ટીકીટોની વહેંચણીના મામલે ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો લાવા, નેતાઓની વરવી જૂથબંધી

PC: ndianexpress.com

ગુજરાત કોંગ્રેસમાં ટીકીટોની વહેંચણીને લઈ મોટી બબાલની આશંકા સેવવામાં આવી રહી છે. ખાસ કરીને ટીકીટોની વેહંચણીને લઈ વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે તેના કારણે ગમે ત્યારે કોંગ્રેસમાં ધડાકા-ભડાકા થવાની ઘડીઓ ગણાઈ રહી છે.

કોંગ્રેસે જાહેર કર્યું હતું કે દિવાળી પહેલા સીટીંગ ધારાસભ્યોની ટીકીટ ફાઈનલ કરી દેવામાં આવશે. ખાસ કરીને જે ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને જીતાડવા માટે વફાદારી દર્શાવી હતી તે તમામ 43 ધારાસભ્યોની રિપીટ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ અંદરો-અંદરની બાથમબાથીમાં અને મુખ્યમંત્રી બનવાની લાલચે એકબીજાનાં માણસોની કાપાકૂપી ચાલી રહી છે.

કોંગ્રેસ સરખા ઉમેદવાર પસંદ નહી કરે તો હોઠ અને પ્યાલા જેવું અંતર રહી જશે. કોંગ્રેસ માટે બગસું ખાતા પતાસું આવ્યા જેવું હોવા છતાં આ ભરતસિંહો, અર્જુન મોઢવડિયાઓ, સિધ્ધાર્થ પટેલો, અહેમદ પટેલો, શક્તિસિંહ ગોહીલોથી ખદબદતી કોંગ્રેસની નાવ ક્યારેય પણ લાંગરે તેવું દેખાતું નથી. ઓલા રાહુલ ગાંધી ગુજરાત લટાર મારવા આવે તો પણ ગુજરાત કોંગ્રેસનું પિકચર સી-કેટેગરીની ફિલ્મ કરતાં પણ બની રહ્યું છે.

કોંગ્રેસે જીતી શકે અને લોકોમાં સબળ નેતૃત્વ, લોક પ્રશ્નો માટે લડતા, નિડર અને બાહોસ ઉમેદવારોની પસંદગી કરવાની રહે છે. ઉમેદવારોની પસંદગી બાબતે કોંગ્રેસ ગોતા ખાશે તો હવે પછી કોંગ્રેસે બીજા 10 વર્ષ લગી ગુજરાતમાં અરબી સમુદ્રનાં બીજા કિનારે બેસી રહેવું પડશે.

ગુજરાત કોંગ્રેસનાં સંગઠનમાં હજુ સુધી સમુંસુતરું કશું પણ નથી. ગામથી લઈ ગાંધીનગર સુધી કોંગ્રેસનાં નેતાઓ બાખડી રહ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસનું તંત્ર હવે ભગવાન ભરોસે હોવાનું લાગી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp