રાજકોટમાં કોન્સ્ટેબલ દારૂના નશામાં પોલીસ વાનમાં યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો

PC: DainikBhaskar.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ, જાણે કાયદાનું પાલન કરાવનારા પોલીસકર્મીઓને નિયમો લાગુ ન પડતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ક્યારેક પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતા પકડાઈ છે તો ક્યારેક પોલીસકર્મી દારૂના નશામાં ઝડપાયા છે. ત્યારે રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો એક હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં પોલીસની વાનમાં એક યુવતી સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હતો. ત્યારબાદ આ પોલીસકર્મીને લોકોએ માર માર્યો હતો અને તેના કપડા ફાડી નાંખ્યા હતા. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ આ પોલીસકર્મી સામે કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે.

રિપોર્ટ અનુસાર, કોટડાસાંગાણી તાલુકામાં સાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં અશ્વિન મકવાણા નામનો વ્યક્તિ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં પોલીસની વાનમાં સાપર વેરાવળ ગામથી થોડે દુર ઢોલરા રોડ પર એક યુવતી સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો. આ બાબતે સ્થાનિક લોકોને જાણ થતા લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતું અને તેમણે કોન્સ્ટેબલ અશ્વિન મકવાણાને પોલીસની જીપમાંથી બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો.

તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ પોલીસ કોન્સ્ટેબલને કપડાં કાઢીને માર માર્યો હોવાના વીડિયો અને ફોટા મોબાઇલમાં ઉતાર્યા હોવાના કારણે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને લોકોએ પોલીસ સામે આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક પોલીસે કોન્સ્ટેબલને બચાવવાના પ્રયાસ કરી રહી છે.

તો બીજી તરફ આ ઘટનાને લઇને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે અને સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર કરીને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. આ ઘટનામાં પોલીસકર્મીએ લોકોથી બચવા માટેના ઘણા પ્રયાસ કર્યા હતા પણ તે લોકોથી બચી શક્યો નહોતો. એવી પણ માહિતી સામે રહી છે કે, કોન્સ્ટેબલને જ્યારે લોકોએ પકડ્યો ત્યારે લોકો તેને પટ્ટો ઉતારીને મારવા માટે દોડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp