26th January selfie contest
BazarBit

આ ડેરીના 4 હજાર કરોડના વહીવટ માટે ભાજપના જ બે જૂથો વચ્ચે ડખો

PC: youtube.com

સહકારી ક્ષેત્રમાં જાણીતી 69 વર્ષ જુની સુરત કો.ઓ. મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડ (સુમુલ)માં રૂપિયા 4000 કરોડનો વહીવટ અને કારભાર મેળવવા માટે ભાજપના જ નેતાઓમાં આંતરીક ડખો ઉભો થયો છે.જાણકારો એવો આક્ષેપ કરી રહ્યા છે કે 2015 સુધી સુમુલમાં રાજકારણનો પડછાયો નહોતો. પણ વર્તમાન ચેરમેને ડેરીનો માહોલ બગાડી નાંખ્યો છે. હવે 7 ઓગસ્ટે થનારી ચુંટણીમાં ભાજપના જ બે ગ્રુપ આમને સામને આવી ગયા છે.ડેરીનો વહીવટ હાંસલ કરવા અત્યારે રાજકારણ ગરમાયું છે.આ વાત અત્યારે અમે એટલા માટે કહી રહ્યા છે કે 7 ઓગસ્ટે સુમુલની ચુંટણી થવાની છે અને ભાજપના બે બાહુબલી નેતા આમને સામને ચુંટણી લડી રહ્યા છે. 7 ઓગસ્ટ પછી ખબર પડશે કે સુમુલ ડેરીનો લાડવો કોના હાથમાં આવે છે. જો કે સત્તાધારી પક્ષ પર  ભ્રષ્ટ્રાચારના ઘણા આક્ષેપો લાગી ચુક્યા છે.

સુમુલ ડેરી  ની સ્થાપના 22 ઓગસ્ટ 1951ના રોજ કરવામાં આવી હતી. સુરત તેમ જ તાપી જિલ્લામાં વ્યાપ ધરાવતી, સહકારી ધોરણે કાર્ય કરતી સુમુલ ડેરીનું મુખ્ય કાર્યાલય તેમ જ પ્લાન્ટ સુરત શહેરમાં આવેલું છે.સુમુલ ડેરી સુરત તેમ જ તાપી જિલ્લામાં આવેલાં ગામોમાંથી દુધ મેળવી, પ્રોસેસ કરી, વિતરણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ઉપક્રમે પશુપાલકોને પશુઓ માટેનો ખોરાક, ડેરીનાં ઉત્પાદનો જેમ કે ઘી, છાસ વગેરેનું વેચાણ, પશુઓની સારવાર માટે નિષ્ણાત પશુ ચિકિત્સકો ની નિમણુંક કરે છે અને પશુપાલકો ને મદદરૂપ થાય છે અને હવે તો સુમુલ બેકરી  અને મિઠાઇ જેવા ધંધામાં પણ જોડાઇ ગઇ છે અને વર્ષે દિવસે 4,000 કરોડનું ટર્નઓવર કરે છે.

સુમુલ ડેરીની સ્થાપના 1951માં થઇ ત્યારે ચેરમેન તરીકે આશાભાઇ પટેલ હતા. તે વખતના સહકારી આગેવાનો જમીની કામ સાથે જોડાયેલા હતા અને ખેડુતો અને દુધ ઉત્પાદકોનું હીત સાચવતા હતા.તેમની મહેનતના સિંચનથી ઉભી થયેલી ડેરી હવે કરોડોના કારોબાર કરતી થઇ ગઇ છે એટલે રાજકારણીઓનો ડોળો સતત મંડાલાયેલો રહે છે.2015થી તો ભાજપના નેતાઓનું સુમુલ પર રાજ ચાલે છે.સુમુલ ડેરીમાં અત્યારે ચેરમેન તરીકે રાજેશભાઇપાઠક છે જે ભાજપ સાથે જોડાયેલા છે અને વાઇસ ચેરમેન છે રિતેશભાઇ વસાવા, જેઓ ભાજપના મંત્રી ગણપત વસાવાના ભત્રીજા છે.

હવે 7 ઓગસ્ટે સુમુલ ડેરીની ચુંટણી થવાની છે અને તેમાં સત્તાધારી પક્ષ અને સામે સહકાર પેનલ વચ્ચે ટકકર થવાની છે.સુમુલમાં ચેરમેન સહીત 16 ડિરેકટરની નિમણુંક થતી હોય છે.સુરત અને તાપી જિલ્લામાં આવેલા 16 તાલુકા દીઠ એક એક બેઠક નક્કી થતી હોય છે. અને 853 દુધ મંડળીના પ્રતિનિધિઓ  વોટ કરે છે.સત્તાધારી પક્ષમાં રાજેશભાઇ(રાજુ) પાઠક અને એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇનું ગ્રુપ છે જયારે સામે ભાજપના ગુજરાતના કેબિનેટ કક્ષાના મંત્રી અને આદિવાસી નેતા ગણપત વસાવા, તેમના ભત્રીજા રિતેશ વસાવા, કોંગ્રેસમાંથી  તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા જયેશ પટેલ ( દેલાડ), ઇશ્વરસિંહ પરમાર, માજી સાસંદ  અને વર્ષોથી સુમુલ સાથે જોડાયેલા માનસિંહ પટેલ સહિતના નેતા સહકાર પેનલથી ચુંટણી લડી રહ્યા છે.

જયેશભાઇ પટેલ (દેલાડ)એ khabarchhe.com સાથે વાત કરતા કહ્યું કે 16 બેઠકમાંથી 3 બેઠક તો સહકાર પેનલની બિનહરિફ જાહેર થઇ ગઇ છે એટલે સત્તાધારી પક્ષ આ વખતે જીતે એવા કોઇ સંજોગો નથી.જયેશ પટેલે વર્તમાન કારભારીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે 2015થી જ ડેરીમાં રાજકારણ ઘુસ્યું છે. પહેલાના વખતમાં ડેરીમાં 50 કરોડની થાપણ રહેતી હતી, પરંતુ વતર્માન હોદ્દેદારોએ રૂપિયા 1100 કરોડનું દેવું કરી દીધું છે.

અમે સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક અને સંદીપભાઇ દેસાઇનો પક્ષ જાણવા માટે અનેક વખત ફોન કર્યા હતા પણ તેમણે જવાબ આપવાની તસ્દી લીધી નહોતી.રાજુભાઇ પાઠક અને ગણપતભાઇ વસાવાના આંતરિક રાજકારણને લીધે ભાજપને કેટલું નુકશાન થશે તે સમય જ કહેશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp