જાડેજાની PCમાં હોબાળો,જડ્ડુ અંગ્રેજીમાં ન બોલ્યો તો ઓસ્ટ્રેલિયન પત્રકારો થયા ગરમ

PC: BCCI

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જે ભારતે 295 રને જીતી હતી. ત્યારપછી એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી ગાબા ટેસ્ટ ડ્રો રહી. 5 મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાવાની છે.

ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 21મી ડિસેમ્બર (શનિવાર)ના રોજ, ભારતીય ટીમનું MCG ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન હતું. રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ (PC) દરમિયાન જાડેજાએ હિન્દીમાં જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. PCના અંતે, ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા, જો કે જાડેજાએ, બસ પકડવાની છે, તેમ કહીને PC છોડીને જવાનું નક્કી કર્યું.

આ બાજુ સમયના અભાવે કેટલાક ભારતીય પત્રકારો પણ પ્રશ્નો પૂછી શક્યા ન હતા. જો કે, ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી એકદમ નારાજ દેખાઈ રહ્યું હતું. ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પરીખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, આ PC માત્ર ભારતીય મીડિયા માટે જ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત માનવા તૈયાર ન હતું.

ઓસ્ટ્રેલિયાના કેટલાક રિપોર્ટર્સ ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પરીખ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ પણ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક કરી હતી જે અયોગ્ય હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ઘણા ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો મળતો નથી. પરંતુ ત્યારે ભારતીય પત્રકારોએ ક્યારેય દલીલ કરી નથી કે ગેરવર્તન કર્યું નથી.

ઓસ્ટ્રેલિયન મીડિયા પોતાની ટીમના 12મા ખેલાડી તરીકે ઓળખાય છે. ખાસ કરીને જ્યારે તેઓ ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરી રહ્યું હોય છે, જેણે ઘરઆંગણે છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમને હરાવી છે. 2008માં 'મંકીગેટ' હોય કે પછી સૌથી તાજેતરની ઘટના જેમાં વિરાટ કોહલી સામેલ હતો.

અહીં તમને જણાવી દઈએ કે, મેલબોર્ન પહોંચ્યા પછી વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન મહિલા TV પત્રકાર સાથે દલીલ કરી હતી. તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરા ફેરવવાથી ગુસ્સે હતો. વિરાટે મહિલા પત્રકારને વિનંતી કરી કે, તે તેની તસવીરો લઇ શકે છે, પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરે. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી.

આ બાબતે કોહલીએ આ મહિલા પત્રકાર સાથે ઉગ્ર દલીલ કરી હતી. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર, કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી. શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે અને જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ શ્રેણી મુશ્કેલ બનતી જાય છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ચોથી ટેસ્ટમાં શું વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.

છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ઝાય રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.

ભારતીય ક્રિકેટ ટીમની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિકકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રીષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ h2h: કુલ ટેસ્ટ સિરીઝ-28, ભારત જીત્યું-11, ઓસ્ટ્રેલિયા જીત્યું-12, ડ્રો-5.

ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ શ્રેણીનો રેકોર્ડ: કુલ ટેસ્ટ શ્રેણી-13, ભારત જીત્યું-2, ઓસ્ટ્રેલિયા જીત્યું-8, ડ્રો-3.

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ: 22-25 નવેમ્બર-પ્રથમ ટેસ્ટ-પર્થ (ભારત 295 રનથી જીત્યું), 6-8 ડિસેમ્બર-બીજી ટેસ્ટ-એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત્યું), 14-18 ડિસેમ્બર-3જી ટેસ્ટ-બ્રિસ્બેન (ડ્રો), 26-30 ડિસેમ્બર-4થી ટેસ્ટ-મેલબોર્ન, 03-07 જાન્યુઆરી-પાંચમી ટેસ્ટ-સિડની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp