તાઉતેને મહિનો થવા આવ્યો છતા આ ગામમાં અંધારપટ, મહિલાઓ કૂવે પાણી ભરવા મજબુર

PC: divyabhaskar.co.in

ગુજરાત રાજ્યમાં તાઉતે વાવાઝોડાની આફતે મસમોટું નુકસાન કર્યું છે. આ સમુદ્રી તોફાન બાદ રાજ્યના અનેક એવા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ થયો છે. ક્યાંક કામ ચાલું છે તો ક્યાંક હજું પણ લોકો અંધકાર વચ્ચે જીવી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઊનાથી 20 કિમી દૂર આવેલા સનખડા ગામે તથા એ ગામથી 2 કિમી દૂર આવેલા માલણ વિસ્તારમાં 1500 જેટલા પરિવાર ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે.

તા.17 મેના રોજ વાવાઝોડીએ અહીં તારાજી સર્જી હતી. અનેક એવા બાગાયતી વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. મકાન ધરાશાયી તથા ઢાળીયા, પતરા, નળીયા તથા વીજ પોલ પડી ગયા હતા. એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં માલણ ગામે કોઈ અધિકારીની ટીમ સર્વે કે રાહત કામગીરી માટે પહોંચી નથી. આ ઉપરાંત સરકાર તરફથી જાહેર કરાયેલી કોઈ મદદ પણ ચૂકવવામાં આવી નથી. સનખડા અને માલણ વિસ્તારમાંથી 35 ટકા યુવાનો આર્મીમાં જોડાયેલા છે. દેશની સીમા પર સુરક્ષા કરી રહ્યા છે. પણ હાલ એમના પરિવાર માથે છત નથી. સંતાનોનો અભ્યાસ બગડી રહ્યો છે. નજીકમાં શાળા આવેલી છે પણ વાવાઝોડાને કારણે ત્યાં પણ મોટું નુકસાન થયું છે. વીજ પુરવઠો શરૂ ન થતા ખેડૂતો ખેતી કરી શકતા નથી. નળીયા કે પતરા નજીકમાં મળતા નથી. ઉપર આભ અને નીચે ધરતીનો આશરો છે. એવામાં છેલ્લા એક અઠવાડિયાથી આકરા તાપે અકળાવી નાંખ્યા છે. માલણ વિસ્તારમાં આશરે 300થી વધારે ખેડૂતોની જમીન છે. 200 જેટલા બાળકો શાળાએ જઈ શકતા નથી.

ગામના રહેવાસી બીપીનભાઈ ગોહીલે જણાવ્યું કે, અમારા પરિવારના જુદા જુદા આઠ સભ્યો આર્મીની અલગ અલગ પોસ્ટ પર ફરજ અદા કરે છે. ગામના જ 35 જેટલા જવાનો દેશની સરહદ પર સુરક્ષા કરે છે. પણ અહીંયા કોઈ સગવડ નથી. વાડી વિસ્તારમાં મકાન આવેલા છે પણ લાઈટના અભાવે મુશ્કેલી છે. ધુસાભાઈ કહે છે કે, અહીં વાવાઝોડાએ ઘણું નુકસાન કર્યું છે. છતાં અહીં કોઈ અધિકારીની ટીમ પૂછવા પણ આવી નથી. સહાય જાહેર થઈ છે પણ ચૂકવણી કરવા કોઈ નથી આવ્યું. ખેતી પર પરિવાર ચાલે છે. પાણી ન હોવાને કારણે પશુઓને પણ પીવાનું પાણી નથી મળતું. મહિલાઓને કુવામાંથી પાણી ખેંચવા મજબુર થવું પડ્યું છે. તા.17 મે બાદ પાવર બંધી કરી દેતા દીવાના અજવાડે કામ ચાલી રહ્યું છે. માલુબેન કહે છે કે, અહીંયા સરકારી રાશન પણ મળતું નથી. કેરોસીન નથી એટલે તેલથી દીવા કરેલા છે. જ્યારે નાનુભાઈ કહે છે કે, ત્રણ દિવસ ગોળ અને બાફેલો બાજરો ખાઈને દિવસ કાઢ્યા. સહાય મળતી નથી અને નેતાઓ ડોકાતા પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp