પદ્માબાપા, જે મદ્રાસથી મગફળી ગુજરાત લાવ્યા

PC: https://khabarchhe.com/

ચોમાસામાં વાવણીના સમયે વાવેલી મગફળીની લણણી શરુ થઇ ગઇ છે અને ગુજરાતના વિવિધ માર્કેટીગ યાર્ડોમાં મગફળીની આવક થવા લાગી છે.  અંદાજે આ વર્ષે ગુજરાતમાં 15 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર મગફળીના વાવેતરમાં અગ્રેસર છે. એ પણ નોંધવું જોઈએ કે સૌરાષ્ટ્રના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરનાર કોઈ હોય તો તે મગફળી છે.  આ સિવાય સૌરાષ્ટ્ર સહિત સંપૂર્ણ ગુજરાતમાં કરોડો રૂપિયાનો મગફળીના તેલનો ઉદ્યોગ પણ ચાલે છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં મગફળીના આગમનના કંઈ વધુ વર્ષો નથી થયા.

આજથી 150 વર્ષ પહેલા પદ્માબાપા કાલરીયા નામના એક ગર્ભ શ્રીમંત અને પ્રગતિશીલ ખેડૂત મગફળીને મદ્રાસથી લાવ્યા હતા.

પદ્માબાપા ધોરાજી-માટી મારડ તાબેનાના પીપળીયા ગામના વતની હતા. પદ્માબાપા એકવાર મદ્રાસ ગયા હતા ત્યાં તેમને પ્રથમવાર મગફળીનો પાક જોયો હતો. જ્યાં પદ્માબાપાએ મગફળીના પાક વિશે માહિતી મેળવી અને તેના કેડિયાના બંને ખિસ્સામાં સમાય તેટલી મગફળી લઈને ગુજરાત પરત ફર્યા. બાપાએ મદ્રાસથી લાવેલી મગફળીનું પ્રથમ વખત વાવેતર કર્યું અને તેનાથી બે સુંડલા જેટલી મગફળીનું ઉત્પાદન થયું.

પદ્માબાપાએ ઉત્પાદન થયેલી મગફળીને દાણા કાઢીને બીજી વાર વાવેતર કર્યું અને તેમાંથી એક ગુણી મગફળીનું પદ્માબાપાએ ઉત્પાદન મેળવ્યું હતું. આ ઉત્પાદનમાંથી બાપાએ બધા સગા વ્હાલામાં વહેંચી અને તે બધાએ પણ મગફળી વાવી. આવી રીતે ધીમે ધીમે મગફળીનું વાવેતર સૌરાષ્ટ્રભરના ખેડૂતો કરવા લાગ્યા. 

આમ સૌરાષ્ટ્રમાં મગફળી લાવવાનો શ્રેય પદ્માબાપા કાલરીયાને જાય છે. તમને જણાવી દઈએ કે રાજાશાહીના તે સમયમાં ધોરાજી ખાતે મળેલા એક ખેડૂત સંમેલનમાં પદ્માબાપાનું સન્માન કરવામાં આવ્યું અને તેમને ‘મગફળીના પિતા’નું બિરુદ આપવામાં આવ્યું હતું.

વર્તમાનમાં પદ્માબાપાનું તૈલીચિત્ર ધીરાજી ખાતે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મુકવામાં આવી છે. બાપાનું ખોબો મગફળીનું વાવેતર આજે ગુજરાતના 15 લાખ હેકટર કરતા પણ વધારે વિસ્તારમાં વિસ્તર્યું છે. અને આજે પણ મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય ચોમાસું પાક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp