84 લાખ કરોડનું ભોજન વેડફાયું, ભારતીયો પણ પાછળ નથી...80 કરોડથી વધુ ભૂખ્યા સૂવે છે

PC: zeebiz.com

સરેરાશ, દરેક વ્યક્તિ એક વર્ષમાં 79 કિલો ખોરાકનો બગાડ કરે છે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 અબજ ટનથી વધુ અનાજનો બગાડ થાય છે, જ્યારે વિશ્વમાં લગભગ 80 કરોડ લોકો હજુ પણ ભૂખ્યા સૂવે છે.

આ ત્રણ આંકડા ચોંકાવનારા છે અને આ બતાવે છે કે, જ્યાં એક તરફ લોકોને પેટ ભરવા માટે પૂરતું ભોજન નથી મળતું, તો બીજી તરફ દર વર્ષે આટલો બધો ખોરાક બગાડવામાં આવી રહ્યો છે.

આ તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્રના 'ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટ 2024'માં સામે આવી છે. જેમાં 2022નો ડેટા લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, 2022માં, વિશ્વભરમાં 1.05 અબજ ટન અનાજનો બગાડ થયો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાદ્યપદાર્થોનો બગાડ માત્ર અમીર કે મોટા દેશો પૂરતો મર્યાદિત નથી. હકીકતમાં, નાના અને ગરીબ દેશોમાં પણ લગભગ સમાન પ્રમાણમાં જ બગાડ થઈ રહ્યો છે. જોકે, શહેરોની સરખામણીએ ગામડાઓમાં ખોરાકનો બગાડ ઓછો છે. આનું એક કારણ એ છે કે, ગામડાઓમાં શહેરો કરતાં વધુ પાલતુ પ્રાણીઓ છે અને તેમની વચ્ચે ખોરાક વહેંચવામાં આવે છે. આ કારણોસર શહેરોની સરખામણીમાં ગામડાઓમાં ખોરાકનો એટલો બગાડ થતો નથી.

19 ટકા ખોરાકનો બગાડ થયો: 2022 સુધીમાં એક વર્ષમાં 1.05 અબજ ટન ખોરાકનો બગાડ થયો. એટલે કે લોકોને જે ખોરાક મળતો હતો, તેમાંથી 19 ટકાનો બગાડ થયો હતો. આ મુજબ એક વર્ષમાં 1 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 84 લાખ કરોડ રૂપિયાનું ખાદ્યપદાર્થ વેડફાઈ ગયું.

પરિવારોમાં વધુ બગાડ: ખોરાકનો મોટાભાગનો બગાડ પરિવારોમાં થાય છે. 631 મિલિયન ટન અથવા 60 ટકા ખોરાકનો બગાડ પરિવારોમાં જ થયો હતો. ફૂડ સર્વિસ સેક્ટરમાં 29 કરોડ ટન અને રિટેલ સેક્ટરમાં 13 કરોડ ટન ખોરાકનો બગાડ થયો હતો.

દરેક વ્યક્તિએ 79 કિલો ખોરાકનો બગાડ કર્યો: 2022માં, વિશ્વભરમાં સરેરાશ દરેક વ્યક્તિએ 79 કિલો ખોરાકનો બગાડ કર્યો. અમીર દેશોની સરખામણીએ ગરીબ દેશોમાં ખાદ્યપદાર્થોનો બગાડ માત્ર 7 કિલો ઓછો થયો છે.

લગભગ 80 કરોડ લોકો ભૂખ્યા રહે છે: આ ખોરાકનો બગાડ ત્યારે છે, જ્યારે વિશ્વભરમાં 78.3 કરોડથી વધુ લોકો ભૂખ્યા સૂઈ જાય છે. એટલું જ નહીં, વિશ્વભરની માનવ વસ્તીનો એક તૃતીયાંશ ભાગ પણ ખોરાકના સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે.

આબોહવા પર ખોરાકના બગાડની અસર: ખાદ્યપદાર્થોના બગાડને કારણે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 8 થી 10 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જે દેશોની આબોહવા ગરમ છે, ત્યાં ખાદ્યપદાર્થોનો બગાડ ઠંડા દેશો કરતાં ઘણો વધારે છે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દરેક ભારતીય દર વર્ષે સરેરાશ 55 કિલો ખોરાકનો બગાડ કરે છે. આ મુજબ, ભારતીય પરિવારોમાં વાર્ષિક 7.81 કરોડ ટનથી વધુ અનાજનો બગાડ થાય છે.

રિપોર્ટ અનુસાર ભારતના પડોશી દેશોમાં ચીનમાં ખોરાકનો સૌથી વધુ બગાડ થાય છે. ચીનમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં સરેરાશ 76 કિલો ખોરાકનો બગાડ કરે છે. આ હિસાબે ત્યાંના પરિવારોમાં એક વર્ષમાં 10.86 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.

જો કે પાકિસ્તાનમાં દરેક વ્યક્તિ વાર્ષિક સરેરાશ 130 કિલો ખોરાકનો બગાડ કરે છે, પરંતુ ત્યાં એક વર્ષમાં 3.07 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે.

એ જ રીતે બાંગ્લાદેશમાં દર વર્ષે 1.41 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે, અફઘાનિસ્તાનમાં 52.29 લાખ ટન, નેપાળમાં 28.31 લાખ ટન, શ્રીલંકામાં 16.56 લાખ ટન અને ભૂટાનમાં 15 હજાર ટનથી વધુ ખોરાકનો બગાડ થાય છે.

સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં સરેરાશ 79 કિલો ખોરાકનો બગાડ કરે છે. જો આ ખોરાકનો બગાડ ન થાય તો તે જરૂરિયાતમંદ વ્યક્તિનું પેટ ભરી શકે છે.

જો કે, ઘણા દેશોમાં, ખોરાકનો બગાડ ઘટાડવાના માર્ગો પર કામ કરવામાં આવી રહ્યું છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા સહિતના કેટલાક દેશોમાં ખોરાકનો બગાડ ઘટ્યો છે. 2007થી, જાપાનમાં ખોરાકનો કચરો એક તૃતીયાંશ જેટલો ઘટ્યો છે. જ્યારે બ્રિટનમાં તેમાં 18 ટકાનો ઘટાડો થયો છે.

ગ્લોબલ ફૂડબેંકિંગ નેટવર્કના CEO લિસા મૂને મીડિયા સૂત્રોને જણાવ્યું કે, અમે ખાદ્યપદાર્થોનો બગાડ ઘટાડવા માટે ફૂડ બેંકો સાથે મળીને કામ કરી શકીએ છીએ.

તેમણે કહ્યું કે ખાદ્યપદાર્થોનો બગાડ ઘટાડવા માટે ફૂડ બેંકિંગ એક અનોખું મોડેલ છે. કારણ કે ફૂડ બેંકો માત્ર ઉત્પાદકો, ખેડૂતો, છૂટક વિક્રેતાઓ અને ફૂડ સર્વિસ સેક્ટર સાથે ફક્ત સાથે મળીને કામ જ નથી કરતી, પરંતુ તેઓ એ પણ સુનિશ્ચિત કરે છે કે, આ ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે.

આટલું જ નહીં, કેટલાક અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે, જો લોકોને ખોરાકનો કચરો અલગથી એકઠો કરવાનું કહેવામાં આવે તો તેમની આદતો સુધરે છે અને તેઓ ખોરાકનો ઓછો બગાડ કરે છે. કારણ કે, આનાથી તેઓ સમજી શકે છે કે, તેઓ જે ખરીદે છે અથવા બનાવે છે, તેમાંથી કેટલો બગાડ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp