શું USમાં શિક્ષણ મંત્રાલય બંધ થઇ જશે? ટ્રમ્પના નિર્ણયથી સ્ટુડન્ટને શું અસર થશે?
ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકાર બન્યા પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકાનું શિક્ષણ મંત્રાલય બંધ થઈ જશે. ચૂંટણીથી લઈને અત્યાર સુધી ટ્રમ્પ આ મુદ્દે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે. પોતાના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ ફેડરલ શિક્ષણ વિભાગની ટીકા કરતા જોવા મળ્યા હતા. હવે નવી સરકારની રચના પછી તેમણે WWEના પૂર્વ CEO અને પ્રોફેશનલ રેસલર લિન્ડા મેકમોહનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકન શિક્ષણ પ્રણાલીમાં ઘણા બધા ફેરફારો થવાના છે, તો ચાલો સમજીએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે અમેરિકન શિક્ષણ મંત્રાલયને બંધ કરવા માંગે છે અને તેનાથી શું ફરક પડશે?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બન્યા પછી સૌથી મોટા ફેરફારની વાત કરવામાં આવી રહી છે. તો તે છે વિઝા નિયમો અને અમેરિકન શિક્ષણ નીતિની, ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ મંત્રાલયને 'કટ્ટરપંથી અમલદારશાહી' પણ ગણાવી હતી. તેમણે તેને અમેરિકન પરિવારોના જીવનમાં હસ્તક્ષેપ તરીકે પણ ગણાવ્યું. ત્યાર પછીથી શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર થશેની અટકળો શરૂ થઈ ગઈ હતી.
હવે આ બધી વાતો અને અટકળો વચ્ચે સવાલ એ થાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ શિક્ષણ મંત્રાલય કેમ બંધ કરવા માંગે છે, તો તેનો જવાબ ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દોમાં જ છે. આ સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે, શિક્ષણનો મામલો કેન્દ્રીય સ્તરે નહીં પરંતુ રાજ્ય સ્તરે મેનેજ થવો જોઈએ. તેમનું માનવું છે કે, આનાથી વધુ સારા પરિણામો મેળવી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ શિક્ષણ સંબંધિત તમામ કામ રાજ્યોને સોંપવા માગે છે, જેથી શાળાની નીતિઓ અને તેના અભ્યાસક્રમ પર કેન્દ્ર સરકારનો પ્રભાવ ઓછો થાય. ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક વખત ચિંતા વ્યક્ત કરી હતી કે, અમેરિકનો બાળક પર અન્ય કોઈપણ દેશ કરતાં ત્રણ ગણા વધુ પૈસા ખર્ચે છે, પરંતુ તેમ છતાં તેમના બાળકોનો શિક્ષણમાં પ્રદર્શન એટલું સારું નથી હોતું. આમાં સુધારો કરવા માટે તે આવું કરવા માંગે છે.
હવે સવાલ એ થાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે કે નુકસાન? તો ચાલો તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની એજ્યુકેશન પોલિસીમાં જે બદલાવ ઈચ્છે છે. આ અંતર્ગત તેઓ એવી શિક્ષણ વ્યવસ્થા લાવવા પર ભાર આપી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને શક્ય તેટલી ઝડપથી અને ઓછા ખર્ચે ડિગ્રી આપી શકાય. જેથી કોલેજ શિક્ષણ દરેકને સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય. એટલું જ નહીં, ટ્રમ્પ ઈચ્છે છે કે, શિક્ષણ પ્રણાલી એવી બનાવવી જોઈએ કે, જેમાં અમેરિકન પરંપરા અને પશ્ચિમી સભ્યતાને પ્રોત્સાહન મળી શકે. તેમનું માનવું છે કે, વિદ્યાર્થીઓને દેશભક્તિના મૂલ્યોનું શિક્ષણ પણ આપવું જોઈએ. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, હાલમાં વિદ્યાર્થીઓને માર્ક્સવાદી વિચારધારા હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. ટ્રમ્પ સમાનતાના નામે વંશીય ભેદભાવ કરતી કોલેજો સામે પણ કાર્યવાહી કરવા માંગે છે. તેઓ આવી કોલેજો પર દંડ અને કર લાદવા માંગે છે. શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર પાછળનું કારણ એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે, કોલેજો વિદ્યાર્થીઓને નોકરી આપવામાં પણ મદદરૂપ બને. મતલબ સ્પષ્ટ છે કે, ટ્રમ્પની નવી નીતિના કારણે વિદ્યાર્થીઓને ઘણા પ્રકારના ફાયદા પણ મળશે.
US શિક્ષણ મંત્રાલય એજ્યુકેશનને લગતા મહત્વના નિર્ણયો લે છે. આવી સ્થિતિમાં, તેના બંધ થવાની પ્રથમ અસર એ થશે કે, શિક્ષણને લગતા તમામ નિર્ણયો રાજ્ય અને સ્થાનિક સ્તરે લેવાનું શરૂ થઈ જશે, જોકે અમુક અંશે હજી પણ આવું જ થાય છે, પરંતુ આમાં સૌથી મહત્વપૂર્ણ કામ લોન સંબંધિત છે. આ કાર્ય માત્ર ફેડરલ શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. US એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ 1.6 ટ્રિલિયન ડૉલર ફેડરલ સ્ટુડન્ટ લોન પ્રોગ્રામની દેખરેખ પણ કરે છે. આટલું જ નહીં, તે સમયાંતરે કોલેજો અને યુનિવર્સિટીઓ માટે નિયમો પણ બનાવે છે. આવી સ્થિતિમાં તેના બંધ થવાથી આ તમામ કામો પર પણ તેની અસર પડશે.
અમેરિકામાં, શિક્ષણ મંત્રાલયને નાબૂદ કરવું એટલું સરળ નથી. આ માટે ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસમાં એક એક્ટ લાવવો પડશે અને આ એક્ટને સેનેટમાં 60 વોટથી પસાર કરવો પડશે. આ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર રિપબ્લિકન પાર્ટીની જ નહીં પરંતુ ડેમોક્રેટિક પાર્ટીની પણ જરૂર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp