એશિયાના સૌથી મોટા ખેડૂત બજાર પર કબ્જો જમાવવા ભાજપના બે જૂથો વચ્ચે જંગ

PC: DeshGujarat.com

એશિયાની સૌથી મોટી ખેડૂત બજાર ઊંઝાને કબજે કરવા માટે વિધાનસભા કરતાં પણ વધુ ખર્ચ કરાઇ રહ્યો હોવાની વાત આવી રહી છે. એક પેનલના એક બિલ્ડર ચૂંટણી જીતવા માટે રૂ.5 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે. તેમની પેનલના 8 ઉમેદવારો જે ખર્ચ કરે તે અલગ થશે. ખેડૂત વિભાગમાં 8 - 8 ઉમેદવારીની બે પેનલ છે. જેમાં કેટલાક મતો ખરીદવા માટે એક મતદાર દીઠ રૂ11 લાખની લાંચ આપવામાં આવી રહી હોવાનું કહેવાય છે. 9મી જૂને ચૂંટણીમાં જીતેલા 17 ડિરેકટરો નવા ચેરમેન અને વાઈસ ચેરમેન નક્કી કરશે. ઊંઝા માર્કેટયાર્ડના અધ્યક્ષ ગૌરાંગ પટેલની 4 વર્ષની મુદત 31 માર્ચ 2019માં પૂરી થઈ હતી. નવા ધારાસભ્ય આશા પટેલના ખાસ ટેકેદાર દિનેશ પટેલની પેનલના 8 ઉમેદવારો હવે ઊંઝા બજારનો કોઈ પણ હિસાબે કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.  

13 ઉમેદવારો મેદાનમાં 

ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ભરાયેલાં ફોર્મની બુધવારે ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ખેડૂત વિભાગની 8 બેઠક માટે ભરાયેલાં તમામ 28 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠક માટે ભરાયેલા 16 ફોર્મ પૈકી 3 ફોર્મ રદ થતાં 13 ફોર્મ માન્ય રહ્યા હતા. ઊંઝા માર્કેટયાર્ડ પર કબજો જમાવવા ભાજપના બે જૂથો ગૌરાંગ પટેલ અને આશા પટેલના ટેકેદારો આમને-સામને છે.

કોના ફોર્મ રદ થયા 

એક જ ઉમેદવારે 4 ફોર્મ ભરતાં રદ થયા હતા. પટેલ નરેન્દ્ર કાનજીભાઇએ કુલ ચાર ફોર્મ ભર્યા હોઇ ત્રણ ફોર્મ રદ કરાયાં હતાં. હવે ૧લી જૂન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે, એટલે કે 1લી જૂને આખરી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 9 જૂને ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 10મીએ જાહેર થશે.

ભાજપના બે જૂથ સામસામે

એશિયાની  સૌથી મોટી અને આર્થિક રીતે સધ્ધર ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા આ વખતે ભાજપના જ બે જૂથો આમને સામને આવતાં ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ભાજપનાં ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલની પેનલ મેદાનમાં છે. જેને લઇ સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ખેડૂત અને વેપારી વિભાગના મતદારો 

આખરી મતદાર યાદી મુજબ ખેડૂત વિભાગના 313 મતદારો તેમજ વેપારી વિભાગના 1631 મતદારો છે. જ્યારે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં એકપણ મંડળી ન હોઈ બે બેઠક રદ કરાઈ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp