ટામેટા 200થી 5 રૂ. કિલોએ પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં, MSPની માગ
થોડા દિવસ પહેલાની વાત છે, જ્યારે ટામેટાની કિંમતો આકાશને આંબી હતી. તે દરમિયાન સામાન્ય નાગરિકો પરેશાન હતા અને ખેડૂતોએ સારો એવો નફો કમાઇ લીધો હતો. જોકે એક મહિનાની અંદર જ ટામેટાની કિંમતો 200 રૂપિયા કિલોથી 3 થી 5 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. સ્થિતિ એવી છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતો ક્યાં તો ટામેટાનું ઉત્પાદન છોડના કે પછી પોતાના પાકોને નષ્ટ કરવા માટે મજબૂર છે.
ટામેટાના બમ્પર ઉત્પાદન પછી તેની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેને લઇ ખેડૂતો પરેશાન છે. પુણેના બજારોમાં ટામેટાની કિંમત 5 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. નાસિકના પિંપલગામ, નાસિક અને લાસલગામની 3 મંડીઓમાં ટામેટાની સરેરાશ કિંમત પાછલા 6 અઠવાડિયામાં 2000 રૂપિયા પ્રતિ ક્રેટ(20 કિલો)થી ગગડીને 90 રૂપિયા થઇ ગઇ છે. કોલ્હાપુરમાં ટામેટા જથ્થાબંધ બજારોમાં 2-3 રૂ. પ્રતિ કિલોએ વેચવામાં આવી રહ્યા છે. જે લગભગ એક મહિના પહેલા 220 રૂપિયાની આસપાસ હતા.
ખેડૂતોનું શું કહેવું છે
નાસિકના કૃષિ કાર્યકર્તા સચિન હોલકરે કહ્યું કે, આ પ્રકારના બજારમાં આવતા ઉતાર-ચઢાવને રોકવા માટે ટામેટા અને કાંદા માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) જ એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે, એક એકડ જમીનમાં ટામેટાની ખેતી માટે ખેડૂતે 2 લાખ રૂપિયા સુધીની મૂડીની જરૂરત હોય છે. પણ માર્કેટની સ્થિતિ એવી છે કે ખેડૂતો પાકોને ઓછા ભાવે વેચવા પર મજબૂર છે. જેમાં ખેડૂતોનો ખર્ચો પણ નીકળી શકતો નથી.
આંકડા શું કહે છે
મહારાષ્ટ્રના કૃષિ વિભાગના આંકડા મુજબ, નાસિક જિલ્લામાં ટામેટાની ખેતીનું સરેરાશ ક્ષેત્રફળ લગભગ 17000 હેક્ટર છે. જેમાં 6 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થતું હતું. આ વર્ષે ટામેટાના ભાવમાં અચાનક વૃદ્ધિથી ખેડૂતોને ધારવા કરતા વધારે લાભ મળ્યો હતો. જેને લીધે આ વર્ષે ટામેટાની ખેતી બેગણી થઇને 35000 હેક્ટર થઇ ગઇ. જેનું અંદાજીત ઉત્પાદન 12.17 લાખ મેટ્રિક ટન છે. સરકારી આંકડા પ્રમાણે, પુણે જિલ્લાના એક માર્કેટમાં ટામેટાની કિંમતો 3200 રૂપિયા પ્રતિ ક્રેટ સુધી પહોંચી ગઇ હતી.
પાકો નષ્ટ કરવા મજબૂર ખેડૂતો
ઘણાં ખેડૂતો જેમણે પાક લગાવવા અને કાપવા સુધીમાં એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે. પણ હાલમાં બજારમાં ભાવો ઓછા થવાને કારણે તેમનો ખર્ચો પણ નીકળી રહ્યો નથી. એ કારણે ખેડૂતો પોતાના પાકોને ખેતરમાં જ છોડી તેને સડવા દેવા પર મજબૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp