સાઉથ આફ્રિકા માટે રાહુલ દ્રવિડ નહીં આ પૂર્વ પ્લેયર ટીમ ઈન્ડિયાના કોચ બની શકે છે

PC: mykhel.com

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આગામી જૂન મહિનામાં પાંચ T-20 મેચની સીરિઝ રમાવાની છે. આ સીરિઝમાં સિનીયર ખેલાડીઓને તો આરામ આપવામાં આવવાનો છે સાથે જ ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ ટીમની સાથે રહી નહી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. IPL પછી તરત જ ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે ટુર્નામેન્ટ રમવાની છે. ઘર આંગણે રમાનારી આ ટુર્નામેન્ટમાં કેટલાક મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

એક રિપોર્ટ પ્રમાણે રાહુલ દ્રવિડની જગ્યાએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચેરમેન વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે જોડાઈ શકે છે. આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે, હેડ કોચ રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમમાં સામેલ ખેલાડીઓ અને અન્ય સિનીયર ખેલાડીઓ સાથે સમય પહેલા જ ઇંગ્લેન્ડ જવા માટે રવાના થઇ જશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 જૂન થી T-20 સીરિઝ શરુ થવાની છે. જયારે 19 જૂને આ સીરિઝની છેલ્લી મેચ રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને કે.એલ. રાહુલને આરામ આપવામાં આવી શકે છે. જયારે શિખર ધવન કેપ્ટનશીપ કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ દ્રવિડની આગેવાનીમાં 15-16 જૂનના રોજ ટેસ્ટ ટીમના ખેલાડીઓ ઇંગ્લેન્ડ જવા માટે રવાના થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે રમાયેલી સીરિઝની એક મેચ હજુ બાકી છે. આ ટેસ્ટ મેચ 1 થી 5 જુલાઈ વચ્ચે રમાવાની છે. વીવીએસ લક્ષ્મણને થોડા સમય પહેલા જ NCAના ડાયરેક્ટર બનાવાયા હતા. આ માટે તેમણે કોમેન્ટ્રી કરવાનું પણ છોડી દીધું હતું.

વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયા અન્ડર 19 વર્લ્ડ કપમાં પણ કામ કર્યું હતું. જે યશ ધૂલની આગેવાનીમાં ભારતે જીત્યો હતો. તેવામાં હવે સાઉથ આફ્રિકા સામે રમાનારી પાંચ મેચની આ T-20 સીરિઝ માટે વીવીએસ લક્ષ્મણનું સિનીયર ટીમ ઇન્ડિયા સાથે જોડાવવું મજેદાર હશે. આ સીરિઝ માટે 22 અથવા 23 મેના રોજ ટીમ ઇન્ડિયાની પસંદગી થશે.

સાઉથ આફ્રિકા સામે રમાનારી પાંચ મેચની આ T-20 સીરિઝ 9 જૂનથી નવી દિલ્લીમાં શરુ થવાની છે. ત્યારબાદ 12 જૂને કટક, 14મીએ વિશાખાપટ્ટનમ, 17મીએ રાજકોટ અને 19જૂનના રોજ બેંગલોરમાં રમાશે. નોંધનીય છે કે, T-20 સીરીઝ માટે સાઉથ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી છે. આફ્રિકાની ટીમમાં પાર્નેલે પણ 2017 બાદ પહેલીવાર T-20 ટીમમાં જગ્યા બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp