કોરોનામાં અનાથ થયેલા બાળકોને 23 વર્ષના થાય ત્યારે 10 લાખ મળશે અને 18 વર્ષથી જ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું જેમાં કોવિડને કારણે જે બાળકોએ તેમના વાલીઓ ગુમાવ્યા છે તેમના ટેકામાં હાથ ધરી શકાય તેવા પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોવિડની વર્તમાન મહામારીમાં અસર પામેલા બાળકો માટે પ્રધાનમંત્રીએ સંખ્યાબંધ લાભાલાભની જાહેરાત કરી હતી. આ પગલાંની જાહેરાત કરતાં પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે બાળકો દેશના ભાવિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને દેશ આ બાળકોના સહકાર અને સુરક્ષા માટે શક્ય તેટલું કરી છૂટશે જેથી તેઓ એક મજબૂત નાગરિક તરીકે વિકાસ પામે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કપરા સમયમાં બાળકોની સંભાળ લેવી અને તેમનામાં ઉજ્જવળ ભવિષ્યની આશાનું સિંચન કરવું તે એક સમાજ તરીકે આપણી ફરજ છે. જે બાળકોએ તેમના માતા અને પિતા બંને અથવા તો તેમાંથી એક અથવા તો તેમને દત્તક લેનાર કાનૂની વાલી ગુમાવ્યા હોય તે તમામ બાળકોની PM કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સંભાળ લેવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જાહેર કરાયેલા આ પગલાં ત્યારે જ શક્ય બનશે જ્યારે PM કેર્સ ફંડમાં જંગી યોગદાન મળી રહે જે ફંડ ભારતમાં કોરોના સામેની લડતમાં સહકાર આપી રહ્યું છે.
બાળકોના નામે ફિક્સ ડિપોઝીટ :
દરેક બાળક 18 વર્ષનું થાય ત્યારે તેને 10 લાખ રૂપિયા મળી રહે તે માટે PM કેર્સ આ માટેની વિશેષ યોજનામાં યોગદાન આપશે. આ ફંડ:
તેનો ઉપયોગ બાળક 18 વર્ષનું થાય ત્યારથી માસિક આર્થિક સહકાર / સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં આગામી પાંચ વર્ષ સુધી અપાશે જેથી જે તે બાળકની ઉચ્ચ શિક્ષણ માટેની અંગત જરૂરિયાત પૂરી કરી શકાય અને
તે બાળક 23 વર્ષની વયે પહોંચે ત્યારે તે તેની અંગત અને વ્યવસાયિક જરૂરિયાતને પહોંચી વળે તે માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવશે.
શાળાકીય શિક્ષણ: 10 વર્ષથી ઓછી વયના બાળકો માટે
બાળકને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા તો દિવસીય સ્કોલર તરીકે ખાનગી સ્કૂલમાં પ્રવેશ મળશે.
જો બાળકને ખાનગી શાળામાં પ્રવેશ મળ્યો હશે તો આરટીઈ હેઠળ PM કેર્સમાંથી તેની ફી ચૂકવાશે.
આ ઉપરાંત PM કેર્સ બાળકના યુનિફોર્મ, પાઠ્ય પુસ્તકો તથા નોટબુકનો ખર્ચ પણ ચૂકવશે.
શાળાકીય શિક્ષણ: 11-18 વર્ષના બાળકો માટે:
બાળકને કેન્દ્ર સરકારની રેસિડેન્શિયલ સ્કૂલ જેવી કે સૈનિક સ્કૂલ કે નવોદયા વિદ્યાલયમાં પ્રવેશ અપાશે.
જો બાળક તેના ગાર્ડિયન / દાદા-દાદી અથવા તો પરિવાર સાથે જ રહેવાનું જારી રાખશે તો જે તે બાળકને નજીકના કેન્દ્રિય વિદ્યાલય અથવા તો ખાનગી સ્કૂલમાં દિવસીય સ્કોલર તરીકે પ્રવેશ અપાશે.
જો બાળકને ખાનગી શાળામાં દાખલ કરાશે તો PM કેર્સ દ્વારા આરટીઈ હેઠળ તેની ફી ચૂકવાશે.
આ ઉપરાંત PM કેર્સ તે બાળકના યુનિફોર્મ, પાઠ્ય પુસ્તક અને નોટબુકનો ખર્ચ પણ ચૂકવશે.
ઉચ્ચ શિક્ષણ માટે સહકાર:
બાળકને શૈક્ષણિક લોનના પ્રવર્તમાન નિયમો હેઠળ ભારતમાં વ્યવસાયિક કોર્સ અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે લોન હાંસલ કરવામાં મદદ કરવામાં આવશે. આ લોન પરનું વ્યાજ PM કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.
એક વિકલ્પ તરીકે આ પ્રકારના બાળકને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ ટ્યુશન ફી અથવા અંડરગ્રેજ્યુએટના કોર્સ માટેની ફી અથવા વોકેશનલ કોર્સ માટેની ફીની બરાબરી મુજબની સ્કોલરશિપ આપવામાં આવશે. જે બાળકો પ્રવર્તમાન સ્કોલરશિપ માટેની લાયકાત ધરાવતા ન હોય તેમને એટલી જ સ્કોરલશિપ PM કેર્સ દ્વારા પૂરી પાડવામાં આવશે.
આરોગ્ય વીમો
તમામ બાળકોને આયુષમાન ભારત (PM-જય) યોજના હેઠળ પાંચ લાખના આરોગ્ય વીમા કવચના લાભમાં આવરી લેવામાં આવશે.
આ બાળકોના આરોગ્ય વીમાની રકમ તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી PM કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp