શા માટે નેપાળે બદલવું પડ્યું હિન્દુ રાષ્ટ્રનું બંધારણ?

અખંડ ભારત સાથે સંકળાયેલું અને સદીઓ સુધી હિંદુ રાષ્ટ્ર તરીકે વિશ્વનો એકમાત્ર દેશ રહેલો નેપાળ ધર્મ નિરપેક્ષ બંધારણ અપનાવતા સમગ્ર રાષ્ટ્રમાં તોફાનો ફાટી નિકળ્યા છે. નેપાળની 70 ટકાથી વધુ હિંદુ વસ્તીની સાથે સ્થાનિક લઘુમતીઓ પણ ઈચ્છે છે કે નેપાળને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે, તેમ છતાં રાજકારણીઓએ ધર્મ નિરપેક્ષ બંધારણ અપનાવતા ચીન તરફી સામ્યવાદીઓનું દબાણ પણ ભાગ ભજવી ગયું હોવાની શંકા સેવાઈ રહી છે.

1996માં માઓવાદીઓનો દબદબો

ભારતનું પાડોશી અને વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર નેપાળ સદીઓ પહેલા ભારતનો જ એક ભાગ હતો. મોઘલ શાસકો અને ત્યારબાદ બ્રિટીશ શાસકો આવ્યા છતાં નેપાળે હિંદુ રાષ્ટ્ર તરીકેની પોતાની ઓળખ જાળવી રાખી હતી. ત્યારબાદ થોડા વર્ષો પહેલા 1996માં નેપાળમાં માઓવાદી સરકાર આવતા ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ઠેર-ઠેર હિંસા ફાટી નીકળી હતી. હજારો લોકોના જાન ગયા હતા. હિંસામાં નેપાળને મોટાપાયા પર નુકશાન થવા પામ્યું હતું.

માઓવાદીઓ અને રાજાશાહી વચ્ચેનો જંગ, બર્બર હત્યાકાંડ

નેપાળમાં માઓવાદીઓ સાથે ચીનના રાજાશાહી પરીવારો વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યું હતું. હજારો લોકોનાં જાન ગયા હતા. ખુદ રાજાશાહી પરીવારમાં કત્લેઆમ થઈ હતી. 2001માં નેપાળમાં ખૂની ખેલ ખેલાયો હતો. રાજા રવિન્દ્ર સહિત તેમના આખાય પરીવારને મોતને ઘાત ઉતારી દેવામા આવ્યા હતા. આ હત્યાકાંડનું રહસ્ય આજે પણ વણ ઉકેલ્યું રહ્યું છે. રાજકુંવર દિપેન્દ્ર પર આરોપ હતો કે પ્રેમ માટે માતા-પિતાને મારી નાંખ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. રાજા રવિન્દ્રની હત્યા પછી તેમના નાના ભાઈ રાજા જ્ઞાનેન્દ્ર સત્તાનાં સૂત્રો સંભાળી શકયા ન હતા.

રાજાશાહી સમાપ્ત

2008માં માઓવાદીઓએ બંધારણ સભાની ચૂંટણી જીતીને દેશમાંથી રાજાશાહીને સમાપ્ત કરી હતી. પરંતુ બંધારણ સભા નવા બંધારણ બનાવવા માટે અસફળ રહી. વર્ષ 2012માં પહેલી બંધારણ સભા ભંગ કરવામાં આવી હતી. બીજી બંધારણ સભા વર્ષ 2013માં યોજાઇ હતી. 

ચીનનું પીઠબળ અને ભારતની નિષ્ફળતા

2008માં રાજાશાહી સમાપ્ત કરવામાં આવી. માઓવાદીઓએ રાજાશાહીને ફગાવી. નેપાળ પર ભારતની પકડ ઢીલી થઈ ગઈ અને ચીન હાવી થવા લાગ્યું. માઓવાદીઓને ચીન દ્વારા પૂરેપુરૂં પીઠબળ મળતું રહ્યું અને આજે પણ મળે છે. ભારત અને ચીન વચ્ચે નેપાળ સેન્ડવિચ બન્યું પરંતુ ભારત નેપાળને પોતાની તરફ વાળવામાં સંપૂર્ણ રીતે સફળ રહી શક્યું નહીં. હત્યાઓ, હુમલા અને 20 વર્ષ સુધી ચાલેલી હિંસા બાદ ચીનનાં આશિર્વાદથી માઓવાદીઓ ધાર્યું કરવા લાગ્યા. માઓવાદીઓનાં પ્રભાવ હેઠળ નેપાળની રાજનીતિ આવી ગઈ. માઓવાદીઓએ એક પછી એક પોતાની તરફેણનાં સુધારા કરવા માંડયા.

બંધારણ બદલવા માઓવાદીઓ ગયા આકરા પાણીએ

માઓવાદીઓને ચીન તરફી માનવામાં આવે છે. રાજાશાહી ખતમ તો થઈ પણ બંધારણ સભામાં નવા બંધારણને આખરી ઓપ આપવા કે તેના અમલીકરણમાં અસફળ રહ્યા હતા. 2012માં માઓવાદીઓએ આકરા પાણીએ જઈ બંધારણ સભાને બરખાસ્ત કરી નાંખી હતી. ત્યાર બાદ 2013માં નવેસરથી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. આ સભાએ નવા બંધારણને ઘડવા માટે મંજુરી આપી દીધી હતી. આજે ચીન સમર્થિત માઓવાદીઓ મજબૂત સ્થિતિમાં આવી ગયા છે. રાજાશાહી તંત્ર દરમિયાન માઓવાદીઓ ફાવી ગયા બાદ ત્યાં આવેલી દરેક સરકાર માટે ત્યાર બાદ માઓવાદીઓ સામે ઘૂંટણીયે પડયા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નહીં. 

નેપાળના લઘુમતિઓ પણ કહે છે કે હિન્દુ રાષ્ટ્ર રહેવા દો

બંધારણ બદલાયાના 8 વર્ષે નેપાળની 70 ટકા કરતા વધુ હિંદુ વસ્તીએ નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર બનાવાની માંગ કરી હતી. તેમ છતાં ચીનના પ્રભાવ અને નેપાળના ડાબેરી પક્ષના દબાણના કારણે રાજકારણીઓએ નેપાળનુ નવું બંધારણ ધર્મ નિરપેક્ષ દેશ જાહેર કરી અમલમાં મુક્યું છે. આના કારણે સ્થાનિક બહુમતી હિંદુ સમુદાયમાં આક્રોશ ફેલાયો અને આખા નેપાળમાં તોફાનો ફાટી નિકળ્યા હતા. નેપાળમાં 70 ટકા કરતા વધુ હિંદુ વસ્તીની સાથે 4.5 ટકા જેટલા મુસ્લિમો અને ૦.5 ખ્રિસ્તીઓએ પણ નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માંગ કરી છે. તેમ છતાં બંધારણ બનાવવા રાજનીતિ કરતા ભારતમાં પણ તેના પ્રત્યઘાત જોવા મળ્યા છે. ભારતે નવા બંધારણમાં ફેરફાર કરવાની માંગ કરતો પત્ર નેપાળ સરકારને પાઠવી દીધો છે.   

નેપાળનુ નવું બંધારણ , મધેશી સમુદાયની માંગ

નેપાળના નવા બંધારણમાં 50 ટકા જેટલી વસ્તી ધરાવતા મધેશી સમુદાયના અન્યાય કરાયો હોવાની લાગણી ફેલાઇ છે. બંધારણ અનુસાર તેમને બીજા દરજ્જાના નાગરિક તરીકે ધકેલી દેવાયાનો અનુભવ કરી રહ્યા છે. તેમાં પણ કાંચીપુર, કૈલાલી, સુનસરાઈ, ઝાપા અને મોરાંગ આ પાંચ જિલ્લામાં તેમની વસ્તી વધુ છે. તેમના દ્વારા નવા બધારણમાં સંસદમાં 50 ટકા પ્રતિનિધિત્વ આપવાનો પ્રસ્તાવ મુકાયો હતો. તેમના આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે.

બંધારણની કલમ 283 પ્રમાણે દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, સંસદ અધ્યક્ષ, મુખ્યપ્રધાન, વિધાનસભા અધ્યક્ષ નેપાળમાં જન્મેલા જ બની શકે. તેની સાથે દર 10 વર્ષે નેપાળના સંસદીય ક્ષેત્રોના સીમાંકનમાં સંશોધન કરવામાં આ માંગને ફાગાવી 10ને બદલે 20 વર્ષે સંશોધન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદેશી મહિલા સાથે લગ્ન બાદ મહિલાને નેપાળની નાગરિકતા આપવાનો મુદ્દો મધેશીઓના હિતોની વિરુદ્ધ હોવાથી તેમણે રોષ ઠાલવ્યો હતો.

નેપાળના આ નવા બંધારણથી કોને થશે ફાયદો?

નેપાળનુ નવું બંધારણ જાહેર કરાતા કેટલાક લોકો ખૂશ પણ થયા હતા. કારણ કે આ માટે તેમણે 7 વર્ષનો સંઘર્ષ કર્યો હતો. 7 વર્ષના લાંબા સંઘર્ષ બાદ નવું બંધારણ અમલી થતાં દેશમાં કાયદાઓ બનાવવા અને તેના અમલની પ્રક્રિયા ઝડપી બનશે. કેટલાકના મતે નવા બંધારણમાં મહિલાઓના હકો અને દલિતોના હકોનુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તે સારી વાત છે. તેની સાથે છેલ્લા કેટલાક સમયથી ગે, લેસ્બિયન અને ટ્રાન્સ જેન્ડર લોકોના હિતોને પણ ધ્યાનમાં રખાયા છે. આ માટે નવા બંધારણમાં તેમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp