ગુજરાતના આ MLAના પુત્રએ હોસ્પિટલમાં 1 રૂપિયાના ટોકને સેવા આપવાનો નિર્ણય કર્યો

PC: news18.com

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન 300થી 350 જેટલા પોઝિટિવ કેસો સામે આવતા હતા અને તે સમયે એવું લાગી રહ્યું હતું કે હવે કોરોના વાયરસ ગુજરાતમાંથી વિદાય લઈ લેશે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી અને એપ્રિલ માસના અંતે પ્રતિદિન 12 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોઝિટિવ કેસોની સંખ્યા વધતા સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરોની પણ અછત વર્તાય છે. ત્યારે પોરબંદરના ધારાસભ્યના પુત્રએ ભાવનગરની કોવિડ હોસ્પિટલમાં એક રૂપિયાના ટોકન દરે સેવા આપવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટ અનુસાર પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખરીયાનો પુત્ર આકાશ જનરલ સર્જન છે. ડોક્ટર આકાશે કોરોનાની મહામારી વચ્ચે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં એક રૂપિયાના ટોકન દરે સેવા આપવાની તૈયારી દર્શાવી છે. તેને આ બાબતે જિલ્લા કલેકટરને પત્ર પણ લખ્યો છે. મહત્ત્વની વાત છે કે, સરકાર ઊંચો પગાર દેવા તૈયાર હોવા છતાં પણ મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ મળવો મુશ્કેલ છે. આવા સમયે ધારાસભ્યનો પુત્ર ડૉ આકાશ જનરલ સર્જન હોવા છતાં પણ એક રૂપિયાના ટોકન દરે કોવિડ સેન્ટરમાં સેવા આપવા માટે તૈયાર થયો છે અને ડોક્ટર આકાશના આ નિર્ણયને લોકો પણ આવકારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરો અલગ-અલગ માંગણીઓને લઇને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે. તેવામાં ધારાસભ્યના પુત્ર એ કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર એક રૂપિયાના ટોકન દરે હોસ્પિટલમાં સેવા આપવાનો નિર્ણય કર્યો. તે ખુબ જ સરાહનીય પગલું કહી શકાય હાલ કોરોનાની મહામારીમાં અલગ-અલગ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. કેટલાક લોકો કોરોનાના દર્દીઓ માટે ભોજનની સુવિધા આપી રહ્યા છે. તો કેટલાક લોકો ફ્રીમાં ઓક્સિજન દર્દીઓને પૂરો પાડી રહ્યા છે. તો કેટલીક સંસ્થાઓ દ્વારા દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે આઇસોલેશન સેન્ટર ઊભા કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp