ગુજરાતના સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા યુવાનો માટે મહત્ત્વનો નિર્ણય

PC: khabarchhe.com

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે આર્થિક રીતે પછાત વર્ગના યુવાઓ-વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારે 10 ટકા આર્થિક અનામત આપવાનો કાયદો બનાવ્યો છે. તે અન્વયે ગુજરાત સરકારે પણ સમગ્ર દેશમાં પ્રથમવાર આ કાયદાનો અમલ કરવાનો નિર્ણય કરીને વાર્ષિક રૂ.8.00 લાખથી ઓછી આવક ધરાવતા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા યુવાનોને 10 ટકા આર્થિક અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્ત્વના નિર્ણયની વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સામાજિક સમરસતા માટે આર્થિક અનામત આપવા માટેના જે ધારાધોરણો નક્કી કરાયાં છે તે મુજબ ગુજરાતમાં પણ આર્થિક રીતે નબળા યુવાનોને સહાયરૂપ થવાં મંત્રી મંડળના સભ્યો, સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવા માટે વાર્ષિક રૂ.8.00 લાખની આવક સાથે જમીન માલિકી તથા રહેણાંકના ઘરની માલિકી અથવા ખુલ્લા પ્લોટની માલિકી ધરાવવી એવી વિવિધ જોઇગવાઇઓ સાથે કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે ધારાધોરણો રાખ્યા છે પરંતુ ગુજરાત સરકારે ફક્ત આવકનું એક જ ધોરણ રાખી વાર્ષિક રૂ. 8.00 લાખથી ઓછી આવક ધરાવતાં સવર્ણ સમાજના પરિવારના યુવાનોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે આર્થિક અનામતના લાભો આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે ટુંક સમયમાં મંત્રીમંડળે કરેલા નિર્ણય પ્રમાણે રાજ્ય સરકારનું નોટીફીકેશન બહાર પડશે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, વાર્ષિક રૂ.8.00 લાખની આવકમાં ઉમેદવાર પોતે તેમના માતા-પિતા અને 18 વર્ષથી ઓછી ઉંમરના ભાઇ-બહેનની આવક ગણવામાં આવશે. આ આવકમાં કોઇ પણ નોકરીનો પગાર, ખેતીવાડીની આવક, ધંધા-વ્યવસાયની આવક વિગેરે સહિત ગણવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ 1978 પહેલાથી વસતાં હોય તેવા તમામ સવર્ણ સમાજના કુંટુંબની વાર્ષિક આવક રૂ.8.00 લાખથી ઓછી થતી હોય તેવાં યુવાનો અને વિદ્યાર્થીઓનો આ 10 ટકા આર્થિક અનામતનો લાભો મળશે.

આ ઉપરાંત રાજ્ય સરકારની નીતિ પ્રમાણે દરેક ભરતીમાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રખાય છે. તે જ પ્રમાણે સવર્ણ સમાજની અનામત બેઠકોમાં પણ 33 % બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનાર વિવિધ ભરતી પ્રક્રિયામાં પણ હવેથી 10 ટકા આર્થિક અનામતની જોગવાઈ ઉમેરીને નિમણુંકની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારની નોકરી કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે રૂ.8.00 લાખથી ઓછી આવકનું એક જ ધારાધોરણ જે નક્કી કર્યું છે તે લાગું પડશે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા થનાર ભરતી તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેના ધોરણો કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp