અમદાવાદમાં સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલે મોકલેલા દારૂ સાથે 3 આરોપી ઝડપાયા

PC: news18.com

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે દારૂની હેરાફેરી પણ વધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવાર નવાર પોલીસ દ્વારા દારૂની હેરાફેરીની બાતમી મળતા દારૂના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. એક તરફ સરકાર ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં એક અઠવાડિયું એવું નહીં હોય કે, દારૂનો મુદ્દામાલ પોલીસે નહીં પકડ્યો હોય. લોકડાઉનના સમયમાં એવા પણ કિસ્સા સામે આવ્યા છે દારૂની હેરાફેરીમાં અથવા તો વેચાણમાં પોલીસની પણ સંડોવણી હોય. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે કે, જેમાં એક સસ્પેન્ડ થયેલો પોલીસ કોન્ટેબલે દારૂનો મુદ્દામાલ ત્રણ આરોપીઓને સપ્લાય કરવા માટે આપ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વાહનોનું ચેકિંગ કર્યું હતું. જેમાં પોલીસકર્મીઓએ મેમનગર સ્ટર્લીંગ હોસ્પિટલ નજીક આવેલા શંકબા ટાવર પાસે ઉભેલી મારુતિ બ્રેઝા કારનું ચેકિંગ કરતા તેમાં કેટલીક બ્લુ કલરની કોથળીઓમાંથી દારૂની બોટલો મળી આવી હતી. તેથી પોલીસે બ્લુ કલરની કોથળીઓ, દારૂની બોટલો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે બ્લુ કલરની થેલીઓમાં રહેલો 236 બોટલ દારૂ, કાર સહિત 5.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તેમાં કિશન પંચાલ, સચિન પંચાલ અને ગોપાલ દંતાણીનો સમાવેશ થાય છે. ત્યારે આ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ત્રણેયને દારૂનો મુદ્દામાલ વેચવા માટે એક સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીએ આપ્યો હતો અને આ દારૂ મેમનગરમાં ઉતારવા માટે જણાવ્યું હતું. જે વ્યક્તિએ આ ત્રણેય ઇસમોની દારૂ ઉતારવા માટે આપ્યો હતો તેનું નામ ભરતસિંહ ઝાલૈયા હતું અને તે સોલા પોલીસ સ્ટેશનમાંથી અગાઉ સસ્પેન્ડ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ અગાઉ પણ દારૂની સપ્લાય કરતા પકડાઈ ચૂક્યો છે. હાલ સોલા પોલીસે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. મહત્ત્વની વાત છે કે, પોલીસનું કામ ગુજરાતમાં લોકોનું રક્ષણ કરવાનું અને દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે કામગીરી કરવાનું હોય છે પરંતુ કેટલાક પોલીસકર્મીઓની આ પ્રકારની કામગીરીના કારણે ગુજરાતમાંથી અવાર નવાર દારૂનો મુદ્દામાલ અથવા તો દારૂની સપ્લાય પોલીસના હાથે પકડાય છે. ભૂતકાળમાં પણ વિજિલન્સની રેડ દરમિયાન જે તે વિસ્તારમાં દારૂના અડ્ડા પકડાય તો તે વિસ્તારના પોલીસ સ્ટેશનના PI અને PSI સામે પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp