અનલોકમાં શાકભાજી, તેલ, અને કઠોળના ભાવમાં ભડકો થયો

PC: indiatimes.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો વધી રહ્યા છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અનલોકમાં લોકોને વધુમાં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. અનલોકમાં ધંધા-ઉદ્યોગ ખુલ્યા છે. જેના કારણે લોકોને આર્થિક સંકડામણમાંથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ અનલોકમાં મોંઘવારી પણ ખૂબ જ વધી રહી છે. લોકોની આવક ઓછી છે અને તમામ ખાદ્ય પદાર્થોના ભાવ વધવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનલોક પછી ડુંગળી, બટાકા, સનફ્લાવર તેલ, કપાસિયા તેલ, વનસ્પતિ તેલ, તુવેરદાળ, ચણાદાળ અને કઠોળના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

અનલોકમાં 31 ઓગસ્ટની સરખામણીએ 30 સપ્ટેમ્બરમાં તમામ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 31 ઓગસ્ટના રોજ ડુંગળી 25 રૂપિયા કિલો મળતી હતી પરંતુ 30 સપ્ટેમ્બર સુધીમાં તેનો ભાવ 60 રૂપિયા કિલો થઈ ગયો એટલે ડુંગળીમાં રૂપિયા 35નો વધારો થયો. 31 ઓગસ્ટના રોજ બટાકાનો ભાવ 15 રૂપિયા કિલો હતો પરંતુ 30 સપ્ટેમ્બરના રોજ 1 કિલો બટાકાનો ભાવ 45 રૂપિયા થઈ ગયો એટલે કિલો બટાકાના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો. સનફ્લાવર ઓઇલનો ભાવ 31 ઓગસ્ટના રોજ 1,590 રૂપિયા હતો પરંતુ 30 સપ્ટેમ્બર સુધીમાં 235ના વધારા સાથે તેલના ડબ્બાનો ભાવ 1,825 રૂપિયા થઈ ગયો. 31 ઓગસ્ટના રોજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1,560 રૂપિયા હતો પરંતુ હવે તેમાં 90 રૂપિયાનો વધારો થયો છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં તેનો ભાવ 1,650 રૂપિયા થઈ ગયો છે.

આ જ પ્રકારે વનસ્પતિ તેલનો ભાવ 1,320 રૂપિયા હતો પરંતુ 30 સપ્ટેમ્બર સુધીમાં 80 રૂપિયાના વધારા સાથે વનસ્પતિ તેલનો ડબ્બો 1,400 રૂપિયાના ભાવે મળી રહ્યો છે. 31 ઓગસ્ટના રોજ તુવેર દાળ 90 રૂપિયા કિલો મળતી હતી પરંતુ 30 સપ્ટેમ્બર સુધીમાં 30 રૂપિયાના વધારા સાથે તુવેર દાળનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. ચણાદાળ 31 ઓગસ્ટ સુધી 55 રૂપિયા કિલો હતી પરંતુ હવે 3પ ઓગસ્ટ સુધીમાં 10 રૂપિયાના વધારા સાથે ચણા દાળનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. અન્ય કઠોળ 31 ઓગસ્ટ સુધીમાં 75 રૂપિયા કિલો મળતા હતા પરંતુ કઠોળમાં 35 રૂપિયાના વધારા સાથે 30 સપ્ટેમ્બર સુધીમાં કઠોળનો ભાવ 110 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

અનલોકમાં રાજ્યના લોકોને ઘણી છુટછાટ મળી છે પરંતુ સાથે-સાથે મોંઘવારી પણ વધી રહી છે. આ ભાવ વધારાનો લાભ રાજ્યના ખેડૂતોને નહીં પરંતુ વચેટીયા અને સંગ્રહખોરોને મળતો હોય તેવું લાગી રહ્યું છે. ભાવ વધારો થતા એવું લાગી રહ્યું છે કે, ભાંગી પડેલા ધંધા-રોજગારને પુનઃ સ્થાપિત કરવાની વાત તો દૂર રહી પરંતુ સંગ્રહખોરો અને વચેટીયાઓને કાબુમાં રાખવાની જવાબદારી સરકાર નિભાવી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp