કોરોનાકાળમાં વેપાર બંધ થતા શરૂ કરી માટી વગરની ખેતી, આજે મોટી કમાણી

PC: News18

કોરોના વાયરસની બીમારીના કાળે અનેક વ્યવસાય અને વેપારની કમર ભાંગી નાંખી છે. માત્ર આપણા રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશમાં કોરોનાના ગ્રહણની માઠી અસર થઈ છે. બીજી તરફ અનેક વ્યવસાય કે વેપારીઓ કામ બંધ રહેતા મુશ્કેલીમાં મૂકાયા છે. તો કેટલાક વ્યપારીઓએ પોતાના વિષય બદલાવીને નવા સાહસ કરવાનું શરૂ કરી દીધું છે.

ઘણા બધા લોકોએ ઘરમાં ગાર્ડનિંગ કરવાનું શરૂ કર્યું છે. તો ઘણા યુવાનો ખેતી તરફ વળ્યા છે. ખેતી ક્ષેત્ર પર લોકડાઉનની ખાસ કોઈ અસર થઈ નથી. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઉદયપુરમાં પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા ચાર મિત્રોને કામ મળવાનું બંધ થતા ખેતી કરવાનું વિચાર્યું હતું. મહેનત અને મજબૂત મનોબળના સહારે આ ચારેય મિત્રોને આજે એવી સફળતા મળી છે કે, પ્રવાસીઓ પણ એની મુલાકાત લઈ રહ્યા છે. કોરોના કાળમાં પ્રવાસ ક્ષેત્ર ઠપ થઈ જતા ઉદયપુરના ચાર યુવાન દિવ્ય જૈન, ભૂપેન્દ્ર જૈન, રોનક અને વિક્રમે ખેતી કરવાનું વિચાર્યું. પણ સાથે નવી ટેકનોલોજીને તેઓ ભૂલ્યા નથી. પણ નવો કોન્સેપ્ટ હતો માટી વગરની ખેતીનો. ઉદયપુરથી 12 કિમી દૂર 10,000 વર્ગફૂટ પર ઓટોમેટેડ ફાર્મ બેન્ક તૈયાર કરી છે. માટી વગરની આ ખેતીને હાઈડ્રોપોનિક ફાર્મિંગ કહેવાય છે. જેના માધ્યમથી ઓક લેટ્યુસ, બ્રોકલી, ચા તથા ચેરી ટોમેટો જેવા પાકની તેઓ ખેતી કરે છે. આ તમામ પાકની સૌથી વધારે માગ ફાઈવ સ્ટાર હોટેલ કરે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ વિચારમાં આવે કે, માટી વગર ખેતી કેવી રીતે થાય?

સૌ પ્રથમ આ ચારેય મિત્રોએ ખેતીને લગતા તમામ મુદ્દાઓ પર ખૂબ રીસર્ચ કર્યું. પછી ઉદયપુરમાં પોલી હાઉસ તૈયાર કરીને ખેતી કરવાનું શરૂ કર્યું. જેમાં માટીનો કોઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તાપમાનને સ્થિર રાખીને છોડના મૂળીયા સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવામાં આવતું હતું. પછી એમાં જુદા જુદા શાકભાજી માટે પ્રયોગ કરવામાં આવ્યા. હાઈડ્રોપોનિક ખેતીમાં બીજ રોપવાથી લઈને પાક લેવા સુધીની પ્રક્રિયા અલગ હોય છે. છોડવા પ્લાસ્ટિક કપમાં અંગ્રેજી મૂળાક્ષર એ ના આકારમાં એક જ લાઈનમાં રાખવામાં આવે છે. પછી છોડના મૂળ સુધી જરૂરિયાત અનુસાર પાણી આપવામાં આવે છે.

આ પાણીમાં ન્યુટ્રેટ સોલ્યુશનનું મિશ્રણ કરવામાં આવે છે. જેથી છોડને જરૂરી પોષકતત્ત્વો મળી રહે. મૂળ સુધી પાણી મળી રહે એ માટે ખાસ પ્રકારની પાઈપલાઈન તૈયાર કરી પાણી છાંટવામાં આવે છે. જ્યારે પોલી હાઉસમાં 27થી 30 ડિગ્રી સુધીનું તાપમાન જળવાઈ રહે એ રીતે તાપમાન સેટ કરી દેવામાં આવે છે. શરૂઆતથી જ આ પદ્ધતિથી થયેલી ખેતીના પરિણામ સારા મળ્યા. કોબી, કોથમરી, ફ્લાવર, બ્રોકલી, મરચાનો સારો એવા પાક થતા ફાઈવ સ્ટાર હોટેલવાળાની માગ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp