દાહોદના આ ગામમાં લોકો ઢીંચણ સમા કાદવમાંથી નનામીને લઈ જવા મજબૂર, ક્યારે બનશે રોડ?

PC: news18.com

ગુજરાતના વિકાસની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. ગુજરાત વિકાસમાં હરણફાળ ભરી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ ગુજરાતમાં હજુ પણ કેટલાક અંતરિયાળ વિસ્તારોના લોકોને પાયાની સુવિધાનો લાભ પણ મળતો નથી. હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રસ્તાના અભાવે 108ની સુવિધા લોકોને મળી શકતી નથી. દર્દી બીમાર હોય તો લોકોએ ચાલીને હોસ્પિટલ સુધી પહોંચવું પડે છે.

ત્યારે આવા જ એક કિસ્સાની વાત કરવી છે. આ ઘટના દાહોદ તાલુકાના જાલત ખાતે આવેલા ભૂરીયા ફળિયાની છે. અહીંના લોકોએ પાકા રસ્તાના અભાવે કાદવ અને કીચડમાંથી ચાલીને જવું પડે છે. ગામમાં કોઈનું મૃત્યુ થયું હોય તો પણ સ્મશાન સુધી પહોંચવા માટે કાદવ અને કીચડમાંથી પસાર થવું પડે છે. આ ઉપરાંત, કોઈને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડે તો પણ આવા કાદવ અને કીચડમાંથી પસાર થવું પડે છે.

રિપોર્ટ અનુસાર, જાલતના ભૂરીયા ફળિયામાં રહેતા લોકો સરકારની પાયાની જરૂરીયાતથી પણ વંચિત છે. ભૂરીયા ફળિયાના લોકોને આજ દિન સુધી પાકો રસ્તો મળ્યો નથી. આ ભૂરીયા ફળિયામાં 300 લોકો વસવાટ કરે છે. જાણે વહીવટી તંત્રના અધિકારીઓ આ ગામડાને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીંના લોકોએ પાકા રસ્તાના અભાવે ચોમાસામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ દવાખાને કે સ્મશાને જવા માટે કાદવ કીચડમાં થઇને જવું પડે છે.

ભૂરીયા ફળિયામાં કોઈ પરિવારના સ્વજનનું અવસાન થાય ત્યારે તેમના મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા માટે સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ભૂરીયા ફળિયાના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન તો ઠીક વ્યક્તિ માંડ-માંડ ચાલી શકે છે. રસ્તા પર એટલો કાદવ થઇ જાય છે કે પગ મૂકતા જ વ્યક્તિનો પગ ઘૂંટણ સુધી કીચડમાં ચાલ્યો જાય. ભૂરીયા ફળિયામાં રહેતો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને ઈમરજન્સી સારવાર માટે દવાખાને લઇ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તાના અભાવના કારણે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી.

ભૂરીયા ફળિયાના લોકોએ તેમને પડતી મુશ્કેલીને લઇને અવાર નવાર તંત્રને રસ્તો બનાવવા બાબતે રજૂઆત કરી પણ તંત્ર દ્વારા આ લોકોની રજૂઆતોને સાંભળવામાં આવતી નથી અને રસ્તો બનતો નથી. ત્યારે ગુજરાતનું ભૂરીયા ફળિયુ કેટલા સમય સુધી વિકાસના કામોથી વંચિત રહેશે તે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp