લીલાધરની લીલા: પુત્ર ભાજપમાંથી ગયા અને પોતે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો

PC: abtakmedia.com

ભાજપના સાંસદ લીલાધર વાઘેલાએ પોતાની સરકાર સામે શીંગડા ભરાવ્યા છે. તેઓ સરકાર સામે થઈને ખેડૂતોની વ્હારે આવ્યા છે. SBI કચેરી સમક્ષ વળતર માટે ધરણાંની ચિમકી આપી છે.
બનાસકાંઠાના આશરે 68 હજાર ખેડૂતોને વર્ષ 2017મા પ્રધાનમંત્રી ફસલ યોજના વિમાનું વળતર મળ્યું નથી. તેથી તેઓ પોતાની ભાજપ સરકાર લડી લેવાના મૂડમાં છે. લીલાધર વાધેલાના પુત્ર થોડાં દિવસ પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. લીલાધર વાઘેલા પોતે પણ મૂળ કોંગ્રેસના હતા અને પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈને ગુજરાતની ભાજપ સરકારમાં પ્રધાન બન્યા હતા.

બનાસકાંઠામાં જિલ્લામાં 68 હજાર જેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં વીમો લઈ પ્રીમીયમ ભરેલ હોવા છતાં SBIની વીમા શાખાએ હજુ સુધી વળતર ચૂકવ્યું નથી. બે દિવસ અગાઉ જિલ્લા કલેક્ટરએ આજ મુદ્દે આખરી ઉપાયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાની મુખ્ય શાખાને તાકીદ નોટિસ ફટકારી ખેડૂતોને વીમા વળતર કરવા આદેશ કર્યો છે અને જો વળતર નહિ થાય તો SBIની વીમા શાખાને બ્લેક લિસ્ટ કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. જોકે નવાઈ વચ્ચે આ મુદ્દે ભાજપ-કોંગ્રેસના મોટા ભાગના નેતાઓની ચૂપકીદી વચ્ચે બનાસકાંઠાના ડિસાના પૂર્વ ધારાસભ્ય અને પાટણ ભાજપ સાંસદ લીલાધર વાઘેલા ખેડૂતોની વહારે આવ્યા છે. જેમણે બુધવારે SBI કચેરી સમક્ષ વળતર માટે ધરણાંની ચિમકી ઉચ્ચારી હતી.

પાટણ ભાજપના સાંસદ લીલાધર વાઘેલાએ બુધવારે બનાસકાંઠાના પીડિત ખેડૂતોની વ્યથા સાંભળી હતી. જેમાં SBIની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા હોવા છતાં વર્ષ 2017મા વ્યાપક તારાજી વચ્ચે પીડાતા ખેડૂતોને તેમના હક્કના વિમાનું વળતર ચૂકવ્યું નથી. ખેડૂતોએ કપરા સમયે જો પાક નિષ્ફળ જાય તો વિમો લીધો હતો અને સરકારનો પણ મૂળભૂત ઉદ્દેશ આ વિમા પાછળ એવો છે કે, જો પાક નિષ્ફળ જાય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રીમીયમના કેટલાંક ટકા ખેડૂતોના હક્કમાં ભરે અને બાકીની રકમ ખેડૂતો ચૂકવે તે મુજબ પ્રીમીયમ ભર્યા બાદ નુકશાનીમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતોને વિમાની રકમ મળે અને ખેડૂતો પાછાં બેઠાં થઈ શકે. જો કે, વિમાના મૂળભૂત ઉદ્દેશનો છેદ ઉડાડી SBI વિમા અધિકારીઓએ વર્ષ 2017ના પૂર નુકશાનમાં રાતી પાઈ પણ ન ચૂકવી ખેડૂતોનો દ્રોહ કર્યો હતો. સમગ્ર મામલે તથા દસ્તાવેજી પુરાવાઓ જોઈ સાંસદ લીલાધર વાઘેલા લાલઘૂમ થયા હતાં. જે બાદ તેમણે જૂલ્લા કલેક્ટર સંદીપ સાંગલે સાથે ટેલિફોનિક વાત કરી SBI વિમા વિભાગની નિષ્ક્રિયતા બાબતે સરકાર તરફથી લેવાયેલા પગલાની જાત માહિતી મેળવી હતી. એટલું જ નહિ બનાસકાંઠાના 68 હજાર ખેડૂતોને વળતર ન ચૂકવનાર સ્ટેટ બેંક વીમા શાખાની ઝાટકણી કાઢી હતી. આજ મુદ્દે લાલઘૂમ થયેલા સાંસદે જાહેર કર્યું હતું કે આ ખેડૂતો સાથેનો અન્યાય છે. જે કદાપી ચલાવી શકાય નહિ. જો યુદ્ધના ધોરણે સ્ટેટ બેંક પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનું પીડિત ખેડૂતોને વળતર નહિ ચૂકવે તો હું સ્ટેટ બેંક કચેરી આગળ આ મુદ્દે ધરણા કરીશ તેવું જાહેર કરતાં વિવાદ વકર્યો છે.

જોકે, આ બાબતે જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેએ જણાવ્યું હતું કે, "સાંસદ લીલાધર વાઘેલાએ મારી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના પીડિત ખેડૂતોના વળતર માટે રજૂઆત કરી હતી. જો કે, આ મામલે અમોએ અગાઉ પગલાં લીધા છે. જેમાં SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના જનરલ મેનેજર, મુંબઈ, મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર, અમદાવાદને બનાસકાંઠા જિલ્લાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફસલ વિમા યોજના અંતર્ગત ખરીફ પાક 2017ના પાક નિષ્ફળતા ક્લેમ સેટલમેન્ટ કરવા બાબતે ગત ડી.એલ.એમ.સી.ની બેઠકમાં મળેલ સૂચના આધારે નોટિસ મોકલાવેલી છે. કેમ કે, ડી.એલ.એમ.સી.ની બેઠકમાં મંજૂર થયેલા ખરીફ પાકોના નુકશાન અંગેના ડેટા સમયસર આપેલ છે. તેમ છતાં આ વિમા કંપની દ્વારા ક્લેમ સેટલમેન્ટની કોઈ જ કામગીરી આજદિન સુધી કરેલ નથી. આ ગંભીર બાબત હોઈ અમોએ સબંધિત વિમા કંપનીને બ્લેક લિસ્ટ કરવા માટે સત્તા મંડળની ભલામણ કેમ ન કરવી? તે બાબતનો સ્પષ્ટ ખુલાસો દિન– 7મા સબંધિત SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના આલા અધિકારીઓને કરવા નોટિસ પણ પાઠવેલી છે, તેવું જણાવ્યું હતું.

જો કે, જાહેર હિતની અને જિલ્લા ભરના 68 હજાર જેટલા પાક નિષ્ફળ માટે વળતર મેળવવા જિલ્લા કચેરીઓમાં હડીયા પાટુ કરતાં ખેડૂતોની આ સમસ્યામાં કલેક્ટરની પ્રથમ નોટિસ અને તે બાદ સાંસદના ધરણાની જાહેરાતથી આગામી સમયમાં SBIની વીમા શાખાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp