ભક્તનો iPhone ભૂલથી દાનપેટીમાં પડી ગયો,પાછો માંગ્યો તો કહ્યું-તે ભગવાનની સંપત્તિ

PC: hrce.tn.gov.in

તમિલનાડુના તિરુપોરુર સ્થિત અરુલમિગુ કંડાસ્વામી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ભક્તનું કહેવું છે કે, મંદિર પ્રશાસન તેનો આઇફોન પરત કરી રહ્યું નથી, જે દાનપેટીમાં ભૂલથી પડી ગયો હતો. વિનાયગપુરમના રહેવાસી દિનેશે કહ્યું કે, તેનો આઇફોન ભૂલથી મંદિરની દાનપેટીમાં પડી ગયો હતો, જ્યારે તેણે મંદિરના પ્રબંધન પાસેથી ફોન પાછો માંગ્યો હતો, ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે, દાનપેટીમાં નાખેલી કોઈપણ વસ્તુ ભગવાનની મિલકત માનવામાં આવે છે.

તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગ (HR&CE)એ સ્પષ્ટતા કરી છે કે, દાનપેટીમાં જે પણ નાખવામાં આવે છે તે હવે મંદિરની મિલકત બની જાય છે.

આ ઘટના થિરુપોરુરના શ્રી કંડાસ્વામી મંદિરમાં બની હતી. ભક્તનું નામ દિનેશ જણાવવામાં આવ્યું છે. દિનેશ જે સમયે મંદિરમાં દાન કરી રહ્યો હતો, ત્યારે તેનો આઇફોન ભૂલથી દાનપેટીમાં પડી ગયો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે મંદિર પ્રશાસનને ફોન પરત કરવાની અપીલ કરી.

શુક્રવારે જ્યારે દાનપેટી ખોલવામાં આવી ત્યારે તેમાંથી ફોન મળી આવ્યો હતો. મંદિર પ્રશાસને દિનેશને ફોન કર્યો અને કહ્યું કે તે ફોનનો ડેટા લઈ શકે છે, પરંતુ ફોન તેને પરત કરવામાં આવશે નહીં. જો કે, દિનેશે ફોનમાંથી ડેટા લેવાનો ઇનકાર કર્યો હતો અને ફોન પરત કરવાની માંગ કરી હતી. શનિવારે જ્યારે HR&CE મંત્રી P.K. શેખર બાબુ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'દાનપેટીમાં જે પણ દાન કરવામાં આવે છે, તે જાણી જોઈને હોય કે આકસ્મિક રીતે, તે ભગવાનના ખાતામાં જાય છે.'

તેમણે કહ્યું, 'મંદિરોમાં પ્રચલિત પરંપરા અને નિયમો મુજબ, દાનપેટીમાં નાખવામાં આવેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી. તે દેવતાની સંપત્તિ બની જાય છે.' જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ બાબતે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને જરૂર પડ્યે ભક્તને વળતર આપવાની શક્યતા પર વિચાર કરશે.

તમિલનાડુમાં આ પ્રકારનો મામલો પહેલીવાર સામે આવ્યો નથી. એક વરિષ્ઠ HR&CE અધિકારીએ જણાવ્યું કે, મે 2023માં, કેરળના અલપ્પુઝાની S. સંગીતા નામની મહિલાનું 1.75 તોલા સોનું આકસ્મિક રીતે પલાનીના પ્રખ્યાત શ્રી ધનદાયુથપાની સ્વામી મંદિરની દાનપેટીમાં પડી ગયું હતું. CCTV ફૂટેજ દ્વારા પુષ્ટિ કર્યા પછી અને મહિલાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષે પોતાના અંગત ખર્ચે સોનાની નવી ચેઇન બનાવી અને તેને પરત કરી. જો કે, અધિકારીએ કહ્યું કે, 1975ના દાનપેટીના નિયમો મુજબ, દાનપેટીમાં નાખવામાં આવેલ કોઈપણ દાન પાછું આપી શકાતું નથી. તેને મંદિરની સંપત્તિ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp