ખેતરનું ઉત્પાદન વધારી આપવાનો નવો વ્યવસાય: મધમાખીનું માઈગ્રેશન

PC: khabarchhe.com

સુરતના મહુવાના વહેવલ ગામના નરેશભાઈ ગોપાળભાઈ પટેલ 9879355290 દ્વારા મધમાખી દ્વારા કૃષિ ઉત્પાદન વધારી આપવાનો અનોખો વ્યવસાય શરૂ કર્યો છે. તેઓ ખેડૂતના ખેતરમાં જઈને મધ માખીઓના મધપુડા મૂકી આવે છે અને તે ખેડૂતનું ઉત્પાદન ઓછામાં ઓછું 30 ટકા વધારી આપે છે. ખેડૂતો મધમાખીની પેટીઓ પોતાના ખેતરમાં મૂકવા માટે તેમને આમંત્રણ આપે છે. તેઓ ત્યાં જાય છે અને મધપુડા મૂકી આવે છે. ખાસ કરીને જ્યાં સૌથી વધારે ફૂલ થતાં હોય ત્યાં મધપુડા ઉછેરવા સરળ બને છે. તેમાંથી સૌથી વધારે મધ મેળવી શકાય છે. તેઓ સમગ્ર ગુજરાતમાં મધપેટીઓ મૂકીને ખેત ઉત્પાદન વધારી આપવાનું કામ કરે છે. જુનાગઢ, પાટણ, કચ્છ, અમદાવાદ, આણંદ જેવા અનેક સ્થળે તેઓ મધપેટી મૂકી આવેલાં છે. મધ ઉછેર અંગેની માહિતી મેળવવા માટે તેઓ કાશ્મી, પુના, કેરાલા, જમ્મુ વગેરે સ્થળે જાતે જઈ આવ્યા છે. એક પેટી મધમાખીથી શરૂ કરીને 15 વર્ષ પછી હાલ તેમની પાસે 200 પેટીઓ છે. જેમાં તેઓ મધ ઉછેરીને કૃષિ ઉત્પાદન વધારવાનું કામ કરવાની સાથે પોતે મધનું ઉત્પાદન કરે છે.

મધમાખી જ્યારે ફુલોનો રસ લેવા જતી હોય છે ત્યારે તેનું મોટું કામ પરાગરજ (પોલીનેશન)ને એક છોડ પરથી બીજા છોડ પર લઈ જવાનું હોય છે. તેનાથી જે તે પાકમાં વધારે ફલીનીકરણ થાય છે. તેથી 30થી 35 ટકા સુધી ઉત્પાદન વધે છે. ગ્રીન હાઉસ અને બગીચાઓ માટે મધમાખી ઉછેરવી સારી પડે છે. ખાસ કરીને જ્યાં વધારે વૃક્ષો હોય ત્યાં વધારે માખી ઉછેરી શકાય છે. તેમણે જૂનાગઢના મેંદરડાના કેસર કેરીના બગીચાઓમાં મધપેટીઓ આપી છે. જ્યાં ટ્રક ભાડું પરવડે તેમ હોય એટલી પેટે તેઓ મૂકી આપે છે. જેમાં 50થી 100 પેટી હોય તો જ આર્થિક રીતે પરવડે છે. આમ તેઓ મધમાખીનું માઈગ્રેશન કરીને ખેડૂતોને ઉત્પાદન વધારી આપે છે.

દેશી મધમાખી ઉપરાંત ઈટાલીયન, કુચીયું, ઈન્ડિયન બી, સાતપુડા જેવી ઘણી જાતની મધમાખી થાય છે. એક મધમાખીનું આયુષ્ય 40 દિવસનું હોય છે. તેની રાણીનું આયુષ્ય ત્રણ વર્ષનું હોય છે. રાણી રોજના 50થી ળઈને 2000 ઈંડા મૂકી શકે છે. વધારે ફૂલ કે પરાગરજ વધારે હોય તો વધારે ઈંડા મૂકે છે. જો વાતાવરણ અનુકુળ ન હોય તો રાણી ઈંડા મૂકવા ઉપર નિયંત્રણ લાવી દે છે. એક પેટીમાં ઓછામાં ઓછી 10 હજાર મધમાખી હોય છે. વધુમા વધું 20 હજાર પણ હોય શકે છે. મધ કાઢતી વખતે માખીને મારવામાં આવતી નથી. પણ મધપુડા પરથી માખીને દૂર કરીને પછી તેને સંચામાં ગોળ ફેરવીને મધ કાઢી લેવામાં આવે છે. ખાડી થયેલો મધપૂડો ફરી પાછો તે પેટીમાં મૂકી દેવામાં આવે છે.

જંગલના મધની સારી માંગ હોય છે. કારણ કે જંગલમાં અનેક જાતના ફૂલ હોય છે. રાયડો, જંગલી બાવળ(ગાંડો બાવળ), સરગવો, આંબા, તલ, બાજરી, જુનાર, મકાઈ જેવા તમામ પ્રકારના પાકમાં મધમાખી ઉછેર થઈ શકે છે. પાટણમાં મોટા પ્રમાણમાં ગાંડા બાવળ છે ત્યાં સારું મધ મળે છે. જંગલી ફ્લોરા મધનો એક કિલોનો ભાવ રૂ.400 છે. જ્યારે ખેતર પરના મધનો ભાવ એક કિલોના રૂ.300 છે. લોકો પોતાને જે દવા દેવાની હોય તે છોડ આસપાસ થતાં મધની માંગ પણ કરતાં હોય છે. કોઈનું હાડકું તૂટી ગયું હોય તો તેઓ બાવળના મધની માંગ કરતાં હોય છે. જેમને હ્રદય રોગની તકલીફ હોય તો તેઓ અર્જુન સાદડના વૃક્ષનું મધ માંગે છે. લીમડાનું મધ પણ માંગે છે. આમ દર્દ પ્રમાણે મધની માંગ પણ વધી છે. જેમાં જંગલનું મધ વધારે વેચાય છે. ડીસેમ્બરથી ફૂલ વધારે આવવા લાગે છે ત્યારે મધની મોસમ ખીલે છે.

એક પેટીમાં 20થી 30 કિલો સુધી મધ મળે છે. મધ તૈયાર થતાં 25 દિવસનો સમય લાગતો હોય છે. જેટલું મધ મળે છે તેનાથી કૃષિ પાકમાં તે વધારે ફાયદો કરે છે.
જંતુનાશક દવાઓએ મધમાખીનું નિકંદન કાઢી નાખ્યું છે. જ્યાં જંતુનાશક દવા છંટાતી હોય ત્યાં મધમાખી થતી નથી. હવે ઘણાં ખેડૂતો સજીવ ખેતી તરફ જઈ રહ્યાં હોવાથી મધ ઉછેરનો વ્યવસાય વધશે. ખાસ કરીને જ્યાં બાગ બગીચા છે ત્યાં મધમાખી વધી રહી છે. તેનો વ્યવસાય પણ વધી રહ્યો છે. મધમાખી તેના બચ્ચા માટે મધ તૈયાર કરે છે. પણ તે બધું જ મધ ખાઈ શકતી નથી. જે માણસ ખાય છે. તેથી મધને ગાયના દૂધ કરતાં ઓછું હિંસક માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp