ત્રણ બેઠકો છે જેમાં ઉદ્ધવ અને શરદ પવારના પક્ષો વચ્ચે મામલો અટવાયેલો છે. આ કારણોસર હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી આ પક્ષોએ MVAની રચના કરનાર શરદ પવારનો સંપર્ક કર્યો છે.

આ સંદર્ભે કોંગ્રેસ નેતા નસીમ ખાન, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, સંજય રાઉત, અનિલ પરબ અને NCP (SP)ના અનિલ દેશમુખે રવિવારે મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. તે પછી, MVAના સૂત્રોએ જણાવ્યું હતું કે, સર્વસંમતિ સધાઈ ગયા પછી એક-બે દિવસમાં સીટની વહેંચણી અંગે સમજૂતી થવાની શક્યતા છે.

આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોમવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં છે. તેમણે ઉમેર્યું હતું કે, 'MVA સાથી પક્ષો વચ્ચે મંત્રણા 10 થી 12 બેઠકો પર કેન્દ્રિત છે, જે નક્કી કરવા માટે કે કઈ પાર્ટી વધુ સારા ઉમેદવાર ઉભા કરી શકે છે.' નસીમ ખાને કહ્યું કે, બાકીની 10 ટકા બેઠકો પર સર્વસંમતિ બનાવવા માટે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, 'શરદ પવાર MVAના રચયિતા હોવાથી, અમે તેમને મળ્યા અને વાત કરી.'

આ અગાઉ, MVA સાથી પક્ષો વચ્ચેના મતભેદો રાજ્ય કોંગ્રેસના વડા નાના પટોલે અને શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત વચ્ચેના શબ્દોના યુદ્ધમાં ફેરવાઈ ગયા હતા, જેના પગલે ઉદ્ધવ ઠાકરેએ પક્ષોને આ બાબતને બ્રેકિંગ પોઈન્ટ પર ન લઈ જવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 22 ઓક્ટોબરથી શરૂ થશે.

દરમિયાન BJPએ રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ નાગપુર દક્ષિણ-પશ્ચિમથી DyCM દેવેન્દ્ર ફડણવીસ અને કામઠીથી પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને નામાંકિત કર્યા છે. પાર્ટીએ રાજ્ય સરકારના મંત્રી સુધીર મુનગંટીવારને બલ્લારપુર અને પૂર્વ CM અને વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને નાંદેડ જિલ્લાની ભોકર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. ચવ્હાણ આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા. તેઓ હાલમાં BJPના રાજ્યસભાના સભ્ય છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BJP લગભગ 160 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. તેના સહયોગી શિવસેના (શિંદે જૂથ) અને DyCM અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) બાકીની બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા કરશે. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવેને ભોકરદનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે પક્ષના મુંબઈ એકમના વડા આશિષ શેલાર વાંદ્રે પશ્ચિમ અને રાજ્ય સરકારના પ્રધાન ચંદ્રકાંત પાટીલ કોથરુડથી ચૂંટણી લડશે.

મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાને ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે અને ત્રણ વખતના ધારાસભ્ય રામ કદમ મુંબઈની ઘાટકોપર પશ્ચિમ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડશે. શેલારના ભાઈ વિનોદ શેલારને પણ BJPએ ટિકિટ આપી છે. તે મલાડ પશ્ચિમથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા સુભાષ દેશમુખને સોલાપુર દક્ષિણથી અને દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ રાણેને કંકાવલીથી ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર ચૂંટણી માટે BJPની પ્રથમ યાદીમાં 13 મહિલાઓ છે, જ્યારે અનુસૂચિત જનજાતિમાંથી છ અને અનુસૂચિત જાતિના ચાર ઉમેદવારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp