વડોદરામાં જીમ ટ્રેનરે યુવતીને ધમકી આપી કહ્યું- તું મારી સાથે વાત નહીં કરે તો..

PC: A Virtuous Woman.com

સુરક્ષિત ગણાતા ગુજરાતમાં મહિલાઓની છેડતીના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. મહાનગર વડોદરામાં MBBSની વિદ્યાર્થીનીની શહેરનો એક જીમ ટ્રેનર ખોટી રીતે છેડતી કરતો હતો. જે અંગેની એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાઘોડિયા નજીક આવેલી સુમનદિપ વિદ્યાલયમાં MBBSનો અભ્યાસ કરતી યુવતી જીમમાં કસરત કરવા માટે જતી હતી. જીમ ટ્રેનરે એની ખોટી રીતે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. જીમમાં કસરત કરવા માટે પુરૂષ ટ્રેનર રાખતી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. પીડિત યુવતીએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જીમમાં શેર કરવામાં આવેલા મોબાઈલ નંબરને મેળવીને જીમ ટ્રેનરે એનો ખોટો ઉપયોગ કર્યો હતો. યુવતીને પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું.

MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વડોદરામાં આવેલા વૃંદાવન ચાર રસ્તા પાસે હાંડી જીમના ટ્રેનરનો કડવો અનુભવ થયો છે. સુમનદિપ વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને યુવતી અભ્યાસ કરતી હતી. તે દરરોજ આ જીમમાં જતી હતી. વિદ્યાર્થિનીનો જીમમાં આવવાનો સમય જાણવા માટે ટ્રેનર બબલુ અજીતસિંહ લાંબાએ મોબાઈલ નંબર માગ્યો હતો. ત્રણ મહિના બાદ વિદ્યાર્થિનીએ જીમમાં જવાનું છોડી દીધું હતું. તેમ છતાં બબલુ તેને વારંવાર ફોન કરતો હતો. વિદ્યાર્થીનીએ ફોન કરવાની ના પાડવા છતાં તે સતત ફોન કરીને પરેશાન કરતો હતો. આખરે કંટાળીને બબલુનો નંબર બ્લોક કરી નાંખ્યો હતો. યુવતીને છેલ્લા એક મહિનાથી કેટલાક અજાણ્યા નંબર પરથી ફોન આવતા હતા. બબલુએ યુવતીની હોસ્ટેલ પર પહોંચી એને મળવા માટે બોલાવી હતી. હકીકતમાં બબલુનો ઈરાદો એને બ્લેકમેઈલ કરવાનો હતો, તેથી યુવતીએ સ્પષ્ટભાષામાં ના પાડી દેતા મામલો ગરમાયો હતો. આ પછી પણ બબલુ એનો પીછો કરતો હતો.

તા. 18 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે બબલુ એની હોસ્ટેલે જઈને કહેવા લાગ્યો હતો કે, તું મારી સાથે વાત નહીં કરે તો તારા ઘરે કહી દઈશ. એવું કહીને ડરાવવા લાગ્યો હતો. બબલુથી પીછો છોડાવવા માટે કંટાળી ગયેલી યુવતીએ પરિવારજનોને વાત કરી. પોતાની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી. સોમવારે પરિવાર સાથે યુવતી વાઘોડિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલા શી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે બબલુ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે બબલુની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp