જામનગરમાં TRB જવાનની દાદાગીરી, વાહનચાલકને લાફો ઝીંકી દીધો, જુઓ વીડિયો

PC: magicalstuffs.com

ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ જવાનો ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ હેઠળ જામનગર સહિત ગુજરાતના મોટા શહેરોમાં જવાનોની ભરતી કરવામાં આવી છે. જો કે આ જવાનો સામે અવારનવાર અનેક શહેરોમાં ફરિયાદો ઉઠતી જ રહેતી હોય છે. ત્યારે હાલ એક ટ્રાફિક બ્રિગેડના જવાનની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જામનગર શહેરના નાગનાથ ગેટ પાસેનો છે, જ્યાં ફરજ બજાવી રહેલા જવાન અને એક દિવ્યાંગ વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે અંતર્ગત ગુસ્સે ભરાયેલા ટ્રાફિક જવાન દ્વારા આ દિવ્યાંગ વાહનચાલકને લાફો મારી દેવામાં આવ્યો હતો. આ ઘટના જોતાં જ ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા. તે સમયે એક વાહનચાલકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો હતો. જે સમગ્ર ઘટનાની જાણ જામનગર ટ્રાફિક પોલીસને થતાં પોલીસ તંત્ર દ્વારા તાત્કાલીક આ જવાનને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યો છે.

TRB જવાનને ફરજ મુક્ત કરાયો

રિપોર્ટ મુજબ આ સમગ્ર ઘટના અંગે જામનગર ટ્રાફિક વિભાગના PI Y.J.વાઘેલાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઘટનાને અંજામ આપનાર જવાનને ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવશે ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. TRB જવાનનું નામ દશરથસિંહ વાઢેર હોવાનું જાણવા મળ્યું છે.

વાહનચાલક સામે કાર્યવાહીના બદલે લાફો માર્યો

આ સમગ્ર બનાવમાં જે વાહનચાલક હતો તે દિવ્યાંગ હતો. ત્યારે જો વાહનચાલક દ્વારા ટ્રાફિકને લગતા કોઈ કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોય તો TRBના જવાને નિયમ મુજબ વાહનચાલક સામે કાર્યવાહી કરવાની ફરજ હતી. તે કરવાના બદલે તેણે ગુસ્સે થઈ આ દિવ્યાંગ વાહનચાલકને લાફો મારી દેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકો ભોગ બનનાર યુવકને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલ તો જો ભોગ બનનાર યુવક દ્વારા આ જવાન સામે કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે તો પોલીસ દ્વારા આ જવાન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર યુવક દ્વારા હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp