ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, સરકાર પર 77 કરોડનો બોજ વધશે

PC: facebook.com/rcfalduofficial/

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધરતીપુત્રો – ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો- ખેડૂતો પાસેથી એક સમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે 0 થી 7.5 હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂ. 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ 7.5 હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ 807.50 પ્રતિ હોર્સ પાવર દર હાલ છે.

હવે મુખ્યમંત્રીના કિસાન હિતલક્ષી એવા નિર્ણયને પરિણામે 0 થી 7.5 હોર્સ પાવર તેમજ 7.5 હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન રૂ. 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે. ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભૂર્ગભ જળના સ્તર નીચા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી સિંચાઇ હેતુ માટે લેવા વધારાના હોર્સ પાવરની વીજ મોટર લગાવવી પડે છે. રાજ્યના કિસાનોએ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતોને સંવેદનાપૂર્ણ અગ્રતા આપતાં વિજય રૂપાણીએ આ વીજ દર એક સમાન એટલે કે રૂ. 665 હોર્સ પાવર દિઠ પ્રતિ વર્ષ વસુલ કરવાનો તાત્કાલિક અને ત્વરિત નિર્ણય કર્યો છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નિયત થયા મુજબ આવા વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર રૂ. 2400 પ્રતિ વર્ષ 1 લી એપ્રિલ-2013 થી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતો-ધરતીપુત્રોના વ્યાપક હિતમાં કિસાનલક્ષી નિર્ણય લેતા હવે 7.5 થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે રૂ. 142.50 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી રૂપે વહન કરવાની થશે. આ નિર્ણયથી હાલ 7.5 હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે 2 લાખ કૃષિ વિષયક વીજગ્રાહકો – ખેડૂતોને લાભ મળશે.

રાજ્ય સરકારને આ તફાવત પેટે વાર્ષિક અંદાજે રૂ. 77 કરોડનો વધારાનો બોજ વહન કરવાનો થશે. મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનો માટે તાજેતરના માવઠા-કમોસમી વરસાદથી થયેલા નુકશાન સામે ઉદારત્તમ સહાય પેકેજ જાહેર કર્યા બાદ આજે હવે એકસમાન વીજ દર વસુલવાનો આ નિર્ણય કરીને રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે તેની પ્રતિતિ કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp