અમદાવાદમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં ભૂખની ફરિયાદ કરતા પોલીસે કર્યું આ ઉમદા કામ

PC: Youtube.com

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. લોકડાઉનની પરિસ્થિતિમાં ઘણા ગરીબ લોકોને ભોજનથી વંચિત રહેવાનો વારો આવ્યો છે, ત્યારે ગુજરાતમાં ઘણી સેવાભાવી સંસ્થાઓએ અને સેવાભાવી લોકોએ ગરીબ લોકોનો ભોજનની સેવા પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે. તેઓ ગરીબ લોકોને ફૂડપેકેટ પહોંચાડીને તેમના પેટ ભરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસ દ્વારા એક માનવતાનું કામ કરવામાં આવ્યું છે. લોકોને કોઇ. પણ પ્રકારની તકલીફ હોય અથવા તો ક્રાઇમની કોઈ અરજી કરવાની હોય તો તેઓ પોલીસ સ્ટેશને અરજી કરવા જતા હતા પરંતુ કોરોનાના કહેરે લોકોના પોલીસ સ્ટેશનમાં અરજી કરવાનું કારણ જ બદલી નાખ્યું છે. 

લોકો પહેલા પોતાની સાથે ચોરી, લૂંટફાટ કે, મારામારી વગેરે બાબતોની ફરિયાદ નોંધાવતા હતાં ત્યારે હવે લોકો ભૂખ્યા છે તેવી અરજી અને રજૂઆત પોલીસ કંટ્રોલરૂમમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં કરી રહ્યા છે ત્યારે ભૂખ્યા લોકોની વેદનાને જોઈને અમદાવાદની નારોલ પોલીસે પોલીસ સ્ટેશનની નજીક જ સામાજિક સંસ્થાના લોકોની મદદથી રસોડું શરૂ કર્યું છે.

રિપોર્ટ અનુસાર નારોલ પોલીસ સ્ટેશનમાં લોકોની અરજી આવતી હતી કે, તેઓને લોકડાઉનની સ્થિતિમાં ભોજનની જરૂર છે ત્યારે પોલીસે સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરીને પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક રસોડું શરૂ કર્યું અને જે લોકો ભોજનને લઈને પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે તેઓને પોલીસ દ્વારા અને સામાજિક સંસ્થા દ્વારા ફુડ પેકેટ પહોંચાડવામાં આવે છે. હાલ નારોલ પોલીસ સ્ટેશન અને સેવાભાવી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા રસોડામાં રોજ 2,500થી 3,000 લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. લોકો પણ સામાજિક સંસ્થા અને પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોની પોલીસ દ્વારા પણ જો કંટ્રોલરૂમમાં ગરીબ લોકો ભોજન વંચિત હોવાની જાણ કરે તો પોલીસ દ્વારા તે લોકોને ફુડ પેકેટની સુવિધા આપવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા પણ ગરીબ લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે, ત્યારે રાજ્ય સરકાર પણ રેશનકાર્ડ વગરના લોકોને અન્નબ્રહ્મ યોજનાના મારફતે અનાજનો પુરવઠો પુરો પાડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp