હળવા લક્ષણોમાં આ 2 દવાનો ઉપયોગ કરવાની કોવિડ ટાસ્ક ફોર્સની સલાહ

PC: khabarchhe.com

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન સમયમાં કોવિડના કેસોમાં વધારો થયો છે. કોવીડ ટાસ્ક ફોર્સ ના સભ્યોએ સારવાર માટેના અનેક સૂચનો કર્યા છે. વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે હાલમાં WHo દ્વારા કહેવાયુ છે કે કોવીડની સારવારમાં રેમડેસિવિર ઇન્જેક્શન એટલું અસરકાર સાબિત થયુ નથી એટલે સારવાર માટે ડૉક્ટરની સલાહ મુજબ જ દર્દીઓએ ઈન્જેક્શનનો ઉપયોગ કરવો હિતાવહ છે.

તબીબી શિક્ષણના અધિક નિયામક રાઘવેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોવિડ સામે ઝઝુમી રહ્યા છીએ. શરૂઆતના તબક્કે ખબર પણ ન હતી કે કયા પ્રોટોકોલ મુજબ સારવાર લેવી, એક વર્ષ બાદ અનેક તજજ્ઞો સાથે ચર્ચા કરાયા બાદ સારવારના પ્રોટોકોલમાં અનેક સૂચનો મળ્યા છે. તે મુજબ સારવારમાં બદલાવ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, એઈમ્સના તજજ્ઞો સાથે થયેલી ચર્ચા અને સારવારની માર્ગદર્શિકા મુજબ કોરોનાના હળવા લક્ષણોમાં આઇવરમેકટીન અને ફેરીપીરાવીર દવાનો ઉપયોગ કરવાની સૂચના મળેલ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ જેવાં રાજ્યોએ આ માર્ગદર્શિકાનો અભ્યાસ કર્યા બાદ સારવારમાં થોડા ફેરફાર કર્યા છે. જેનો રાજ્યભરમાં અમલ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

ડૉ. વી. એન શાહે જણાવ્યું કે, કોરોના મહામારી એક વિશ્વયુદ્ધ છે જેમાં એક વાયરસ સામે આખી દુનિયા લડી રહી છે. છેલ્લા એક વર્ષમાં મેડિકલ ક્ષેત્રે જે રિસર્ચ થયું છે તે પાછલા વીસ ત્રીસ વર્ષમાં પણ થયું નથી. કોરોનાને કારણે માત્ર એક વર્ષમાં 90 હજારથી વધુ રિસર્ચ પેપર રજૂ થઇ ચુક્યા છે. ડૉ. વી. એન. શાહે ઉમેર્યું કે, આજે પણ કોરોના વાયરસ સામે કોઈ પ્રસ્થાપિત દવા દુનિયામાં ઉપલબ્ધ નથી. પહેલા હાઈડ્રોક્લોરોક્સિક્વિનની ખુબ માંગ હતી. ત્યારબાદ ટોસિલિઝુમેબ અને હવે રેમડેસિવિરની માંગ ખુબ વધી છે પણ એ ભૂલવું ન જોઇએ કે આ કોઈ જ કોરોનાની દવા નથી અને તેની ઘણી આડઅસરો પણ છે. રેમડેસિવિર ડ્રગ ઓફ ચોઇસ નથી એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, રેન્ડમલી દવાઓ લેવાથી શરીરમાં વધુ નુકસાન થાય છે. દર્દીઓ જાતે કોઇ દવા માટે અને ઓક્સિજન માટે દોડાદોડી કરે પણ સંગ્રહ કરે તે યોગ્ય નથી માત્ર નિષ્ણાંત તબીબના માર્ગદર્શન સલાહ પ્રમાણે જ દવા ઈલાજ થવો જોઈએ.

ડૉ. વી. એન. શાહે કોરોના દર્દીઓના પાંચ પ્રકાર એસિમ્ટોમેટીક, માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને ક્રિટિકલ જેવાં લક્ષણો વિશે સમજ આપી તેની ઇલાજ-સારવારના આવશ્યક પ્રોટોકોલ જણાવ્યા હતા.તેમણે કહ્યું કે, એસિમ્ટોમેટીક દર્દીને કોઇ જ દવાની જરૂર નથી તે માત્ર આઇસોલેટ થાય. માઇલ્ડ અને મોડરેટ દર્દી એટલે કે જેઓ હળવા લક્ષણો ધરાવતા હોય તેમને ફેરીપેરાવીર અને આઇવરમેક્ટીન જેવી દવા આપી શકાય છે, આ દવાને હાલ કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ પણ પ્રોટોકોલમાં સમાવી છે, ઉપરાંત આવા દર્દીએ વિટામિન સી, ડી, અને ઝિંક લેવાથી ફાયદો થઈ શકે છે. સિવિયર અને ક્રિટીકકલ દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂર રહે છે અને ઓક્સિજન તથા વેન્ટિલેટરની જરૂર રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ડૉ.આર.કે.પટેલે જણાવ્યુ છે કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક જ અમોઘ શસ્ર્ત્ર સાબિત થશે એટલે સૌ નાગરિકો અવશ્ય માસ્ક પહેરે એ જરૂરી છે.સાથે સાથે વેકિસનેશન પણ અત્યંત અનિવાર્ય છે એટલે સૌ નાગરિકો એ સત્વરે વેકિસન લે એ જરૂરી છે.તેમણે ઉમેર્યુ કે,90 % યુવાનોને સંક્રમણ ઝડપથી થતુ નથી એટલા માટે યુવાઓ જયારે બહાર થી ઘરે જાય ત્યારે વડીલોથી દુર રહે અને વડીલોને બને એટલા આઈસોલેશનમાં રાખે કેમ કે કોમોર્બિડ દર્દીઓને સંક્રમણની શકયતા વધુ છે એટલા માટે વયસ્કોને આઈસોલેશનમા રાખીએ.

ડૉ.પટેલે કહ્યુ કે,આપણે સૌએ મેળવડાઓમાં જવાનુ ટાળવુ જોઈએ સાથે સાથે સોશ્યલ ડીસ્ટન્સીગ રાખીએ માસ્ક પહેરીએ તો જ સંક્રમણથી બચી શકીશુ. કોરોનાથી મરી જવાશે એવા માનસિક ડરને મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. તેમણે ઉમેર્યુ કે, આપણે સામાન્ય શરદી ખાસી કે તાવ લાગે તો ત્વરિત નિદાન કરાવીને એની સારવાર શરૂ કરીને આઈસોલેશનમા રહીએ. હોસ્પિટલ તરફ ભાગવાની બિલકુલ જરૂર નથી. સારવાર સાથે આરામ કરીશુ તો ચોક્કસ હોસ્પિટલાઈઝ થવાથી બચી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp