ખેડૂતોની આવક બેગણી કરવાના ટાર્ગેટથી હજુ પણ ઘણા પાછળ, 4 રાજ્યોમાં તો ઘટી આવક

PC: globalgiving.org

2022માં ખેડૂતોની આવક ડબલ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 28 ફેબ્રુઆરી, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીમાં જ્યારે સવાલ કર્યો તો ભીડે એક અવાજમાં કહ્યું, હાં હોવી જોઈએ. તે રેલીમાં PM મોદીએ કહ્યું કે, 2022માં જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થશે તો તે સમય સુધીમાં અમે ખેડૂતોની આવકને બેગણી કરી શકીએ છીએ. PM મોદીની જાહેરાત બાદ સરકારે માર્ચ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ડેડલાઈન તો પૂર્ણ થવા આવી ગઈ છે, પરંતુ ખેડૂતોની આવક બેગણી કરવાનો ટાર્ગેટ હજુ પણ ઘણો પાછળ છે.

એગ્રીકલ્ચર પર બનેલી સંસદીય સમિતિએ ગુરુવારે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. આ સંસદીય સમિતિના અધ્યક્ષ BJP સાંસદ પીસી ગદ્દીગૌદર છે. આ સમિતિના રિપોર્ટ અનુસાર, સરકાર પોતાના ટાર્ગેટથી હજી ઘણી દૂર છે. જોકે, સમિતિએ ખેડૂતોની આવક બેગણી કરવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંઓના વખાણ પણ કર્યા છે. સમિતિએ રિપોર્ટમાં બે સર્વેના આંકડા જણાવ્યા છે. તે સર્વે 2015-16 અને 2018-19ના છે. આ સર્વેના હવાલાથી સમિતિએ જણાવ્યું કે, 2015-16માં દેશના ખેડૂતોની મહિનાની સરેરાશ આવક 8 હજાર 59 રૂપિયા હતી, જે 2018-19 સુધી વધીને 10 હજાર 218 રૂપિયા થઈ ગઈ. એટલે કે 4 વર્ષમાં માત્ર 2 હજાર 159 રૂપિયાનો જ વધારો થયો છે.

સૌથી વધુ કમાણી મેઘાલયના ખેડૂતોની છે. અહીંના ખેડૂતોની દર મહિનાની આવક 29 હજાર 348 રૂપિયા છે. બીજા નંબર પર પંજાબ છે, જ્યાંના ખેડૂત 26 હજાર 701 રૂપિયા સુધી મહિનાની કમાણી કરે છે. ત્રીજા નંબર પર 22 હજાર 841 રૂપિયાની કમાણી સાથે હરિયાણાના ખેડૂતો છે.

4 રાજ્યોમાં ઘટી ખેડૂતોની આવક

  • દેશના ચાર રાજ્યો એવા છે, જ્યાં ખેડૂતોની આવક ઓછી થઈ છે. તેમા ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને નાગાલેન્ડ છે.
  • ઝારખંડના ખેડૂતોની દર મહિનાની કમાણી 2 હજાર 173 રૂપિયા ઓછી થઈ છે. જ્યારે, નાગાલેન્ડના ખેડૂતોની આવક 1 હજાર 551 રૂપિયા ઓછી થઈ છે. મધ્ય પ્રદેશના ખેડૂતોની આવક 1400 રૂપિયા તો ઓડિશાના ખેડૂતોની આવક 162 રૂપિયા ઘટી ગઈ છે.
  • કમિટીએ સલાહ આપી છે કે, સરકારે એક સ્પેશિયલ ટીમ બનાવવી જોઈએ જે આ રાજ્યોમાં ખેડૂતોની ઘટતી આવકના કારણો અંગે જાણકારી મળવે, સાથે જ આ રાજ્યોમાં યોગ્ય પગલાં લેવાની સલાહ પણ આપી છે.

એક તરફ ખેડૂતોની આવક વધી છે તો બીજી તરફ ખર્ચા પણ વધી રહ્યા છે. ગત વર્ષે નવેમ્બરમાં સરકારે જણાવ્યું હતું કે, દર મહિને 10218 રૂપિયા કમાતા હતા, તો 4226 રૂપિયા ખર્ચ થતો હતો. ખેડૂત દર મહિને 2 હજાર 959 રૂપિયા વાવણી અને ઉત્પાદન પર તો 1 હજાર 267 રૂપિયા પશુપાલન પર ખર્ચ કરે છે. એટલે કે, ખેડૂતની પાસે હાથમાં 6 હજાર રૂપિયા પણ પૂરા નથી આવતા.

આટલી ઓછી કમાણીને પગલે જ ખેડૂત દેવુ લેવા મજબૂર બને છે. ગત વર્ષે જુલાઈમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2021 સુધી ખેડૂતો પર 16.80 લાખ કરોડ રૂપિયા કરતા વધુનું દેવુ હતું. તે સમયે નાણા મંત્રાલયે પણ સ્પષ્ટ કરી દીધુ હતું કે, ખેડૂતોના દેવા માફી કરવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી.

બજેટ સત્રના બીજા ચરણમાં કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસેને ખેડૂતોની આવક બેગણી કરવાના વાયદા પર સવાલ કર્યો તો કૃષિ કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું કે, PMની જાહેરાત બાદ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કમિટીના ગઠન બાદ સતત પ્રયાસ કરતા ઘણા પિલર તૈયાર કરવામાં આવ્યા. એ પિલર અંતર્ગત આવક બેગણી કરવા માટે ખર્ચને ઓછો કરવામાં આવે, તેના પર કામ કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp