ગુજરાતમાં આ તારીખથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, જાણો પ્રતિ મણની કિંમત

PC: vtvgujarati.com

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને આગામી તા.21મી ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આર.સી.ફળદુએ મીડિયાને વિગતો આપતાં કહ્યુ કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા માટે તા.1લી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે.

ત્યારબાદ તા.21મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે.એ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે. આર.સી.ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવિ અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી કરવામાં આવશે, એમાં પ્રતિ મણ રૂ. 1055ના ભાવે ખરીદી કરાશે.

સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ છે અને જે ખેડૂતોએ વહેલી મગફળીનું વાવેતર કર્યું હતું એવા વિસ્તારના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વહેલી કરવા માટે રજૂઆત કરતા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય લઇ વહેલી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે મગફળીની ખરીદી બાદ આગામી સમયમાં કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

આર.સી.ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છેએ માટે હર હંમેશની જેમ સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. જે ખેડૂતોના ઊભા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું છે એમને SDRFના ધોરણે સહાય કરવાનો અમારી સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સર્વેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે. અંદાજે રાજ્યમાં 13 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂર જણાય તો ખેડૂતોના હિત માટે સર્વેની કામગીરી લંબાવવામાં પણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp