કોંગ્રેસના સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી ચકરડે ચઢી ગયા, ફોર્મ રદ, હવે શું થશે?

PC: khabarchhe.com

ગુજરાતના રાજકારણમાં શુક્રવારે ભારે હોબાળો મચી ગયો હતો. વાત એમ બની હતી કે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ગુંચવાડો ઉભો થયો છે. ભાજપના ટેકેદારોએ કલેકટરને ફરિયાદ કરી હતી. જેને કારણે નિલેશ કુંભાણી અને કોંગ્રસેના નેતાઓ દોડતા થઇ ગયા હતા. નિલેશ કુંભાણીના ટેકેદારોએ કહ્યું હતું કે ફોર્મમાં જે સહી કરવામાં આવી છે તે અમારી નથી અને બીજી તરફ આ ત્રણેય ટેકેદોરા ગાયબ છે. નિલેશ કુંભાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 ટેકેદારોના અપહરણની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. કુંભાણીના વકીલે કહ્યું કે અમે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફરિયાદ કરી છે.

ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો માટે ફોર્મ ભરવાની તારીખ 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધીનો સમય હતો. શુક્રવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારબાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે. આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો હોવાનુ જાણવા મળ્યું છે. નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર નહતો. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારોના ટેકેદારોના એફિડેવિટ પર પણ સવાલ ઉઠાવાયા છે. સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગુમાવી શકે છે. તો ડમી ઉમેદવારની ઉમેદવારી પણ રદ થવાની સંભાવના છે. જોકે, ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ફરિયાદ કરી હતી કે નિલેશ કુંભાણીના 3 ટેકેદારો જગદીશ સાવલિયા રમેશ પોલરા અને ધ્રુવીન ધામેલિયાએ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, નિલેશ કુંભાણીના આ 3 ટેકેદારોએ કહ્યું છે કે, ફોર્મમાં અમે સહી નથી કરી. એ પછી કલેકટર ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

હવે સમસ્યા એ ઉભી થઇ કે કલેકટરે શનિવારે સાંજે સુનાવણી દરમિયાન કહ્યું કે, ત્રણેય ટેકાદારોને હાજર કરો, પરંતુ ટેકેદારોના ફોન બંધ આવી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા અને કુંભાણીના વકીલ બાબુભાઇ માંગુકીયાએ પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, નિલેશ કુંભાણીના ફોર્મમાં ત્રણેય ટેકેદારોએ જાતે જ સહી કરેલી છે.તેમાં જગદીશ સાવલિયા તો નિલેશના બનેવી થાય છે. આ ત્રણેય ટેકેદારો સંપર્ક વિહોણા થઇ ગયા છે. નિલેશ કુંભાણીના બહેન પણ ગાયબ છે.

માંગુકીયાએ કહ્યું કે, અમે ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 ટેકેદારોના અપહરણની ફરિયાદ નોંધાવી છે. સાથે કલેકટરને રવિવારે સવારે 9 વાગ્યે સુનાવણી કરવા અને ત્રણેય ટેકેદારોને હાજર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. માંગુકીયએ કહ્યું કે અમે હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી દીધી છે અને હેબિયર્સ કોપર્સ કરીશું.માંગુકીયાએ કહ્યું કે, ડમી ઉમેદવારનો ટેકેદાર વિશાલ કોલડીયા પણ ગુમ થઇ ગયો છે.

બાબુ માંગુકીયાએ કહ્યું કે, નિલેશ કુંભાણીના ત્રણેય ટેકેદારોને ધમકાવાવમાં આવ્યા હોય શકે છે અથવા તેમને મોટી લાલચ આપવામાં આવી હોય શકે છે અથવા નિલેશ કુંભાણી સામે કોઇ બદલાની ભાવના હોય શકે છે.

બીજી તરફ મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, નિલેશ કુંભાણી ફરી ઉમરા ફરિયાદ આપવા ગયા હતા કે, ટેકેદારોનું અપહરણ નથી થયું. એક ટેકેદારનો સંપર્ક થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp