PM મોદીના 3 વાહનોમાં એવું શું છે, જેને રોડ પર ચલાવવાની મંજૂરી નથી મળી?

PC: hindi.news18.com

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ત્રણ સ્પેશિયલ ડીઝલ વાહનોની નોંધણી આગળ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ ખાસ વાહનો PM નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા વાહનો હતા. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે આ માટે અરજી દાખલ કરી હતી. આ ત્રણેય વાહનો PM નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે જરૂરી છે તેવી માંગ કરવામાં આવી હતી.

22 માર્ચના રોજના તેના આદેશમાં, NGTના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને નિષ્ણાત સભ્ય ડૉ. A સેંથિલ વેકની બનેલી બેન્ચે SPGની માગણીને ફગાવી દીધી હતી. તેમણે ઑક્ટોબર 2018ના આદેશને ટાંક્યો, જેમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને દિલ્હીના રસ્તાઓ પર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેન્ચે કહ્યું, 'અમે જાણીએ છીએ કે આ ત્રણેય વાહનો ખાસ હેતુના વાહનો છે, જે સામાન્ય રીતે ઉપલબ્ધ નથી. અમે એ પણ જાણીએ છીએ કે, છેલ્લા દસ વર્ષમાં આ વાહનો ખૂબ જ ઓછા ચલાવવામાં આવ્યા છે અને PMની સુરક્ષા માટેના ખાસ હેતુ માટે જરૂરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો 29 ઓક્ટોબર 2018નો આદેશ છે. આ આધારે તમારી અરજી મંજૂર કરી શકાતી નથી. તેથી, અમારે તેને નકારી કાઢવી પડશે.'

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, SPGએ NGT પાસે ટ્રાન્સપોર્ટ વિભાગ, NCT દિલ્હી/રજીસ્ટ્રેશન ઓથોરિટીને 3 વિશેષ સશસ્ત્ર વાહનોના રજીસ્ટ્રેશનનો સમય પાંચ વર્ષ એટલે કે 23 ડિસેમ્બર 2029 સુધી લંબાવવાની મંજૂરી આપવા નિર્દેશ આપવા માંગ કરી હતી. SPGએ દલીલ કરી હતી કે, આ વાહનો ટેક્નિકલ લોજિસ્ટિક્સનો આવશ્યક અને અભિન્ન ભાગ છે. આ ત્રણ Renault MD-5 વાહનોનું ઉત્પાદન 2013માં કરવામાં આવ્યું હતું અને ડિસેમ્બર 2014માં રજીસ્ટર થયું હતું. છેલ્લા 9 વર્ષમાં આમાં અનુક્રમે 6000 Km, 9500 Km અને 15,000 Km અંતર કાપ્યું છે. તેઓ માત્ર ચોક્કસ વ્યૂહાત્મક હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. તેની દલીલોમાં, SPGએ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની કેટલીક સૂચનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વાહનોના નોંધણીમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. આ સૂચનાઓમાં, વિશેષ કેસોમાં નોંધણી માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

જો કે, NGTએ કહ્યું કે, સરકારી સૂચના સામાન્ય પ્રકૃતિની છે, જ્યારે ડીઝલ વાહનો પર સુપ્રીમ કોર્ટનો આદેશ ખાસ કરીને દિલ્હી NCR માટે હતો. અહીં તમને જણાવી દઈએ કે, SPGએ ત્રણેય વાહનોના રજિસ્ટ્રેશનને 19 મે, 2023 સુધી લંબાવવાની ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે માંગ કરી હતી. 6 જૂન, 2023ના રોજ, રજિસ્ટ્રેશન ઓથોરિટીએ તેને NGT અને સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન ગણાવીને તેને મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો. SPGએ જણાવ્યું હતું કે, આ વાહનો તેમની ડિઝાઇન અને તકનીકી/વ્યૂહાત્મક સુવિધાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે અને તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી. NGTનું માનવું હતું કે, આ SPG વાહનો તેમની ઉંમરના કારણે જૂના ઉત્સર્જન ધોરણોને આધારે ભારત સ્ટેજ III અનુરૂપ છે.

દિલ્હી NCRમાં વાહનો માટેનો નિયમ છે કે, 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે અને રસ્તાઓ પર ચાલશે નહીં. જ્યારે ડીઝલ વાહનો માટે આ નિયમ 10 વર્ષ પછી જ લાગુ થશે. દિલ્હી NCRના 15 વર્ષ જૂના વાહનોની આવરદા પૂરી થયા પછી ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. નિયમો અનુસાર, કાં તો વાહન માલિકે વાહનવ્યવહાર વિભાગ પાસેથી NOC મેળવવું જોઈએ અને અન્ય રાજ્યોમાં પોતાનું વાહન રજીસ્ટર કરાવવું જોઈએ. અથવા આ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરો. અથવા તેને સ્ક્રેપ કરાવી લો.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, ડિસેમ્બર 2029 સુધી 15 વર્ષના સમયગાળા માટે નોંધાયેલા આ વાહનોને ડિસેમ્બર 2024માં 10 વર્ષ પૂરા થયા પછી રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ પહેલા NGTએ પોતે એપ્રિલ 2015માં એક આદેશ બહાર પાડ્યો હતો. આ ક્રમમાં દિલ્હી NCRના રસ્તાઓ પર 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેણે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોને 10 વર્ષથી જૂના કોઈપણ ડીઝલ વાહનની નોંધણી ન કરવાનો આદેશ આપ્યો હતો. NGT અને સુપ્રીમ કોર્ટે દિલ્હી NCRમાં હવાની ગુણવત્તા સુધારવાના પગલાં તરીકે આ આદેશો બહાર પાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp