PM નરેન્દ્ર મોદીના સગાભાઈ પંકજ મોદીએ જુઓ કેવા ફેક ન્યૂઝ વહેતા કર્યા

PC: facebook.com/pankaj.modi.543

ભાજપના નેતાઓ અને તેમના ભક્તોની એક મઝા છે, તેઓ બતાડે તે જ પૂર્વ દિશા તમારે માની લેવાની હોય છે. સત્તા નહોતી મળી ત્યાં સુધી કોંગ્રેસની વિરુદ્ધ ચાલતા સાચા ખોટા પ્રચારની તેમને મઝા પડી હતી, પરંતુ 2014મા કેન્દ્રમાં સરકાર બની પછી તેમને બ્રહ્મ જ્ઞાન લાધ્યુ અને તેમણે જાહેર કર્યુ કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ફેક ન્યૂઝ આવે છે. આ બધા કરતા સવાયા ભાજપી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તો ફેક ન્યૂઝના નામે પત્રકારોને દંડવાની જોગવાઈ પણ જાહેર કરી, જો કે બધા કરતા જરા વધુ સમજદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિ ઈરાનીના દંડને બ્રેક મારી દીધી હતી.

કોઈ પણ સરકારી કર્મચારીનું કામ સરકારની યોજનાનો પ્રચાર કરવાનું હોય છે, તેમાં પણ માહિતી ખાતાના કર્મચારીનું તો આ જ કામ છે, ગુજરાતના માહિતી ખાતામાં PM નરેન્દ્ર મોદી રાજકારણમાં આવે તે પહેલાથી PM નરેન્દ્ર મોદીના સગાભાઈ પંકજ મોદી કામ કરતા હતા, એટલે કોઈએ તેવો અર્થ કાઢવાની જરૂર નથી કે PM નરેન્દ્ર મોદીએ પોતાના ભાઈ પંકજને નોકરી અપાવી હતી, જો કે બે વર્ષ પહેલા પંકજ મોદી નિવૃત્ત થઈ ગયા પછી માહિતી ખાતામાં તેઓ હાલમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરે છે. આમ તો પંકજ મોદીનો ઈતિહાસ એવો રહ્યો છે કે તેમણે ક્યારેય પોતના મોટાભાઈ PM નરેન્દ્ર મોદીના નામનો લાભ લઈ કોઈ કામ કર્યુ હોય તેવી ફરિયાદ થઈ નથી, તેમજ તેઓ ભાજપ-કોંગ્રેસના રાજકારણથી પણ દૂર રહ્યા છે.

પરંતુ તાજેતરમાં તેમણે એક વોટ્સએપ ગ્રુપમાં પોતાના વ્યક્તિગત નંબરથી એક સ્ટોરી વાયરલ કરી, સ્ટોરી કઈક આ પ્રમાણેની હતી જેમાં કોંગ્રેસના એક ગુજરાત બહારના ધારાસભ્ય મુકેશ કોહલી પાસેથી રૂપિયા 20000 કરોડની ચલણી નોટો પકડાઈ તેવો દાવો અને તેનો ફોટો પણ મૂક્યો છે, ખરેખર આવુ દેશમાં ક્યાંય બન્યું નથી કે એક સામટા 20 હજાર કરોડ પકડાયા હોય. પંકજ મોદીએ કોઈને આ સ્ટોરી મોકલી હશે અને વાયરલ તેમણે કરી તેવુ માની લઈ, પણ તેમણે તેની ઉપર નોંધ પણ મૂકી કે ભારતના મીડિયામાં હિંમત નથી કે આ સ્ટોરી બતાડે માટે તમે તેને ખૂબ વાયરલ કરો. એવુ પણ માની લઈએ કે સ્ટોરી સાથેની નોંધ પણ તેમની નથી તે પણ આગળથી આવી હશે.

પંકજ મોદી PM નરેન્દ્ર મોદીના સગાભાઈ ના હોત તો પણ તેઓ ગુજરાત સરકારના માહિતી અધિકારી છે એટલે તેમણે આ પ્રકારના રાજકીય ફેક ન્યૂઝમાં પડવાની જરૂર નહોતી. પરંતુ પંકજ મોદીએ વાયરલ કરેલા આ ફેક ન્યૂઝની ખૂબ ચર્ચા હાલમાં ચાલી રહી છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp